સોનાના ભાવમાં આગેકૂચ, ચાંદીમાં કડાકો, સોનું ખરીદવું હોય તો જાણો આજના લેટેસ્ટ રેટ…

મુંબઈઃ ગઈકાલે અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે અમેરિકામાં આયાત થતી તમામ ચીજો પર 10 ટકા બેઝલાઈન ટેરિફ લાદી હતી. તેમ જ ડઝનબંધ દેશો પર રેસિપ્રોકલ ટેરિફની જાહેરાત કરતાં ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર એક તબક્કે હાજરમાં સોનાના ભાવ આૈંસદીઠ આૈંસદીઠ 3167.57 ડૉલરની નવી ઊંચી સપાટીએ પહોંચ્યા હતા.
જોકે, ત્યાર બાદ નફારૂપી વેચવાલી નીકળતા ભાવમાં પીછેહઠ જોવા મળી હતી. તેમ જ આજે પણ લંડન ખાતે સત્રના આરંભે નફારૂપી વેચવાલીના દબાણ હેઠળ સોનાના ભાવ 0.4 ટકાના ઘટાડા સાથે અને ચાંદીના ભાવ 2.8 ટકાના ગાબડાં સાથે ક્વૉટ થઈ રહ્યા હતા. જોકે, સ્થાનિક ઝવેરી બજારમાં મધ્યસત્ર દરમિયાન આજે ઓવરનાઈટ પ્રોત્સાહક અહેવાલે સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 208થી 209ની આગેકૂચ જોવા મળી હતી અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 2236નો કડાકો બોલાઈ ગયો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે મધ્યસત્ર દરમિયાન ઓવરનાઈટ પ્રોત્સાહક અહેવાલે હાજરમાં 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 208ની આગેકૂચ સાથે રૂ. 90,840 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 209ની આગેકૂચ સાથે રૂ. 91,205ના મથાળે રહ્યા હતા. જોકે, તાજેતરની એકતરફી તેજીને કારણે સ્ટોકિસ્ટો અને રોકાણકારોની તેમ જ જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની સોનામાં માગ શુષ્ક રહી હતી.
વધુમાં આજે મધ્યસત્ર દરમિયાન 999 ટચ ચાંદીમાં વિશ્વ બજાર પાછળ સ્ટોકિસ્ટોની આક્રમક વેચવાલીના દબાણ સામે ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ મર્યાદિત રહેતાં ભાવ કિલોદીઠ રૂ. 2236ના ગાબડાં સાથે રૂ. 98,000ની સપાટી ગૂમાવીને રૂ. 97,300ના મથાળે રહ્યા હતા.
આ પણ વાંચો : વર્ષ 2025માં બે રેટ કટનાં ફેડરલના સંકેતે વૈશ્વિક સોનું નવી ટોચે
ગઈકાલે અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે તમામ ચીજોની આયાત પર 10 ટકા બેઝલાઈન ટેરિફ લાદવાની સાથે તેના મોટા વેપારી ભાગીદાર દેશો સહિતના ઘણાં ઘણાં દેશોથી થતી આયાત સામે રેસપ્રોકલ ટેરિફની જાહેરાત કરતાં વૈશ્વિક બજારમાં ટ્રેડ વૉરની સર્જાવાની ભીતિ ઊભી થતાં સોનામાં રોકાણકારોની વ્યાપક લેવાલીને ટેકે ન્યૂ યોર્ક ખાતે એક તબક્કે હાજરમાં સોનાના ભાવ વધીને આૈંસદીઠ 3167.57 ડૉલરની સપાટીએ પહોંચ્યા બાદ નફારૂપી વેચવાલી નીકળતાં પીછેહઠ જોવા મળી હતી. તેમ જ આજે પણ લંડન ખાતે સત્રના આરંભે વેચવાલીનું દબાણ જળવાઈ રહેતાં હાજરમાં ભાવ ગઈકાલના બંધ સામે 0.4 ટકા ઘટીને આૈંસદીઠ 3122.10 ડૉલર અને વાયદામાં ભાવ 0.7 ટકા ઘટીને 3145 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, તેમ જ હાજરમાં ચાંદીના ભાવ 2.8 ટકાના ઘટાડા સાથે આૈંસદીઠ 33.07 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
વ્હાઈટ હાઉસની ફેક્ટ શીટ અનુસાર સોના સહિત એનર્જી અને અમુક ખનીજો જે અમેરિકામાં ઉપલબ્ધ નથી તેના પર રેસિપ્રોકલ ટેરિફનો અમલ નહીં થાય. વધુમાં ટ્રમ્પના વહીવટીતંત્રએ આજથી (ત્રીજી એપ્રિલથી) કાર અને ટ્રક પર 25 ટકા ટેરિફ અને આગામી ત્રીજી મેથી ઑટોમેટિવ પાર્ટ ડ્યૂટી લાગુ થશે એવી સ્પષ્ટતા પણ કરી હતી. જોકે, રેસિપ્રોકલ ટેરિફને કારણે અમેરિકન અર્થતંત્ર મંદ પડવાની અને રેટ કટની શક્યતાને ધ્યાનમાં લેતા સોનાની તેજીને ટેકો મળતો રહેશે, એમ કેપિટલ ડૉટ કૉમના ફાઈનાન્સિયલ માર્કેટનાં વિશ્લેષક ક્યેલ રોડ્ડાએ જણાવ્યું હતું.
આ પણ વાંચો : વેપારને પ્રોત્સાહન: 24 ચેકપોઇન્ટ 15મી એપ્રિલ સુધી બંધ થશે
હાલ સોનામાં અન્ડરટોન નક્કર તેજીનો છે અને તેજીની ગાડી ચૂકી ગયેલા રોકાણકારો થોડા ઘટાડાને પણ તક માની રહ્યા હોવાથી ભાવમાં ભારે ચંચળતાનું વલણ જોવા મળી રહ્યું હોવાનું સિટી ઈન્ડેક્સના વિશ્લેષક મેટ્ટ સિમ્પસને જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે નાણાકીય અને રાજકીય અસ્થિરતના સંજોગોમાં સોનામાં રોકાણકારોની હેજરૂપી લેવાલી રહેતી હોય છે અને તાજેતરમાં ટેરિફની અનિશ્ચિતતાને ધ્યાનમાં લેતા આ વર્ષમાં અત્યાર સુધીમાં સોનાના ભાવમાં 19 ટકા જેટલો ઉછાળો આવી ગયો છે.