આમચી મુંબઈ

પશ્ચિમ રેલવેમાં AC Local બની ‘કમાઉ’ દીકરો, જાણો રેલવેએ કેટલી કરી કમાણી?

મુંબઈઃ મુંબઈમાં ગરમીનો પારો જેમ જેમ ઉચકાતો જાય છે તેમ તેમ એસી લોકલમાં મુસાફરી કરનારા લોકોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે, જ્યારે કમાણી પણ કમાલ કરી રહી છે. પશ્ચિમ રેલવેમાં દોડાવાતી એર-કન્ડિશન્ડ (AC-EMU) લોકલ ટ્રેનો ધીરે ધીરે પ્રવાસીઓમાં લોકપ્રિય થઇ રહી છે અને આવકનું પણ મુખ્ય સાધન બની છે. એસી લોકલ નોન-એસી લોકલ ટ્રેનોની તુલનામાં પ્રતિ સેવા લગભગ ચાર ગણી વધુ કમાણી કરે છે.

પશ્ચિમ રેલવે દ્વારા શેર કરાયેલા ડેટા અનુસાર, દરેક AC EMU (ઇલેક્ટ્રિક મલ્ટીપલ યુનિટ) પ્રતિ સેવા સરેરાશ રૂ. 47,863ની આવક કરે છે, જ્યારે નોન-AC લોકલ ટ્રેન સેવાઓ સેવા માત્ર રૂ. 13,548 કમાય છે. આ તફાવત મુંબઈ ઉપનગરીય નેટવર્કમાં પ્રવાસીઓમાં વધતી લોકપ્રિયતાની સાથે આવકની દૃષ્ટિએ પણ મહત્ત્વનો નિર્દેશ કરે છે.

2024-25માં 4.65 કરોડ લોકોએ કર્યો પ્રવાસ
નાણાકીય વર્ષ 2024-25માં આશરે 4.65 કરોડ પ્રવાસીએ AC લોકલ ટ્રેનોમાં મુસાફરી કરી હતી, જેનાથી લગભગ રૂ. 215 કરોડની આવક થઈ હતી. આ પાછલા નાણાકીય વર્ષ (2023-24) કરતાં નોંધપાત્ર ઉછાળો દર્શાવે છે, જયારે ૩.૬૪ કરોડ મુસાફરોએ એસી ટ્રેનોમાં મુસાફરી કરી હતી, જેનાથી પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનને રૂ. 168 કરોડની આવક થઈ હતી.

1,400થી વધુ ટ્રેનની સર્વિસમાં 109 એસી લોકલ દોડાવાય છે
દૈનિક મુસાફરોના આંકડામાં પણ વધારો થયો છે. માર્ચ 2024માં એસી લોકલમાં સરેરાશ દૈનિક મુસાફરોની સંખ્યા 1,08,910 હતી. જે માર્ચ 2025 સુધીમાં, વધીને 1,63,265 થઈ ગઈ હતી, જે મુંબઈના ઉપનગરીય મુસાફરોમાં એર-કન્ડિશન્ડ ટ્રેનોની વધતી જતી લોકપ્રિયતા દર્શાવે છે. પશ્ચિમ રેલવે હાલમાં અઠવાડિયાના દિવસોમાં 1,400થી વધુ ફેરી દોડાવે છે, જેમાંથી 109 AC લોકલ ટ્રેનો છે, જ્યારે બાકીની Non AC છે.

નાણાકીય વર્ષમાં પશ્ચિમ રેલવેની 4,468 કરોડની આવક
એસી લોકલ ટ્રેનોમાં જ નહીં, પરંતુ પશ્ચિમ રેલ્વેના મુંબઈ સેન્ટ્રલ ડિવિઝનની કુલ આવક પણ વધારો થયો છે. આ વિભાગે નાણાકીય વર્ષ 2024-25માં તેની અત્યાર સુધીની સૌથી વધુ લગભગ રૂ. 4,485 કરોડ જેટલી આવક નોંધાવી હતી, જે બહુવિધ શ્રેણીઓમાં તેની અત્યાર સુધીની શ્રેષ્ઠ કમાણી છે. આ બાબતની નોંધ લઈને પશ્ચિમ રેલવેના જનરલ મેનેજરે મુંબઈ ડિવિઝનને અભિનંદન આપ્યા હતા.

પશ્ચિમ રેલવેમાં મુંબઈ ડિવિઝનનું નોંધપાત્ર પ્રદર્શન
પશ્ચિમ રેલવેમાં મુંબઈ સેન્ટ્રલ ડિવિઝનનું પ્રદર્શન નોંધપાત્ર રહ્યું છે, જેમાં રેકોર્ડબ્રેક આવક, કાર્યકારી કાર્યક્ષમતા અને નોંધપાત્ર ડિજિટલ પ્રગતિ થઈ છે. આ વિભાગે વાણિજ્યિક, પેસેન્જર, ઉપનગરીય, બિન-ઉપનગરીય, PRS, AC EMU પેસેન્જર્સ અને રેવન્યુ, ફ્રેઇટ, પાર્કિંગ અને કેટરિંગ શ્રેણીઓમાં અત્યાર સુધીના આવકના શ્રેષ્ઠ આંકડા નોંધાવ્યા છે, એમ પશ્ચિમ રેલવેના અધિકારીએ જણાવ્યું હતું.

તેમણે વધુમાં ઉમેર્યું કે ડિવિઝને ડિજિટલ ટિકિટિંગ, પીઆરએસ આધુનિકીકરણ અને સુધારેલી ભીડ વ્યવસ્થાપન વ્યૂહરચના દ્વારા મુસાફરોની સુવિધાઓમાં સફળતાપૂર્વક વધારો કર્યો છે. વધુમાં, માળખાગત વિકાસ, નવી નૂર પહેલ અને સ્ટેશન અપગ્રેડેશનથી ડિવિઝનની સ્થિતિ મજબૂત થઈ છે. વિવિધ ક્ષેત્રોમાં વિભાગ દ્વારા કરવામાં આવેલા તમામ પ્રયાસોને કારણે આવકમાં સતત વૃદ્ધિ થઈ છે.

આપણ વાંચો: પશ્ચિમ રેલવેને મળશે વધુ એક ‘ટર્મિનસ’, પ્રવાસીઓ માટે રાહતના સમાચાર

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button