મેટિની

હિન્દી ફિલ્મોમાં સિકંદર

સિકંદરના રોલમાં અસ્સલ શશી કપૂર જેવા દેખાતા પૃથ્વીરાજ કપૂરેે બીજી ફિલ્મમાં પોરસની ભૂમિકા કરી હતી

હેન્રી શાસ્ત્રી

‘સિકંદર’માં (ડાબેથી) વનમાલા, પૃથ્વીરાજ કપૂર અને સોહરાબ મોદી

સિકંદર… વિશ્વમાં ‘એલેક્ઝાન્ડર ધ ગ્રેટ’ તરીકે ઓળખાયેલા મેસિડોનિયા (આજની તારીખમાં રિપબ્લિક ઓફ નોર્થ મેસિડોનિયા તરીકે જાણીતું છે)ના રાજાને જગત આખા પર શાસન કરવાના અભરખા હતા. એની રાજકીય કથા અનેક છે, પણ જનતાને રસ પડતી અને આપણે ત્યાં સૌથી વધુ પ્રચલિત કથા છે સિકંદર અને પૂરુ રાજા – પોરસ સાથેની લડાઈ. બંને વચ્ચેના ખૂનખાર જંગમાં પોરસ હાર્યો અને કેદ પકડાયો. પરાજિત પોરસને સમ્રાટ સિકંદરે એની સાથે કેવી રીતે વર્તવું તેમ પૂછતાં પોરસે જવાબ આપ્યો કે ‘એક રાજા બીજા રાજા સાથે વર્તે તે રીતે.’ આ જવાબથી પ્રભાવિત થઈ સિકંદરે તેનું રાજ્ય પાછું સોંપ્યું અને એણે જીતેલા નજીકના બીજા પ્રદેશ પણ તેના વહીવટ હેઠળ મૂક્યા..

ફિલ્મમેકરો માટે સિકંદર અને પોરસ રોચક પાત્રો રહ્યાં છે. સલમાન ખાનની ‘સિકંદર’ રિલીઝ થઈ છે ત્યારે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સિકંદર નામ સાથે સંકળાયેલા ઈતિહાસ પર એક ઊડતી નજર નાખીએ. ભાઈજાનની ફિલ્મમાં કયા અને કેવા સિકંદરની વાત છે એ તો ફિલ્મ જોયા પછી જ ખબર પડે, પણ રાજાને કેન્દ્રમાં રાખી હિન્દી ફિલ્મો તૈયાર કરવાના પ્રયાસો થયા છે.

સૌપ્રથમ ફિલ્મ ‘સિકંદર’ 1941માં બની હતી. વિશાળ કેનવાસ પર ઐતિહાસિક ફિલ્મો બનાવવાની ખ્યાતિ મેળવી ચૂકેલા સોહરાબ મોદીના બેનર હેઠળ આ ફિલ્મનું નિર્માણ કરવામાં આવ્યું હતું. સિકંદરના રોલમાં પૃથ્વીરાજ કપૂર અને પોરસની ભૂમિકામાં ખુદ સોહરાબ મોદી નજરે પડે છે. ફિલ્મના ગીતકાર છે પંડિત સુદર્શન. હિન્દી સાહિત્ય જગતમાં મુન્શી પ્રેમચંદના સમકાલીન પંડિતજીએ ફિલ્મોમાં ગીતકાર ઉપરાંત પટકથા લેખક તરીકે પણ યોગદાન આપ્યું છે.

‘સિકંદર’માં સાત ગીત છે અને સાતે સાત સુદર્શનજીએ લખ્યા છે. આ સિવાય ફિલ્મની પટકથા અને સંવાદ પણ એમના જ છે. ફિલ્મનું નિર્માણ અને એમાંય યુદ્ધના આઉટડોર દૃશ્યોનું ફિલ્માંકન બેમિસાલ છે. અહીં આપણે એ યાદ રાખવું જોઈએ કે આ 84 વર્ષ પહેલાની ફિલ્મ છે અને ત્યારે ટઋડ જેવી ટેક્નોલોજીનું અસ્તિત્વ જ નહોતું. ટાઈટલ ક્રેડિટમાં સોહરાબ મોદીએ ફિલ્મના યુદ્ધના દૃશ્યોના ફિલ્માંકનમાં અમૂલ્ય સહયોગ આપવા બદલ કોલ્હાપુરનાં મહારાણી તારાબાઈ સાહેબા અને રાજ્યના અધિકારીઓ પ્રતિ આભાર વ્યક્ત કર્યો છે.

