ઈન્ટરવલ

ટેરિફના તાંડવથી ભારત કેટલું સુરક્ષિત?

કવાયત ટેરિફ વોરના પડકારને ટ્રેડ ડીલમાં રૂપાંતરિત કરવાની

કવર સ્ટોરી -નિલેશ વાઘેલા

અમેરિકન પ્રેસિડેન્ટ ટ્રમ્પે આખરે તેના તર્ક વગરના અને સૌને પાયમાલી તરફ દોરી જનારા તઘલખી વિચારોને સત્તાની ગોફણમાં ભેરવીને વૈશ્ર્વિક અર્થતંત્રને માથે રેસિપ્રોકલ ટેરિફને નામે પછાડી જ દીધા છે. ટ્રમ્પ પાસે ખરેખર આ રીતે ટેરિફ લાદવાની સત્તા છે કે નહીં તે અંગે ક્યાંક કાનૂની ખટલા ચલાવવાનો ધીમો ચણભણાટ સંભળાઇ રહ્યો છે, પરંતુ અત્યારે તો વૈશ્ર્વિક ટ્રેડ વોરના મંડાણ થઇ ગયા છે.

આ તરફ ચીને ટ્રમ્પની ટેરિફની જાહેરાતના 48 જ કલાકામાં અમેરિકાની તમામ આયાત પર 34 ટકા ટેરિફનો વળતો ઘા કરીને ગ્લોબલ ટ્રેડ વોર નવાં જોખમી સ્તરે પહોંચાડવાની દિશામાં પહેલુ પગલું માંડી દીધું છે. આની સામે ટ્રમ્પે એવી ચીમકી ઉચ્ચારી છે કે જો ચીન આ લખાઇ રહ્યું છે ત્યારે, એટલે કે આઠમી માર્ચ સુધીમાં ઉક્ત ટેરિફ પાછી નહીં ખેંચે તો અમેરિકા તેની સામે 50 ટકાની ટેરિફ ઝીંકશે. ચીને વળી આનો પણ સ્પષ્ટ પ્રત્યુત્તર આપ્યો છે કે તે અમેરિકાની કોઇપણ બ્લેક મેઇલિંગને વશ નહીં થાય. ચીને તો અગાઉ પણ અમેરિકાને સીધો પડકાર આપ્યો હતો કે ચીન અમેરિકાને નાણાકીય કે અથવા જે કોઇ પ્રકારનું યુદ્ધ જોઇતું હોય તો તેનો સામનો કરવા તૈયાર અને સક્ષમ છે!

આ શત્રુ દેશ માટે ભારોભાર તિરસ્કાર ઉભરાતો હોવા છતાં તેની આ વાત ગમી છે. વાસ્તવમાં ખૂદ અમેરિકાના અર્થતંત્ર માટે પણ આ પગલું નકારાત્મક છે. ટ્રમ્પની રેસિપ્રોકલ ટેરિફની જાહેરાત બાદ માત્ર બે દિવસમાં વોલ સ્ટ્રીટના માર્કેટ કેપિટલમાં પાંચ ટ્રિલિયન ડોલરનું ધોવાણ નોંધાયું હતું.

આ પણ વાંચો: ચીન અને અમેરિકા વચ્ચે ટ્રેડ વોર ચરમસીમાએ, અમેરિકન બજારમા મોટો ઘટાડો, ભારતીય શેરબજારમા જોવા મળશે આ અસર…

અમુક ઇન્વેસ્ટર્સ ફેડરલ રિઝર્વ દ્વારા રેટ કટની આશા સેવી રહ્યાં હતાં કારણકે ટ્રમ્પ એ માટે પોવેલ પર દબાણ કરી રહ્યાં છે. જોકે, પોવેલે ફરી સોશિયલ મીડિયામાં અર્થતંત્રની મંદી અને ઇન્ફ્લેશન વધવાની ચિંતા વ્યક્ત કરી હોવાથી એ આશા પર પાણી ફરી વળ્યાં છે. ભારતની વાત કરીએ તો ટ્રમ્પે ભારત પર 26 ટકા રેસિપ્રોકલ ટેરિફ લાદવાની જાહેરાત સાથે ફાર્મા સેકટર બાકાત રહેવાની આશા પર પાણી ફેરવતા કહ્યું હતું કે વહેલી તકે ફાર્માસ્યુટિકલ સેકટર પર પણ ટેરિફ લાદવામાં આવશે.

