ભાજપે વકફ બિલને બુલડોઝરથી પસાર કરાવ્યું.. સોનિયા ગાંધીનાં સરકાર પર પ્રહાર…

નવી દિલ્હી: ગઇકાલે ભારે વિરોધ, હોબાળા અને 12 કલાક જેટલી લાંબી ચર્ચા બાદ લોકસભામાં વકફ સુધારા બિલને મંજૂરી આપી દેવામાં આવી હતી. લોકસભામાં બિલના સમર્થનમાં 288 મત પડ્યા હતા, જ્યારે વિરુદ્ધમાં 232 મત પડ્યા હતા. હવે આ બિલને આજે રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું છે. તેમાં વિપક્ષે સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ આ બિલને સમાજના ભાગલા પાડનારું અને બંધારણનાં અંત તરફ લઈ જતી ભાજપની રણનીતિનો હિસ્સો ગણાવ્યો હતો.
બંધારણ ફક્ત કાગળના ટુકડા બનીને રહી જશે
કોંગ્રેસ સંસદીય સમિતિને સંબોધતા, કોંગ્રેસ નેતાએ કહ્યું કે નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકાર દેશને રસાતળ તરફ લઈ જઈ રહી છે. જો આમ જ ચાલુ રહ્યું તો બંધારણ ફક્ત કાગળના ટુકડા બનીને રહી જશે. તેમનો ઈરાદો બંધારણનો નાશ કરવાનો છે. તેમણે કહ્યું કે ભાજપે આ બિલને લોકસભામાં બુલડોઝરથી પસાર કરાવ્યું છે. અમારા પક્ષનું વલણ સ્પષ્ટ છે; આ બિલ આપણા બંધારણ પર એક ચોખ્ખો હુમલો છે. આ આપણા સમાજને કાયમી ધ્રુવીકરણ તરફ દોરી જશે.
સત્તા પક્ષનાં સભ્યોથી નથી ચાલતું ગૃહ
સોનિયા ગાંધીએ સરકાર પર સંસદમાં ચર્ચા દરમિયાન કોંગ્રેસના સાંસદોને બોલવા ન દેવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે લોકશાહીમાં એ ખૂબ જ ચિંતાનો વિષય છે કે વિપક્ષી પક્ષોના સાંસદોને તેમના વિચારો રજૂ કરવાની તક આપવામાં આવતી નથી. રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા ખડગેને પણ એ બોલવાની મંજૂરી નથી જે તેઓ કહેવા માંગે છે અને ખરેખર તેમણે કહેવું જોઈએ. તેમણે કહ્યું કે તમારી જેમ મેં પણ જોયું છે કે ગૃહની કાર્યવાહી વિપક્ષી સાંસદોને કારણે નહીં પરંતુ શાસક પક્ષના સાંસદોને કારણે આગળ વધી શકતી નથી.
આ પણ વાંચો : 12 કલાકની ચર્ચા બાદ વકફ સુધારા બિલ લોકસભામાં પસાર; સમર્થનમાં પડ્યા 288 મત
ખડગે થયા લાલચોળ
આજે વકફ બિલને રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું છે અને તેની ચર્ચા દરમિયાન ભાજપ સાંસગ અનુરાગ ઠાકુરે આરોપ લગાવતાં કહ્યું હતું કે ખડગેએ વક્ફની જમીન પચાવી પાડી છે. અનુરાગ ઠાકુરનાં નિવેદન પર મલ્લિકાર્જુન ખડગે લાલચોળ થઈ ગયા હતા. તેમણે કહ્યું હતું કે ભાજપ સાંસદ અનુરાગ ઠાકુરે તેમના પર જે આરોપો લગાવ્યા છે તે પાયાવિહોણા છે. જો આરોપ સાબિત થશે તો હું રાજીનામું આપી દઈશ. ખડગેએ કહ્યું, લોકસભામાં મારા પર જે આરોપ લગાવ્યા હતા તેનાથી મારી પ્રતિષ્ઠાને નુકસાન પહોંચ્યું છે. તેઓ ભાજપના આવા પેંતરા સામે નહીં ઝૂકે. ભાજપના નેતાઓ મને ડરાવીને ઝુકાવા માંગે છે પણ હું ક્યારેય ઝૂકીશ નહીં.