મનોરંજન

મનોજ કુમારના નિધનથી આ અભિનેત્રી વ્યથિત થઈ કે આ રીતે આપી શ્રદ્ધાંજલિ, જાણો શું કહ્યું?

બોલીવુડના દિગ્ગજ અભિનેતા મનોજ કુમારે (ભારત કુમાર) 87 વર્ષની વયે આજે મુંબઈમાં અંતિમ શ્વાસ લીધા હતા અને આ દુનિયાને અલવિદા કહી દીધું છે. અભિનેતાના નિધનથી બોલીવુડમાં આજે શોકનો માહોલ છે.

ઘણા સ્ટાર્સે અભિનેતાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને દિગ્ગજ અભિનેતાને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી છે. મનોજ કુમારના નિધનના સમાચાર મળતા જ અભિનેત્રી રવિના ટંડન પણ તેમને શ્રદ્ધાંજલિ આપવા પહોંચી હતી.

મનોજ કુમારના નિધનથી રવિના ટંડન ખૂબ જ ભાવુક દેખાતી હતી. તે બોલીવુડના ‘ભારત કુમાર’ને શ્રદ્ધાંજલિ આપવા માટે મહાકાલના રુદ્રાક્ષ, સાંઈની ભભૂતિ અને ભારતના ધ્વજ સાથે આવી હતી. આ દરમિયાન તેણે મીડિયા સાથે વાત કરી અને પીઢ અભિનેતાના નિધન પર શોક વ્યક્ત કર્યો અને તેમની સાથે જોડાયેલા ઘણા કિસ્સાઓ પણ સંભળાવ્યા.

આપણ વાંચો: પાકિસ્તાનમાં જન્મેલા મનોજ કુમાર કયો ધર્મ ફોલો કરતાં હતા, જાણો છો?

રવિના ટંડને કહ્યું કે “હું મનોજઅંકલને નાનપણથી ઓળખું છું. તેમણે મારા પિતાને ‘બલિદાન’ ફિલ્મથી બ્રેક આપ્યો હતો. તેઓ અમારા માટે પિતા સમાન હતા. આજે હું તેમની ત્રણ મનપસંદ વસ્તુઓ લઈને આવી છું.

મારા માટે તે ‘ભારત’ હતા, ભારત છે અને ભારત રહેશે. તેમના જેવી દેશભક્તિની ફિલ્મો કોઈએ બનાવી નથી અને ન તો કોઈ બનાવી શકશે. મને તેમના એક એક ગીત યાદ છે. તેઓ દંતકથા સમાન હતા, છે અને હંમેશા રહેશે.

આપણ વાંચો: 50 વર્ષના કરિયરમાં મનોજ કુમાર માટે કમાઉ દીકરો સાબિત થઈ હતી આ ફિલ્મો…

રવિનાએ આગળ કહ્યું કે હું કહીશ કે તેઓ હંમેશાંથી જીનિયસ હતા. મારામાં બાળપણથી જે દેશભક્તિ છે તે કદાચ તેમના અને મારા પિતા અને તેમની ફિલ્મોમાંથી આવી છે. કોઈ મને કહી રહ્યું હતું કે જ્યારે તેમણે શહીદમાં ભગતસિંહનો રોલ કર્યો ત્યારે બાકીના લોકો બેઠા હતા અને બધા ધૂમ્રપાન કરી રહ્યા હતા.

તે સમયે મનોજ કુમાર ભગતસિંહના પોશાકમાં હતા અને જ્યારે કોઈએ તેમને સિગારેટ ઓફર કરી તો તેમણે કહ્યું કે જ્યાં સુધી મારા માથા પર આ સરદારની પાઘડી છે ત્યાં સુધી હું એવી કોઈ પણ વસ્તુને હાથ નહીં લગાડું.

તેમની અંદરથી ભક્તિ આવતી હતી, પછી ભલે તે દેશભક્તિ હોય કે સાંઈબાબા પ્રત્યેની ભક્તિ હોય કે મહાકાલ માટેની ભક્તિ હોય, તેથી આજે હું તેમની ત્રણ પ્રિય વસ્તુઓ દેશનો રાષ્ટ્રધ્વજ, સાંઈ બાબાની ભભૂતી અને મહાકાલનો રુદ્રાક્ષ લઈને આવી છું. આ ત્રણેય વસ્તુઓ તેમના હૃદયની ખૂબ નજીક હતી અને મારી પણ ખૂબ જ નજીક છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button