ભુજ

કચ્છની ખાનગી હૉસ્પિટલમાં યુવતીનું દવાના રિએક્શનથી મોત થતા ખળભળાટ

ભુજ: એક તરફ આજે આપણે વિશ્વ આરોગ્ય દિવસ ઉજવી રહ્યા છે ત્યારે બીજી બાજુ હૉસ્પિટલોની બેદરકારીને લીધે દરદીઓના મોત થવાની ઘટનાઓ બનતી રહે છે. ગુજરાતમાં તાજેતરમાં જ ખ્યાતિ હૉસ્પિટલકાંડ ચર્ચાનો વિષય બન્યો હતો ત્યારે હવે કચ્છમાં એક આવો બનાવ બન્યો હોવાની માહિતી મળી છે.

બિદડાની ૨૧ વર્ષીય યુવા પરિણીતા અનુષ્કાસિંહ મુકેશસિંહ ચૌધરીને ભુજની ખાનગી હોસ્પિટલમાં ઇન્જેકશન આપવાથી રિએકશન આવતાં મોત થતાં શહેરભરમાં ચકચાર પ્રસરી હતી, જયારે કચ્છના સીમાવર્તી ખાવડા ખાતે આવેલા અદાણી રિન્યુએબલ ગ્રીન એનર્જી પાર્કમાં વધુ એક દુર્ઘટના સર્જાવવા પામી હતી જેમાં ફીડરનું સમારકામ કરી રહેલા ઉત્તરપ્રદેશના ૨૫ વર્ષીય દીપચંદ તારચંદ પટેલ નામના શ્રમિક પર ભારેખમ ટ્રાન્સફોર્મર ખાબકતાં ગંભીર ઇજાને પગલે તેનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મૃત્યુ થયું હતું, બીજી તરફ લખપતના નરામાં એકલવાયાં જીવનથી કંટાળી ગયેલી ૬૬ વર્ષીય સુમાર વેલજી મહેશ્વરીએ એસિડ પી મોતને વહાલું કર્યું હતું

પોલીસ કંટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર,

ભુજ-મુંદરા રોડ પર આવેલી જાણીતી ખાનગી હોસ્પિટલમાં કાનની સારવાર માટે આવેલી બિદડાની મહિલાનું શસ્ત્રક્રિયા અગાઉ ચડાવવામાં આવેલી બોટલનું સંભવત માત્ર ૧૫ મિનિટમાં જ રિએક્શન આવ્યા બાદ તરફડી તરફડીને મોત થતાં શહેરભરમાં ભારે ચકચાર પ્રસરી છે.

આ બનાવ અંગે કોડાય પોલીસ મથકના પી.એસ.આઇ વી.એસ.પરમારે જણાવ્યું કે, કાનના પડદામાંના કાણાની સારવાર કરાવવા માટે તેઓ કે.કે હોસ્પિટલમાં આવ્યા હતા.

અહીં કાનના પડદાના સામાન્ય ઓપરેશન પહેલા તેમને બોટલ ચડાવી તેમાં વિવિધ ઇન્જેક્શન નાખવામાં આવ્યા હતા. બોટલ ચાલુ કર્યાના ૧૫ મિનિટ જેટલા ટૂંકા સમય બાદ અચાનક હતભાગી મહિલાને દવાઓનું રિએક્શન આવતાં તેમનું તત્કાળ મોત નીપજ્યું હતું. સમગ્ર મામલે હાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો છે અને મહિલાના મોતનું સાચું કારણ જાણવા પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હોવાનું તેમણે ઉમેર્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, દાતાઓના સહકારથી ચાલતી આ હોસ્પિટલ અયોગ્ય સારવાર, મુલાકાતીઓ સાથે ઉદ્ધતાઇભર્યું વર્તન, શિખાઉ સ્ટાફ, અત્યંત મોંઘી સારવાર જેવા મુદ્દાઓને લઇને અવાર-નવાર વિવાદોમાં આવતી રહી છે. યુવાન પરિણીતાના મોતની આ ચોંકાવનારી ઘટનાની આરોગ્ય વિભાગ ઊંડાણપૂર્વક તપાસ કરાવે તેવું ભુજના જાગૃત નાગરિકો ઈચ્છી રહ્યા છે.

દરમ્યાન, ગત મોડી સાંજના અરસામાં ખાવડાના રિન્યુએબલ એનર્જી પાર્કમાં બી.એચ.ઇ.એલના ટ્રાન્સફોર્મર ઉપર ફીડર લગાવવાનું કામ ચાલી રહ્યું હતું. આ દરમ્યાન વચ્ચેનો ભાગ અચાનક તૂટી જતાં ટ્રાન્સફોર્મર દીપચંદ પર ખાબકતાં તેનું ગંભીર ઇજાઓને પગલે મોત થતાં ખાવડા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય અપમૃત્યુનો બનાવ સીમાવર્તી લખપત તાલુકાના નરા ગામમાં બનવા પામ્યો હતો જેમાં એકલવાયાં જીવનથી કંટાળીને સુમારબેન વેલજી મહેશ્વરીએ એસિડ ગટગટાવી આત્મહત્યા કરી લેતાં નરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. વૃદ્ધાના પતિનું અવસાન થઇ ચૂક્યું છે,પરિણીત પુત્ર અલગ રહેતો હતો તેવું જાણવા મળ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button