આ પણ વાંચો : રિચાર્ડ નોર્ટન: સ્ટન્ટ્સની દુનિયાના આઈકોનિક હીરોની વિદાય

એ ફિલ્મનું એક મજેદાર પાસું છે ‘પાપાજી’ પૃથ્વીરાજ કપૂર. અહીં આપણને ‘મુઘલ – એ – આઝમ’ જેવો ભરાવદાર અવાજ નથી સંભળાતો, પણ નાટ્ય સૃષ્ટિનો અનુભવ હોવાને કારણે સોહરાબ મોદીની નાટ્યાત્મક શૈલી સામે સિનિયર કપૂર જરાય ઊણા નથી ઊતરતા. 35 વર્ષના પાપાજી હેન્ડસમ લાગે છે અને ફિલ્મ જોશો (યુટ્યુબ પર છે) તો તમે બોલી ઉઠશો કે ‘હાયલા! આ તો અસ્સલ શશી કપૂર! ડિટ્ટો, કાર્બન કોપી. પૃથ્વીરાજ કપૂરની બોલવાની ઢબ, એમની હસવાની રીત, એમના હાવભાવ અને મોહક ચહેરામાં તમને શશી કપૂર જ દેખાશે, ચેલેન્જ.

ફિલ્મનું એક કોરસગીત (જિંદગી હૈ પ્યાર સે, પ્યાર મેં બિતાયે જા, હુસ્ન કે હુઝૂર પે અપના દિલ લૂટાયે જા, અપના સર ઝુકાયે જા)એ સમયે ખૂબ લોકપ્રિય થયું હતું અને આજે સુધ્ધાં અનેક વડીલોને યાદ હશે.

આ જ કથા સાથે 1965માં કેદાર કપૂર નામના દિગ્દર્શકે ‘સિકંદર – એ – આઝમ’ ટાઇટલ સાથે ફિલ્મ બનાવી હતી. આ ફિલ્મની સૌથી રસપ્રદ વાત એ છે કે 1941ની ‘સિકંદર’માં સિકંદરનો રોલ કરનારા પૃથ્વીરાજ કપૂરે આ ફિલ્મમાં રાજા પોરસનો રોલ કર્યો છે. સિકંદરના રોલમાં હતા દારા સિંહ. ફિલ્મમાં મુમતાઝ પણ છે. આ એ દોરની ફિલ્મ છે જ્યારે મુમતાઝ દારાસિંહ સાથે ફિલ્મો કરતી હતી. 1960ના દાયકામાં આ જોડી પંદરેક ફિલ્મમાં સાથે નજરે પડી હતી. ફિલ્મના ગીતકાર હતા રાજેન્દ્ર કૃષ્ણ અને સંગીતકારની જવાબદારી સંભાળી હતી હંસરાજ બહલે.

‘સિકંદર’ની જેમ ‘સિકંદર – એ – આઝમ’નું એક ગીત ઘેર ઘેર ગુંજ્યું હતું અને આજે પણ એ નથી વિસરાયું. ગીત છે મોહમ્મદ રફીના કંઠમાંથી રેલાયેલું
‘જહાં ડાલ ડાલ પર સોને કી ચીડિયા કરતી હૈ બસેરા, વો ભારત દેશ હૈ મેરા’.

આ પણ વાંચો : મેટિની એક્સપ્રેસ : બેકગ્રાઉન્ડ ડાન્સરના સંઘર્ષ પછી સફળતાની સીડી ચડ્યા છે આ કલાકારો…

અન્ય એક ગીતકારનો પણ ફિલ્મમાં સહભાગ હતો. જોકે, ગીતકાર કમર જલાલાબાદીએ ફિલ્મની વાર્તા લખી હતી. બંને સિકંદર બોક્સ ઓફિસ પર સફળ સાબિત થઈ હતી. 1941ની ‘સિકંદર’ તો પર્શિયન ભાષામાં પણ ડબ કરવામાં આવી હતી. એકંદરે રણભૂમિ પર વિજય પતાકા લહેરાવનાર સિકંદર બોક્સ ઓફિસ પર પણ સિકંદર સાબિત થયો હતો.

