સુરક્ષાવ્યવસ્થાની ફજેતી: પોલીસની હાજરીમાં રાજ્ય કક્ષાના ગૃહ પ્રધાનનો મોબાઈલ ચોરાયો

બીડ: રાજ્ય કક્ષાના ગૃહ પ્રધાન યોગેશ કદમની સુરક્ષાવ્યવસ્થાની ફજેતી કરતી ઘટના બીડ જિલ્લામાં બની હતી. પોલીસના ચાંપતા બંદોબસ્ત અને મીડિયાના કૅમેરા સામેથી ચાલાક ચોર કદમનો મોબાઈલ ફોન ચોરી રફુચક્કર થઈ ગયો હતો. આ ઘટનાને પગલે વિરોધ પક્ષે સુરક્ષાવ્યવસ્થાની ટીકા કરી હતી.
મળતી માહિતી અનુસાર યોગેશ કદમ શુક્રવારે બીડની મુલાકાતે ગયા હતા. કદમ મસ્સાજોગ ગામમાં સંતોષ દેશમુખના પરિવારને સાંત્વના આપવા ગયા હતા. તે સમયે સુરક્ષામાં તહેનાત પોલીસ અધિકારીઓ પણ તેમની સાથે હતા.
કહેવાય છે કે પોલીસ સુરક્ષા અને મીડિયાના પ્રતિનિધિઓની હાજરી વચ્ચે કોઈએ કદમનો મોબાઈલ તફડાવ્યો હતો.
મોબાઈલ ગુમ હોવાની જાણ થતાં જ શોધખોળ શરૂ થઈ હતી. શોધ ચલાવ્યા છતાં મોબાઈલની કોઈ ભાળ ન મળતાં સુરક્ષા માટે હાજર પોલીસ માટે તો જાણે ડૂબી મરવા જેવી બીના હતી.
આ પણ વાંચો: બાઈકચાલકે ટ્રાફિક પોલીસને માર માર્યોઃ રસ્તા પર મારપીટનો વીડિયો વાઈરલ
આ પ્રકરણે કેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. ખુદ રાજ્ય કક્ષાના ગૃહ પ્રધાને મોબાઈલ ચોરીની ફરિયાદ કરવી પડે તે ગૃહ ખાતા માટે શરમજનક બાબત હોવાની ટીકા કરાઈ હતી.
દરમિયાન કદમના કાર્યાલયમાંથી ખુલાસો કરાયો હતો કે જે મોબાઈલ ચોરાયો તે યોગેશ કદમનો નહીં, પણ તેમની સાથેની એક વ્યક્તિનો હતો. જોકે કદમની હાજરીમાં પોલીસની નજર સામેથી તેમની નજીકની વ્યક્તિનો મોબાઈલ ચોરાય તે પણ કાયદા-વ્યવસ્થા સામે સવાલ ઊભો કરનારી ઘટના હોવાનું કહેવાય છે.