મહારાષ્ટ્રના જેન્ડર બજેટને ફાળવાઈ 8.45 ટકા રકમ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે બુધવારે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે 64,008 કરોડની રકમ જેન્ડર વિશેષ પહેલ માટે 2025-26માં ફાળવી છે. તેમણે લાડકી બહેન યોજના માટે ફાળવવામાં આવેલી રકમમાં ઘટાડા અંગેની ચિંતા દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો.
વિધાનસભામાં જેન્ડર બજેટ રજૂ કરતાં નાણાં ખાતાનો હવાલો સંભાળતા અજિત પવારે કહ્યું હતું કે જેન્ડર બજેટ કુલ ફાળવણીના 8.45 ટકા થાય છે. આ ફાળવણી 10 માર્ચે રજૂ કરવામાં આવેલા મૂળ બજેટનો ભાગ છે અને તે મૂળ બજેટથી અલગ છે એવો અર્થ થતો નથી.
આપણ વાંચો: વિકસિત ભારત બનાવવા માટે વિકસિત મહારાષ્ટ્રનો રોડમેપ નક્કી કરતું બજેટ: અજિત પવાર
મહાયુતિ સરકારને ‘મુખ્ય મંત્રી માઝી લાડકી બહીણ યોજના’ માટેની રકમમાં ઘટાડો કરવા માટે વિપક્ષ દ્વારા નિશાન બનાવવામાં આવી રહી છે. જુલાઈ-2024ના બજેટમાં આ યોજના માટે રૂ. 46,000 કરોડની ફાળવણી કરવામાં આવી હતી, માર્ચ-2025ના બજેટમાં આ ફાળવણી રૂ. 36,000 કરોડ કરવામાં આવી છે.
પવારે એમ પણ કહ્યું હતું કે બાળકોના બજેટ માટે 1,00,605 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે, જે કુલ બજેટના 13.28 ટકા છે. રાજ્યનું કૂલ બજેટ 7,57,576 કરોડ રૂપિયા છે.
આ પહેલાં 10 માર્ચે રાજ્યનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યું હતું જેમાં 45,891 કરોડ રૂપિયાની મહેસુલી ખાધ અને 1,36,000 કરોડ રૂપિયાની રાજકોષીય ખાધ દર્શાવવામાં આવી હતી. બજેટમાં મહેસુલી આવક 5,60,963 કરોડ રૂપિયા રહેવાની જ્યારે મહેસુલી ખર્ચ 6,06,855 કરોડ રૂપિયા રહેવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે.