સિનેમાના સમયનો આયનો છે પોસ્ટર

સ્ટાર-યાર-કલાકાર -સંજય છેલ
એક ઝૂંપડા પર ફિલ્મનું મસમોટું સેક્સી પોસ્ટર ચોંટાડેલું છે. હીરો-હીરોઈન ઓછાં કપડામાં એકમેકને ચૂમી રહ્યાં છે. મ્યુનિસિપાલિટીવાળા આવીને એ વલ્ગર પોસ્ટરને ઉખેડી રહ્યાં છે, કારણ કે પરમિશન વિના ગમે ત્યાં પોસ્ટરો લગાડવાની મનાઈ છે. ત્યારે ઝૂંપડામાંથી ગરીબ માણસ બહાર આવીને ઓફિસર સામે હાથ જોડીને કહે છે :
‘સાહેબ રહેવા દો…આ કાગળનાં પાતળા પોસ્ટર પર તો અમારી આખી દીવાલ અને ઘર ટકેલું છે !’
આમ તો આ જાણીતા ચિત્રકાર આર. કે. લક્ષ્મણનું કાર્ટૂન છે, પણ એની પાછળ ભારત દેશનો આખો ઇતિહાસ છુપાયેલો છે. જીહાં, ફિલ્મી પોસ્ટરો એટલે આપણાં ગામ-શહેરોની દીવાલો પર બદલાતા સમયની ફિંગરપ્રિન્ટ ગણાય છે.
એક સારું પોસ્ટર ફિલ્મની ઓળખ છતી કરે છે. પોસ્ટર પરના રંગોના એ લસરકા એટલે ત્રણ કલાકની ફિલ્મને એક ચિત્રમાં જાદુઈ ચિરાગના જીનની જેમ કેદ કરતી કળા.
‘દો બીઘા જમીન’, ‘મધર ઈન્ડિયા’, શોલે, ‘હમ આપકે હૈ કૌન’ થી લઈને ‘લગાન’ કે અત્યારે ‘છાવા’ કે ‘સ્ત્રી’ જેવી ફિલ્મોનાં પોસ્ટરો પર નજર કરીએ તો, સિનેમાના ઇતિહાસ ઉભરી આવે.
આ પણ વાંચો : મેટિની એક્સપ્રેસ : બેકગ્રાઉન્ડ ડાન્સરના સંઘર્ષ પછી સફળતાની સીડી ચડ્યા છે આ કલાકારો…
સિનેમાની શરૂઆત સાથે, પોસ્ટરનો જન્મ તેના પ્રમોશન માટે થયો અને પછી તે વિસ્તર્યું. લુમિયર બંધુઓએ એમની ફિલ્મ રિલીઝ થયા પછી તરત જ પ્રમોશન તરીકે તેનું સ્ક્રીનિંગ શરૂ કર્યું. હિન્દી અથવા જેને બોલિવૂડ ફિલ્મો કહેવામાં આવે છે તેની શરૂઆતનો શ્રેય દાદાસાહેબ ફાળકેને જાય છે. દાદા સાહેબે એમની પ્રથમ ફિલ્મ ‘રાજા હરિશ્ર્ચંદ્ર’ના પ્રચાર માટે હાથથી પોસ્ટર બનાવ્યા. પછી બ્રશ વડે કાગળ પર રંગ લગાવવામાં આવ્યો. ફાળકે લલિતકલામાં પારંગત હતા. એ ચિત્રકામ દ્વારા ફિલ્મોમાં આવ્યા. એમણે જે.જે. સ્કૂલ ઓફ આર્ટસમાં તાલીમ લીધી હતી.
આઝાદી પછીયે છેક 1989 સુધી પોસ્ટરો હિન્દી-ઉર્દૂ-અંગ્રેજીમાં છપાતા. પાછળથી, પોસ્ટરોમાંથી ઉર્દૂ ગાયબ થવા માંડ્યું. પણ હંમેશાં નવાઇની વાત છે કે અભણ દેશમાં અંગ્રેજીમાં પોસ્ટરો કેમ છપાતા?
