અમદાવાદટોપ ન્યૂઝ

રાહુલ ગાંધીએ ફરી ચૂંટણીના મુદ્દાઓ પર વાત કરીઃ કૉંગ્રેસને મજબૂત કરવા બાબતે શું?

અમદાવાદઃ અમદાવાદ ખાતે કૉંગ્રેસનું બે દિવસીય અધિવેશન પૂરું થયું છે ત્યારે કૉંગ્રેસે ચોક્કસ ગુજરાતમાં આ આયોજન કરીને એક સંદેશ આપવાની કોશિશ કરી છે, પરંતુ આ અધિવેશનમાં દેશની સમસ્યાઓ અને ચૂંટણી સમયે સર્જાતા મુદ્દાઓની વાત વધારે થઈ છે અને પક્ષમાં જોમ ભરવાની, પક્ષ ક્યા નબળો પડયો છે અને પક્ષે આગળની રણનીતિ કેવી અપનાવવી જોઈએ અને પક્ષ કેવી રીતે ફરી ઊભો થશે તેવો સંદેશ આપવાનું કામ ઓછું થયું હોવાનું જણાઈ રહ્યું છે. થોડા દિવસો પહેલા જ્યારે રાહુલ ગાંધી ગુજરાત આવ્યા હતા ત્યારે તેમણે બીજી વાત ન કરતા પક્ષની આંતરિક સમસ્યાઓ વિશે ખુલીને વાત કરી હતી, જેનાથી પક્ષના નિષ્ઠાવાન કાર્યકર્તાઓમાં આશા જાગી હતી, પરંતુ અધિવેશનમાં રાહલ ગાંધી અને ખરગે સહિતના નેતાઓએ દેશની સ્થિતિ અને ભાજપ-આરએસએસની ટીકા કરી છે, મોદી સરકારની ટીકા કરી છે, પરંતુ પક્ષની રણનીતિની રૂપરેખા આપી નથી.

વક્ફ બોર્ડથી માંડી અદાણી-અંબાણીના મુદ્દા ફરી ગાજ્યા

સંસદમાં તાજેતરમાં પસાર થયેલો અને વિવાદમાં સપડાયેલો મુદ્દો રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં છેડ્યો હતો. તેમણે વક્ફ બોર્ડ બિલને ધાર્મિક સ્વતંત્રતા પર હુમલો કહ્યો હતો .આ સાથે એવો આક્ષેપ લગાવ્યો હતો કે હવે તેઓ ક્રિશ્ચિયનની જમીન પર પણ હુમલો કરવાની તૈયારી કરી રહ્યા છે ત્યારબાદ તેઓ શિખ ધર્મ પર પણ આ રીતે હુમલો કરશે. તેમણે આ હુમલાને સંવિધાન પરના હુમલા તરીકે વર્ણવ્યું હતું.

તેલંગણામાં જાતીય જનગણના એક ક્રાંતિ

રાહુલ ગાંધી અને કૉંગ્રેસ પક્ષ સતત જાતીય વસ્તી ગણતરીનો આગ્રહ કરી રહ્યા છે. તેમણે તેલંગણામાં વસ્તી ગણતરી જાતીના આધારે કરાવી અને તેનો મુદ્દો ઉછાળ્યો હતો. તેમણ કહ્યું કે આ એક ક્રાંતિકારી પગલું હતું. આ પરથી અમને ધ્યાનમાં આવ્યું કે રાજ્યમાં ક્યો વર્ગ કેટલા પ્રમાણમાં રહે છે અને તેમને દરેક ક્ષેત્રમાં પ્રતિનિધિત્વ મળે છે કે નહીં. તેમણે એમ પણ જણાવ્યું કે મોટી કોર્પોરેટ કંપનીમાં ઓબીસી, પછાતવર્ગ કે આદિવાસીઓનું કોઈ પ્રતિનિધિત્વ જ નથી. તેઓ માત્ર મજૂરીકામ કરે છે અને તડકામાં તપે છે. આ લોકોને તેમનો હક મળે છે કે નહીં તે જોવા માટે આપણી પાસે એક એક્સ રે હોવો જોઈએ અને તે એક્સ રેનું કામ આ જાતી ગણતરી કરી શકશે.

ટ્ર્મ્પના ટેરિફથી આવશે આર્થિક તોફાન
રાહુલ ગાંધીએ પોતાના ભાષમમાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફનો પણ ઉલ્લેખ કર્યો હતો. રાહુલે કહ્યું કે એક સમયે મોદી અમેરિકા જતા તો રાષ્ટ્રપતિ તેમને ગળે લગાડતા, પરંતુ છેલ્લી મુલાકાતમાં તમને આવો ફોટો નહીં દેખાય. કારણ કે ટ્રમ્પે ટેરિફ લગાવ્યો છે અને તેના દેશમાં આર્થિક તોફાન આવશે, પરંતુ આ મામલે વડા પ્રધાન મોદી કંઈ બોલતા નથી. તેમણે બાંગ્લાદેશના વડા પ્રધાન પણ ગમે તેમ બોલી જાય છે અને મોદી વળતો પ્રહાર કરતા નથી તેવી ટીકા કરી હતી.