ભાષામાં અમુક સંજ્ઞાવાચક નામ સમયના વહેણ સાથે વિશેષણ બની જતા હોય છે. ઈ. સ. પૂર્વેના સિકંદરે વિશ્વ પર ફતેહ કરવા નીકળેલા રાજા તરીકે ખ્યાતિ મેળવી હતી. સમય સાથે સિકંદરે શબ્દકોશમાં ફતેહમંદ, જયકારી, વિજયી એવા અર્થ ધારણ કર્યા.

ડિસ્કો ડાન્સર અને એક્શન સ્ટાર મિથુન ચક્રવર્તીના નામ સાથે જોડાયેલી એક નહીં, બે સિકંદર ફિલ્મના ઉદાહરણ છે, ‘એક ઔર સિકંદર’ (1986) અને ‘સિકંદર સડક કા’ (1999). અલબત્ત, આ બંને ફિલ્મોને સમ્રાટ સિકંદર સાથે સ્નાન સુતકનો પણ સંબંધ નથી. અહીં સિકંદર એક રૂપક છે. એક એવી વ્યક્તિ જે અન્યાય સામે લડી વંચિત લોકોના હક માટે, એમને ન્યાય મળે એ માટે લડત ચલાવે છે. 1986ની ફિલ્મ સેમી હિટ હતી, પણ 1999ની સુપરફ્લોપ સાબિત થઈ હતી.

ધર્મેન્દ્ર, રાજેન્દ્રકુમાર, માલા સિન્હા તેમજ અનિતારાજ, વિજયેતા પંડિત અને રણજીત, પ્રેમ ચોપડા અને અમરીશ પુરી જેવી સ્ટારકાસ્ટ સાથે ‘વક્ત કા સિકંદર’ નામની ફિલ્મ થોડું શૂટિંગ થયા પછી ડબ્બામાં બંધ થઈ ગઈ હતી. ફિલ્મના નામ પરથી જ સમજાય છે કે વાર્તાને સમ્રાટ સિકંદર સાથે કોઈ લેવાદેવા નહીં હોય.

પ્રકાશ મેહરા દિગ્દર્શિત ‘મુકદ્દર કા સિકંદર’ (1978) પ્રખ્યાત ઉદાહરણ છે. અહીં પણ ઐતિહાસિક રાજાનો કોઈ સંબંધ નથી, સિકંદર એક રૂપક તરીકે છે. નિર્માતા માટે ફિલ્મ ટંકશાળ સાબિત થઈ હતી.

અને હા આમિર ખાનની ‘જો જીતા વહી સિકંદર’ કેમ ભુલાય? નાસિર હુસેન નિર્મિત અને મન્સૂર ખાન દિગ્દર્શિત આ ફિલ્મમાં ઐતિહાસિક સંદર્ભ નહોતો, પણ રણમાં જીતે એ શૂર એ ભાવાર્થ હતો. શ્રેષ્ઠ ફિલ્મનો ફિલ્મફેર એવોર્ડ મેળવનારી આ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ થઈ હતી.

‘સિકંદર’: ચિલ્ડ્રન્સ ફિલ્મ
‘સ્પર્શ’, ‘ચશ્મેબદ્દદુર’, ‘કથા’ જેવી અર્થપૂર્ણ ફિલ્મો બનાવનારા સઈ પરાંજપેએ બે ચિલ્ડ્રન્સ ફિલ્મ પણ બનાવી હતી. 1976માં ‘ચિલ્ડ્રન્સ ફિલ્મ સોસાયટી ઓફ ઈન્ડિયા’ના નેજા હેઠળ એમણે ‘સિકંદર’ નામની ફિલ્મ બનાવી હતી. તરછોડાયેલા અને રસ્તે રખડતા ગલુડિયા માટે ચાર બાળ મિત્રોનો સ્નેહ, એને ઘરમાં રાખવા અંગે પેરન્ટ્સની નારાજગી અને પછી કોઈને અણસાર ન આવે એ રીતે એનો ઉછેર, એની સારસંભાળ કરવાની બાળમિત્રોની કોશિશ ફિલ્મને માયાળુ અને મજેદાર બનાવે છે. ફિલ્મમાં બાળકો ગલુડિયાનું નામ સિકંદર પાડે છે. હલકા ફુલકા પ્રસંગોને કારણે ફિલ્મ આનંદ આપે છે અને બાળ વિશ્વમાં ડોકિયું પણ કરાવે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button