…જે લોકો કામ કરવા માગતા નથી તેઓ નિવૃત્ત થઈ જાયઃ છેલ્લા દિવસે ખડગેએ આપી ચેતવણી

અમદાવાદઃ અમદાવાદમાં સાબરમતી નદીના કિનારે આયોજિત અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના 84મા અધિવેશન દરમિયાન મલ્લિકાર્જુન ખડગે પોતાના અભિભાષણમાં પાર્ટીમાં રહીને પાર્ટી માટે કામ ના કરતા નેતોને કડક શબ્દોમાં સૂચના આપી છે. મલ્લિકાર્જુન ખડગેએ કોંગ્રેસ નેતાઓને આકરા શબ્દોમાં ટકોર કરી છે. મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, જે લોકો પાર્ટીમાં કામ કરવા નથી માંગતા તેમને હવે આરામ કરવાની જરૂર છે. એટલું જ નહીં, જે લોકોને પાર્ટી દ્વારા જવાબદારીઓ આપવામાં આવી છે, તે નિભાવતા નથી તેમને નિવૃત્ત થઈ જવું જોઈએ.
પાર્ટીમાં રહીને પણ કામ ના કરતા લોકોને ખડગે શું કહ્યું?
મલ્લિકાર્જુન ખડગેએ નવી રણનીતિની તો વાત કરી જ હતી કે, કોઈ પણ પ્રકારના પક્ષપાત વિના ચૂંટણીમાં ઉમેદવારોની પસંદી કરવામાં આવશે. એટલું જ નહીં, પાર્ટીમાં રહીને કામ ના કરતા લોકોને ખાસ ટકોર કરી હતી. ખડગેએ કહ્યું હતું કે જે લોકો પાર્ટીના કામમાં મદદ નથી કરતા તેમણે આરામ કરવાની જરૂર છે, જે લોકો પોતાની જવાબદારીઓ પૂર્ણ કરતા નથી તેમણે નિવૃત્તિ લેવી જોઈએ.’ મહત્વની વાત એ છે કે, કોંગ્રેસ પાર્ટી હવે કામ કરતા લોકોને વધારે તક આપવાની વિચારણા કરી રહી છે. ખડગેએ એવું પણ કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી મહાત્મા ગાંધી અને સરદાર પટેલના સિદ્ધાંતો પ્રમાણે ચાલે છે, એટલા માટે પાર્ટીના દરેક લોકોને કામ કરવા હાકલ કરી હતી.
શહેર અને જિલ્લા પ્રમુખોનોને લઈને ખડગેએ કરી આ ખાસ વાત
મલ્લિકાર્જુન ખડગેએ વધુમાં કહ્યું કે, સંગઠનમાં જિલ્લા પ્રમુખોની ભૂમિકા મહત્વપૂર્ણ બનવાની છે.’ તેથી, તેમની નિમણૂક AICCની માર્ગદર્શિકા અનુસાર કડક અને નિષ્પક્ષ રીતે થવી જોઈએ. ખડગેએ કહ્યું કે જિલ્લા પ્રમુખે તેમની નિમણૂકના એક વર્ષની અંદર શ્રેષ્ઠ લોકોને સમાવીને બૂથ સમિતિ, મંડલ સમિતિ, બ્લોક સમિતિ અને જિલ્લા સમિતિની રચના કરવાની રહેશે, જેમાં કોઈ પણ પ્રકારનો પક્ષપાત કરવામાં આવશે નહીં. અમે ભારતભરમાંથી જિલ્લા અધ્યોક્ષોની બેઠક બોલવીને ચર્ચા કરી હતી. ભવિષ્યમાં ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયામાં જિલ્લા પ્રમુખોનો પણ સમાવેશ કરવામાં આવશે તેવું ખડગેએ પોતાના ભાષણમાં જણાવ્યું હતું.

આ પણ વાંચો: અધિવેશનના બીજા દિવસે ખડગે ભાજપ પર વરસ્યા, ટેરિફ, ચૂંટણી સહિત અનેક મુદ્દે લગાવ્યા ગંભીર આરોપ…
આપણે ફરીથી ભારતની સ્વતંત્રતા માટે લડવાનું છે
મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, સાબરમતીના કિનારેથી આપણે ન્યાયના માર્ગ પર ચાલવા માટે દૃઢ નિશ્ચય, સંઘર્ષ અને સમર્પણનો સંદેશ લઈ જઈ રહ્યા છીએ, આપણે ફરીથી ભારતની સ્વતંત્રતા માટે લડી રહ્યા છીએ સ્વતંત્રતા માટેની આ બીજી લડાઈમાં આપણાં દુશ્મનો અન્યાય, અસમાનતા, ભેદભાવ, ગરીબી અને સાંપ્રદાયિકતા છે. સ્વાભાવિક છે કે, આમાં સત્તા પક્ષમાં રહેલી ભારતીય જનતા પાર્ટીની વાત કરવામાં આવી હતી. કારણ કે, ખડગેએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે પહેલા વિદેશીઓએ અન્યાય, ગરીબી અને અસમાનતાને વધારી હતી, જ્યારે હવે આપણી પોતાની સરકાર પણ આમ કરી રહી છે.
ઈવીએમને વિરોધી પક્ષોને હરાવવા માટે બનાવવામાં આવ્યા
મલ્લિકાર્જુન ખડગેએ સત્તા પક્ષ પર સીધું નિશાન સાધ્યું અને વાક્ પ્રહાર કર્યાં હતા. ખડેગેએ આરોપ લગાવ્યો કે, ઈવીએમને માત્ર વિરોધી પક્ષોને હરાવવા માટે બનાવવામાં આવ્યા છે. ફરી એકવાર ખડગેએ મતપત્રનો ઉપયોગ કરીને ચૂંટણી કરાવવાની માંગ ઉઠાવતા કહ્યું કે વિશ્વના 95 ટકા દેશો મતપત્રનો ઉપયોગ કરીને ચૂંટણી કરાવે છે અને આપણે હજુ પણ EVM પર નિર્ભર છીએ. સ્વાભાવિક છે કે, કોંગ્રેસના ગુજરાતમાં છેલ્લા 25 વર્ષથી સત્તા નથી મળી. જેથી હવે કોંગ્રેસ સહિત અનેક વિરોધી પાર્ટીઓ બેલેટ પેપરથી મતદાન કરાવવા માટે માંગ કરી રહી છે.