1990 પછી ગ્રાફિક્સ અને ડિજિટલ ટેકનોલોજીએ પોસ્ટરનું સ્વરૂપ જ બદલી નાખ્યું. કૃત્રિમ રંગોએ દર્શક અને પોસ્ટર વચ્ચે અંતર બનાવ્યું. હીરોઇઝમ અને સુપરસ્ટારના પ્રભાવમાં ઘટાડો થતાં, પોસ્ટર પર હીરો- હીરોઇનનાં નામ પણ નાના થતા ગયા. હવે, જે કલાકાર દર્શકોમાં લોકપ્રિય એનું નામ પોસ્ટરમાં મોટું. માટે ક્યારેક હીરોઇન તો કદીક દિગ્દર્શક મહત્ત્વપૂર્ણ હોય છે, ક્યારેક નિર્માતા કે એની સંસ્થા જેમ કે રાજશ્રી ફિલ્મ્સ, નવકેતન, રાજકમલ, આર.કે, બી.આર. ફિલ્મસ, ઈત્યાદિ.
આ પણ વાંચો : ફટા પોસ્ટર, નિકલા… : મોટા ફિલ્મ-સ્ટારના નાના-મોટા `પ્રેન્ક્સ’…
-અને હા, આ બધાંમાં કયારેક ફિલ્મનાં લેખકનું નામ પણ પોસ્ટરમાં ઝળકતું. અત્યારે સૌથી મોટું જૂઠાણું ચાલે છે કે સલીમજાવેદથી લેખકોના નામ પોસ્ટર પર આવ્યા અને લેખકોને સન્માન મળવું શરૂ થયું. જી ના, સલીમજાવેદે ફેલાવેલ આ સાવ જૂઠ્ઠી માર્કેટિંગની રમત છે. સૌથી પહેલાં બી. આર. ચોપડાના લેખક પંડિત મુખરામ શર્માનું નામ ડાયલોગ્સ માટે માનભેર પોસ્ટર પર છપાતું. એજ રીતે ગુરુદત્તના લેખક અબ્રાર અલ્વી અને કે.આસાફિના અખ્તર ઉલ ઇમાનના નામ છપાતા. હિંદી સાહિત્યકાર પ્રેમચંદનું નામ પણ પોસ્ટરમાં આવતું અને એમના નામે ફિલ્મો વેંચાયેલી. એ જ રીતે આગા હશ્ર કાશ્મીરી નામના નાટયકારે ધમાકેદાર સંવાદો લખેલાને એમનું નામ પણ પોસ્ટર પર છપાતું.
એ ઉપરાંત સલીમ- જાવેદના સમયે જ અને એમનાથી પહેલા નોવેલિસ્ટ ગુલશન નંદાના નામે કટી પતંગ, દાગ, નયા ઝમાના, ઝીલ કે ઉસ પાર જેવી અનેક ફિલ્મો ચાલેલી અને બાકાયદા પોસ્ટર પર નામ છપાતાં. સલીમ- જાવેદે તો પોતાના પેન્ટર ભાડે રાખીને છપાયેલાં પોસ્ટરમાં ઉપરથી નામ લખાવેલા! જેમ રાજેશ ખન્નાએ 17 હિટ પછી ‘સુપરસ્ટાર’ શબ્દ પોસ્ટર પર છપાવેલો અને ત્યારબાદ અમિતાભે પણ એમ જ કર્યું.
એક જમાનામાં ફિલ્મી પોસ્ટરોમાં કળા હતી કે કવિતા હતી. ‘ગાઇડ’ ફિલ્મના પોસ્ટરમાં માત્ર પગ પર ઝાંઝર પહેરાવતો હીરોનો હાથ દેખાતો. ફિલ્મ ‘અંગુર ’… ના પોસ્ટરમાં માત્ર દ્રાક્ષનું ઝૂમખું હતું. ‘હિમ્મતવાલા’ ફિલ્મમાં શ્રીદેવીના સેક્સી પગ અને નિતંબ દેખાડીને એમ ડબલ મિનિંગની મસ્તી હતી કે શ્રીદેવી ઇઝ બેક!