રાહુલે દાદી ઈન્દિરાને યાદ કર્યા
રાહુલ ગાંધીએ તેમના ભાષણમાં દાદી ઈન્દિરા ગાંધીને યાદ કર્યા હતા. ભારતના પહેલા અને એકમાત્ર મહિલા વડાં પ્રધાન ઈન્દિરા ગાંધીને કોઈ પૂછતા કે તમે ડાબેરી છો કે જમણેરી ત્યારે ગાંધી જવાબ આપતા હું દેશની વડાં પ્રધાન છું અને તેથી હું કોઈ એક તરફ નમેલી નથી, વચ્ચે છું. તેમણે એમ પણ કહ્યું કે ઈન્દિરા ગાંધી કહેતા કે હું મારું કામ કરું છું અને કોઈ શું કહે, મારા મર્યા પછી કોઈ મને યાદ રાખે તેની પરવા હું કરતી નથી. હું પણ મારા દાદીની જેમ જ મારું કામ કરું છું.

જિલ્લા અધ્યક્ષને અપાશે તાકાત

રાહુલ ગાંધીએ સંગઠનની તાકાત વધારવા માટે જિલ્લાધ્યક્ષને અને જિલ્લા સ્તરે કામ કરતા લોકોને પક્ષમાં મહત્વનું સ્થાન આપવા, તેમને મજબૂત બનાવવાની વાત કરી હતી. ખરગેએ પણ અગાઉ આ વાત કરી હતી. આવનારી 15મી એપ્રિલથી કૉંગ્રેસ ગુજરાતમાં જિલ્લા સ્તરની બેઠકો કરશે અને તેમાં રાહુલ અને ખરગે શક્ય બનશે તો આવશે અને ત્યારબાદ 28મી એપ્રિલથી રાજસ્થાનમાં આ કસરત કરવામાં આવશે, તેમ પછીથી કે સી વેણુગોપાલે જણાવ્યું હતું.

કૉંગ્રેસ સંગઠન વિશે ઓછી વાત

એક મજબૂત વિરોધપક્ષ તરીકે કૉંગ્રેસ દેશની હાલની સ્થિતિની સમીક્ષા કરે તે જરૂરી, પરંતુ આ અધિવેશન ખરા અર્થમાં પક્ષની સ્થિતિની સમીક્ષા કરવા માટે હતું અને પક્ષના નેતાઓનું માર્ગદર્શન કરવા માટે હતું. પક્ષે સંગઠનને મજબૂત બનાવવા શું કરવું, પક્ષ ક્યા નબળો પડી રહ્યો છે, આગામી સમયમાં કેવા પડકારો આવશે અને તેની સામે કેવી રીતે ઊભા રહીશું તે અંગે રાહુલના ભાષણમાં બહુ ઓછી વાત થઈ. રાહુલે ચોક્કસ એ કહ્યું કે દેશને આઝાદી અને સંવિધાન કૉંગ્રેસના પ્રયાસોથી મળ્યું છે અને આજના સમયમાં તેના પર હુમલો થઈ રહ્યો છે આથી કૉંગ્રેસના સભ્યોએ તેના રક્ષણ માટે સંઘર્ષ કરવો પડશે

પરંતુ ખરો સંઘર્ષ તો કૉંગ્રેસે રાજ્યોમાં ચૂંટણીઓ જીતવા માટે કરવાનો છે. મોટાભાગના રાજ્યોમાં કૉંગ્રેસ મજબૂત વિપક્ષ તરીકે પણ ઊભો નથી. જનતા સાથેનો સંપર્ક ખોઈ ચૂકેલી પાર્ટી ફરી જનતા વચ્ચે કઈ રીતે જશે અને પોતાની સ્થિતિ કઈ રીતે બનાવશે તેવો કોઈ સશક્ત સંદેશ સત્તાધારી પક્ષને મળ્યો નથી. આ બધા વિષયો ચૂંટણી કે સંસદમાં રજૂ કરવાના મુદ્દા છે, હાલ તો પક્ષને કઈ રીતે ઊભો કરવો તે વિશેષ મહત્વનું છે ત્યારે આ પ્રકારની રૂપરેખા રાહુલ ગાંધી કે ખરગેના ભાષણમાં જોવા મળી નહીં.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button