એક ચીને આપેલા પ્રતિપડકારને બાદ કરતા, મોટાભાગના દેશ અમેરિકા સાથે વાટાઘાટો કરવા તેયાર થઇ ગયા છે, બીજા શબ્દોમાં ઘૂંટણીયે પડી ગયા છે. ભારતે આ દિશામાં … એટલે કે ટ્રેડ નેગોશિએશન માટે સૌથી પહેલી શરૂઆત કરી હતી. ભારતે ટેરિફ વોરના પડકારને ટ્રેડ ડીલમાં રૂપાંતરિત કરવાની કવાયત શરૂ કરી છે અને સરકારના દાવા અનુસાર તેમાં સફળતા પણ મળી છે.

ટ્રમ્પે દુનિયાના અનેક દેશો સામે ટેરિફની જાહેરાત કરી ટ્રેડ વોરનું રણશિંગું ફૂંક્યુ ત્યારબાદ એશિયા, યુરોપ તથા અમેરિકાના શેરબજારમાં જોરદાર મંદીનો ભૂકંપ આવ્યો અને તેમાં ભારતીય શેર બજારમાં પણ લાખો કરોડ રૂપિયાનું ધોવાણ થઇ ગયું. ભારત સરકાર પર અમેરિકા સાથે ટ્રેડ એગ્રીમેન્ટ કરવાનું દબાણ વધી રહ્યું છે.

આ પણ વાંચો: US VS China: અમેરિકા અને ચીન વચ્ચે ટેરિફ વોર વકર્યું, અમેરિકાએ ચીનને આપી ચેતવણી…

એવા સંજોગોમાં ભારતના વિદેશ ખાતાના પ્રધાન એસ. જયશંકરે ઉપલબ્ધ અહેવાલો અનુસાર અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયો સાથે અમેરિકા અને ભારત વચ્ચે દ્વિપક્ષીય વેપાર કરાર અંગે કરેલી વિસ્તૃત ચર્ચામાં બંને પક્ષે વહેલામાં વહેલી તકે વેપાર કરારને અંતિમ સ્વરૂપ આપવાની સંમતિ દર્શાવી નોંધાવી હોવાના અહેવાલ છે.

નોંધનીય છે કે અમેરિકાથી બ્રેન્ડન લીંચ પ્રતિનિધિમંડળ સાથે હાલમાં જ ભારત સાથે ટેડ ડીલ અંગે ચર્ચા કરવા માટે દિલ્હી આવ્યા હતા. ટૂંકમાં એ વાત સ્રપષ્ટ છે કે ટ્રમ્પ વહીવટી તંત્ર દ્વારા ભારતમાંથી અમેરિકામાં થતી નિકાસ પર 26 ટકા ટેરિફ લદાયા બાદ ભારત દ્વારા જવાબી કાર્યવાહીની શક્યતા ઓછી છે. ભારત દ્વિપક્ષીય વેપાર સમજૂતીને વહેલામાં વહેલી તકે અંતિમ સ્વરૂપ આપવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે.

બીજી તરફ કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલે એક ઔદ્યોગિક સંગઠનની સભાને સંબોધતા એવો દાવો કર્યો છેે કે યુએસ પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ દ્વારા તેની તાજેતરની જાહેરાતને પગલે વૈશ્ર્વિક બજારોમાં ઊથલપાથલ વચ્ચે ભારતના ઉદ્યોગોને ફાયદો થશે. પત્રકારો સાથે વાત કરતા, ગોયલે ટેરિફની જાહેરાત અંગે કહ્યું હતું કે સરકાર અભ્યાસ કરી રહી છે અને ભારત આ પરિસ્થિતિને એક તક તરીકે જુએ છે. અમને વિશ્ર્વાસ છે કે નવી પરિસ્થિતિમાં ભારતને ફાયદો થાય એવા સમીકરણો ગોઠવાશેે.