બી.આર.ઇશારાની વિવાદાસ્પદ ‘ચેતના’ નામની ફિલ્મમાં સ્ત્રીના નગ્ન પગ મૂકેલાં અને વચ્ચે એડલ્ટ ફિલ્મ માટે ‘એ’!
વિધુ વિનોદ ચોપરાની અંડરવર્લ્ડની ફિલ્મ ‘પરિંદા માટે માત્ર એક કબૂતરનું ચિત્ર હતું ને એના પર લખેલું : બેસ્ટ ફિલ્મ એવર મેંડ ઇન ઇંડિયા! આમ જાતને શ્રેષ્ઠ કહીને ઢંઢેરા વડે વિધુ વિનોદ ચોપરાએ પોસ્ટર બનાવેલું. રામગોપાલ વર્માની હોરર ફિલ્મ ‘રાત ‘ના પોસ્ટરમાં કાળાડિબાંગ શહેરમાં માત્ર એક જ ઘરમાં બત્તી બળતી હોય એવી ડિઝાઇન હતી. રામસે બંધુઓની ‘દરવાઝા’ જેવી હોરર ફિલ્મો કે હિચકોકની અંગ્રેજી ફિલ્મોનાં પોસ્ટરો જોતાંવેંત ચોંકી જવાતું.
એમ. એફ. હુસૈન જેવા મહાન કલાકારે પોસ્ટરો ચીતરી જીવનની શરૂઆત કરેલી!ત્યારે કપડાં પર મોટ્ટાં ચિત્રો પોસ્ટર રંગથી ચીતરવાં પડતાં. આજે તો વિનાઈલ પર એની પ્રિન્ટ થઈ જાય છે, પણ ત્યારનાં પોસ્ટરોમાં દાંત ભીંસતો એંગ્રીયંગમેન અમિતાભ બચ્ચન કે સત્યમ શિવમ સુંદરમ ફિલ્મમાં અર્ધનગ્ન ઝીનત અમાનની કમનીય કાયા ચીતરનારાઓની આગવી શૈલી હતી. સડક પરના અભણ માણસને પણ થિયેટર સુધી ખેંચી લાવવાની તાકાત હતી.
આ પણ વાંચો : ફ્લૅશ બૅક : બહેનોનું ગીત બહેનો પર પિક્ચરાઈઝ થયું
આજે પણ સાઉથ ઈન્ડિયામાં સુપરસ્ટાર રજનીકાંત કે કમલ હાસનનાં પોસ્ટરો ત્રણ-ચાર માળ જેટલાં મોટાં બનાવવામાં આવે છે અને એટલાં વિશાળ પોસ્ટરો પર 50-60 ફૂટ લાંબી ફૂલ માળા પહેરાવી લોકો સવારે છ વાગ્યે જોવા-પૂજવા ઊભા રહે છે. ચાહકો સુપરસ્ટારનાં પોસ્ટરો પર પોતાના ખૂનથી તિલક કરે છે!
રાજ કપૂર, રાજેન્દ્ર કુમાર કે શમ્મી કપૂરનાં પોસ્ટર પર ગીતોનાં મુખડાં લખાતાં, રાજેશ ખન્નાના પોસ્ટર સામે છોકરીઓ આખી સાંજ બેઠી રહેતી, રજનીકાંત કે અમિતાભની ફિલ્મો એટલી ફુલ જાતી કે જેમને ટિકિટ ના મળે એ લોકો સિનેમાઘરમાં શોવિંડોમાં લાગતા નાના ફોટાવાળાં પોસ્ટરોને જોવા લાઇન લગાડતા. આવા જ સ્ટાર બનવા કે પહેલીવાર પોતાનું નામ પોસ્ટર પર જોવા માટે અનેક કલાકારોએ જિંદગી ઘસી નાખી છે.
આપણાં ગુજરાતી નિર્દેશક કેતન મહેતાની ફિલ્મ ‘હીરો હીરાલાલ’માં પોસ્ટર ફાડીને આવતા નસરુદ્દીન શાહનો ફેમસ ડાયલોગ છે:
ફટા પોસ્ટર, નિકલા હીરો!