જળાશયોમાં આટલું જ પાણી છે, પાલિકા કાપ નહીં મૂકે પણ તમે સંભાળીને વાપરજો…

મુંબઈ: મુંબઈને પાણી પૂરું પાડનારા સાતેય જળાશયોમાં પાણીનો જથ્થો માત્ર ૩૭.૬૭ ટકા બચ્યો છે. દિવસેને દિવસે ગરમી વધી રહી હોવાથી પાણીનું બાષ્પીભવન થવાને કારણે જળાશયોમાં પાણીના જથ્થામાં ઘટાડો થઈ રહ્યો છે. છતાં મુંબઈ મહાનગરપાલિકાની મુંબઈગરાના માથા પર પાણીકાપ લાદવાનું કોઈ યોજના ન હોવાનું કહેવાય છે.
ઉચ્ચ અધિકારીના કહેવા મુજબ રાજય સરકાર હસ્તકના બે જળાશયોથી પાણીનો રિઝર્વ સ્ટોક આપવાની માગણી કરવામાં આવી છે. તેથી જળાશયોમાં પાણી ખૂટી ગયા બાદ રિઝર્વ સ્ટોકનો ઉપયોગ કરવામાં આવશે. તેથી હાલપૂરતું તો મુંબઈના માથા પરથી પાણીકાપ ટળી ગયો હોવાનું માનવામાં આવે છે.
આ પણ વાંચો: વર્ક ફ્રોમ હોમ’માં મહિલાએ 15 લાખ રૂપિયા ગુમાવ્યા…
પાણી પુરવઠા વિભાગના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ ગરમીને કારણે પાણીનું સતત બાષ્પીભવન થઈ રહ્યું છે, તેથી જળાશયોમાં પાણીની સપાટીમાં ઘટાડો થઈ રહ્યો છે. પરંતુ પાલિકાએ રાજ્ય સરકાર પાસેથી ભાતસા અને અપર વૈતરણામાંથી કુલ ૧,૬૦,૦૦૦ રિઝર્વ વોટર સ્ટોક આપવાની માગણી કરી છે. તેથી મુંબઈગરા પર પાણીકાપ મૂકવાની નોબત આવશે નહીં. સાતેય જળાશયોમાં પાણી છે ત્યાં સુધી રિઝર્વ સ્ટોક વાપરમાં આવશે નહીં, કારણકે તે માટે પાલિકાને સરકારને પૈસા ચૂકવવા પડે છે. જોકે જળાશયોનું પાણી જૂન સુધી ચાલી રહેશે એવો અંદાજ છે અને જૂન મહિનામાં ચોમાસામાં સારો વરસાદ પડે તો રિઝર્વ સ્ટોક વાપરવાની આવશ્યકતા રહેશે નહીં.
મુંબઈને પાણી પૂરું પાડનારા સાતેય જળાશયોમાં બુધવારે સવારના ૫,૪૫,૧૮૩ મિલ્યન લિટર (એમએલડી) જેટલો ૩૭.૬૭ ટકા જેટલો પાણીનો જથ્થો હતો. ૨૦૨૩ની સાલાં ઓછો વરસાદ પડવાને કારણે ગયા વર્ષે આ જ સમયે જળાશયોમાં માત્ર ૩૧.૯૩ ટકા એટલે કે ૪,૬૨,૧૬૦ એમએલડી પાણીનો જથ્થો હતો. તેથી ગયા વર્ષે ૧૦ ટકા પાણીકાપ લાદવામાં આવ્યો હતો. બાદમાં જોકે જુલાઈમાં સારો એવો વરસાદ પડયા બાદ પાણીકાપ હટાવી દેવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: ‘એરલાઇન્સને નવી મુંબઈ એરપોર્ટ પર શિફ્ટ થવા ફરજ ન પાડી શકાય’ IATAએ ચિતા વ્યક્ત
નોંધનીય છે કે મુંબઈને આખું વર્ષ પાણીકાપ વગર પાણીપુરવઠો કરવા માટે પહેલી ઓક્ટોબરે સાતેય જળાશયોમાં ૧૪,૪૭,૩૬૩ એમએલડી જેટલો પાણીપુરવઠો હોવો જોઈએ. હાલ મુંબઈને પ્રતિદિન ૩,૮૫૦ મિલ્યન લિટર જેટલો પાણીપુરવઠો કરવામાં આવે છે.