સરકારે સત્તાવાર ધોરણે પ્રસાર માધ્યમોને જણાવ્યું છે કે, ભારત અમેરિકા પર સામો ટેરિફ લાદશે નહીં. અમે દ્વિપક્ષીય વેપાર કરારો પર ધ્યાન કેન્દ્રિત કરતાં આ મુદ્દો ઉકેલવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. ટેરિફ મુદ્દે યોગ્ય ઉકેલ લાવવા પ્રયત્નશીલ છીએ. કેન્દ્ર સરકારના એક અધિકારીએ જણાવ્યું હતું કે, ટ્રમ્પ દ્વારા ગયા સપ્તાહે હસ્તાક્ષર કરવામાં આવેલા એક્ઝિક્યુટીવ ઓર્ડરમાં અમે એક મુખ્ય કલમ પર આધાર રાખી રહ્યા છીએ. જે બિન-પરસ્પર વેપાર વ્યવસ્થાઓમાં સુધારા માટે મહત્ત્વપૂર્ણ પગલાં લેનારા દેશોને રાહત આપે છે.

ભારતને રાહત છે કે, તે અમેરિકા સાથે વેપાર કરાર પર વાટાઘાટો શરૂ કરનારા પ્રથમ દેશોમાંનો એક છે. તેમજ ભારત કરતાં અન્ય એશિયન દેશો જેમ કે ચીન (34 ટકા), વિયેતનામ (46 ટકા) અને ઇન્ડોનેશિયા (32 ટકા) ઊંચા ટેરિફથી પ્રભાવિત થયા છે.

ટ્રમ્પે ફાર્માસ્યુટિકલ સેક્ટરને ટેરિફમાંથી મુક્તિ આપી છે. ભારત અમેરિકામાં આ પ્રોડકટ્સનો મોટોપાયે સપ્લાય કરે છે. અલબત્ત, બીજી તરફ ઈલેક્ટ્રોનિક્સ, ઓટો પાર્ટસ, ટેક્સટાઈલ્સ, જેમ્સ અને જ્વેલરીની નિકાસ પ્રભાવિત થશે.

ટેરિફના ટેરર સામે ડ્રેગનનો ફૂંફાડો
વિશ્ર્વની બે સૌથી મોટી અર્થવ્યવસ્થા અમેરિકા અને ચીન વચ્ચે તણાવ વધી રહ્યો છે. સોમવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે ચીન પર વધારાના 50 ટકા ટેરિફ લાદવાની ધમકી આપી હતી. ચીને પણ જવાબ આપતા કહ્યું છે કે જો અમેરિકા ચીની સામાન પર વધુ 50 ટકા ટેક્સ લાદશે તો તે બદલો લેશે. ચીનેે કહ્યું કે પોતાના અધિકારો અને હિતોની રક્ષા માટે આવું કરશે.

ચીનના વાણિજ્ય મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું છે કે અમેરિકા દ્વારા ચીન પર કહેવાતા પારસ્પરિક ટેરિફ લાદવામાં આવે છે તે સંપૂર્ણપણે ખોટું છે. આ એક પ્રકારનું બ્લેક મેઇલિંગ છે. ચીને આ પહેલા પણ વળતી ટેરિફ લગાવી છે.

મંત્રાલયે સંકેત આપ્યો હતો કે વધુ ટેરિફ લાદવામાં આવી શકે છે. ચીનના મંત્રાલયે કહ્યું કે ચીન દ્વારા લેવામાં આવેલા વળતા પગલાંનો હેતુ તેની સાર્વભૌમત્ત્વ, સુરક્ષા અને વિકાસના હિતોની રક્ષા કરવાનો છે. ઉપરાંત, સામાન્ય આંતરરાષ્ટ્રીય વેપાર વ્યવસ્થા જાળવી રાખવી પડશે. આ સંપૂર્ણપણે ન્યાયી છે. ચીન પર ટેરિફ વધારવાની અમેરિકાની ધમકી એક બીજી ભૂલ છે. આ ફરી એકવાર અમેરિકાના બ્લેક મેઇલિંગની પ્રકૃતિને સ્પષ્ટ કરે છે. ચીન આ ક્યારેય સ્વીકારશે નહીં. જો અમેરિકા મનસ્વી રીતે કામ કરશે તો ચીન અંત સુધી લડશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button