હે! નેતાજી બન્યા યુટ્યુબર: સત્તાથી હાથ ધોયા બાદ AAPના નેતાઓએ હવે યુટ્યુબમાં ઝંપલાવ્યું

નવી દિલ્હી: વિધાન સભાની ચૂંટણીમાં સત્તાધારી આમ આદમી પાર્ટીને કારમી હાર મળી હતી. દિલ્હીમા આપની સરકારે ભારે સંઘર્ષનો સામનો કર્યો હતો અને ધોમધોમ પ્રચાર કર્યા બાદ પણ સફળતા મળી શકી નહિ અને સત્તાથી બહાર થઈ ગઈ હતી. સત્તામાંથી હાથ ધોયા બાદ AAPના નેતાઓ હવે યુટ્યુબ પર પોતાનું સ્થાન બનાવવાની શોધમાં છે.
અનેક નેતાઓ યુટ્યુબનાં માર્ગે
રાજકીય પાર્ટીના નેતાઓએ ક્યારેક સત્તામાં રહીને લોકો માટે કામ કરવું પડે છે તો ક્યારેક વિપક્ષમાં રહીને અવાજ ઉઠાવવો પડે છે. એક દાયકાથી વધુ સમય સુધી સત્તામાં રહ્યા બાદ AAP પહેલીવાર દિલ્હીમાં વિપક્ષની ભૂમિકામાં આવી છે. એક તરફ જ્યારે પાર્ટીના નેતાઓ વીજળી, શિક્ષણ, હોસ્પિટલો, મફત બસ મુસાફરી જેવા અનેક મુદ્દાઓ પર બે મહિનાથી સત્તા પર આવેલી ભાજપ સરકારને ઘેરવામાં વ્યસ્ત છે, તો બીજી તરફ તેના જ કેટલાક નેતાઓ હવે યુટ્યુબ પર પોતાની હાજરી મજબૂત કરવામાં વ્યસ્ત છે.
આ પણ વાંચો: Delhi Election Results: દિલ્હીમાં આમ આદમી પાર્ટીની હારના આ રહ્યા 5 કારણો
પાર્ટીની કમાન સાથે યુટ્યુબ
દિલ્હી સરકારનાં પૂર્વ પ્રધાન સૌરભ ભારદ્વાજ આ ચૂંટણીમાં હાર્યા હતા. આથી તેમણે પોતાને બેરોજગાર બતાવીને બેરોજગાર નેતાજી નામે યુટ્યુબ ચેનલ શરૂ કરી છે. તેમણે ઘર ચલાવવા માટે કોઇ નવા કામની જરૂર હતી. જો કે અરવિંદ કેજરીવાલે સૌરભ ભારદ્વાજને પાર્ટીની કમાન સોંપી છે પરંતુ યુટ્યુબ પણ તેઓ પાર્ટ ટાઈમ કરી રહ્યા છે.
ઋતુરાજ ઝા પણ યુટ્યુબમાં
ચૂંટણી દરમિયાન ટિકિટમાંથી પત્તું કપાતા પાર્ટીથી નારાજ થયેલા અને આકરા પાણીએ આવી ગયેલા ઋતુરાજ ઝાને સમયસર મનાવવામાં પાર્ટી સફળ રહી હતી. ચૂંટણીમાં તેમણે અનેક ઉમેદવારોનાં પ્રચારમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. થોડા દિવસો પૂર્વે જ તેઓ મહિલાઓને 2500 રૂપિયા ક્યારે મળશે તે પોસ્ટરને લઈને રસ્તા પર ઉતર્યા હતા. હવે તેમણે પણ યુટ્યુબમાં ઝંપલાવ્યું છે અને વજન કેમ ઘટશે તે અંગે વીડિયો પણ અપલોડ કર્યા છે.