
અમદાવાદઃ ગુજરાતમાં કાળઝાળ ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. કચ્છ સહિતના રાજ્યના કેટલાક ભાગોમાં આકરી ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. હવામાન વિભાગ અનુસાર આજે પણ કચ્છ સહિતના વિસ્તારોમાં હીટવેવની સંભાવના છે. આગામી 48 કલાક રાજ્યમાં ગરમીથી કોઇ મોટી રાહત અનુભવાશે નહીં ત્યારબાદ મહત્તમ તાપમાનમાં 2થી 4 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાઈ શકે છે. હીટવેવના પગલે કચ્છ, ઉત્તર ગુજરાત અને મોરબી, રાજકોટમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું હતું.

ગરમીથી લોકોની હાલત કફોડી બની
મંગળવારે પણ કચ્છ જિલ્લાના કેટલાક ભાગોમાં તીવ્ર ગરમીનું મોજું ફરી વળ્યું હતું. બનાસકાંઠા અને ગાંધીનગર જિલ્લાના હીટવેવની અસર વર્તાઈ હતી. રાજકોટ અને ભાવનગર જિલ્લામાં પણ ગરમીથી લોકોની હાલત કફોડી બની હતી. રાજ્યના ઘણા ભાગોમાં તાપમાન સામાન્ય કરતાં ઘણું ઊંચું નોંધાયું હતું.
મહત્તમ તાપમાન 41 થી 45 ડિગ્રીની વચ્ચે રહેવાની શક્યતા
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 48 કલાક દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ મોટા ફેરફારની સંભાવના નથી. જોકે, ત્યારબાદ સમગ્ર રાજ્યમાં તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં મહત્તમ તાપમાન 41 થી 45 ડિગ્રીની વચ્ચે રહેવાની શક્યતા છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં 8 એપ્રિલના રોજ તીવ્ર હીટવેવ રહી શકે છે. જ્યારે 9 એપ્રિલે પણ હીટવેવ અનુભવાઈ શકે છે. 8થી 10 એપ્રિલ દરમિયાન રાજ્યના દરિયાઇ વિસ્તારમાં ગરમ અને ભેજયુક્ત હવામાન રહી શકે છે.
આ પણ વાંચો આજથી સૂર્યદેવ વધારે આકરા થશેઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં ગરમીનું રેડ અને ઓરેન્જ એલર્ટ
સુરેન્દ્રનગર અને ગાંધીનગરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું
9 એપ્રિલના રોજ હીટવેવના પગલે કચ્છ, મોરબી, રાજકોટ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. સુરેન્દ્રનગર અને ગાંધીનગરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. 10 એપ્રિલના રોજ બનાસકાંઠા અને સાબરકાંઠામાં હીટવેવના પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.