થાણેમાં પાણીની ટાંકી સાફ કરતી વખતે સગીરનું થયું મૃત્યુ: કોન્ટ્રેક્ટરની ધરપકડ…

થાણે: થાણેમાં હાઉસિંગ સોસાયટીની પાણીની ટાંકી સાફ કરતી વખતે 16 વર્ષના સગીરનું મૃત્યુ થયા બાદ પોલીસે કોન્ટ્રેક્ટર વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. ઘોડબંદર રોડ પર આવેલી હાઉસિંગ સોસાયટી દ્વારા તેમની પાણીની ટાંકી સાફ કરવાનું કામ 40 વર્ષના કોન્ટ્રેક્ટરને સોંપવામાં આવ્યું હતું.
કોન્ટ્રેક્ટરે 22 માર્ચે પાણીની ટાંકી સાફ કરવા માટે સગીરને બોલાવ્યો હતો. જોકે તેને સુરક્ષાનાં સાધનો પૂરાં પાડવામાં આવ્યાં નહોતાં. ટાંકી સાફ કરતી વખતે વીજળીનો આંચકો લાગતાં સગીરનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. દરમિયાન બનાવની જાણ થતાં કાસારવડવલી પોલીસ સ્ટેશનના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને સગીરના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલ્યો હતો.
આ પ્રકરણે એડીઆર દાખલ કરવામાં આવ્યો હતો, પણ તપાસ કર્યા બાદ કોન્ટ્રેક્ટર વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. કોન્ટ્રેક્ટરને બેદરકારી બદલ જવાબદાર ઠેરવવામાં આવ્યો હતો, જેના કારણે સગીરનું મૃત્યુ થયું હતું.
આ પણ વાંચો : કેસ ક્લોઝ થતા રિયા ચક્રવર્તી પરિવાર સાથે મુંબઈના જાણીતા મંદિરે પહોંચી!
કોન્ટ્રેક્ટર વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 105 (સદોષ મનુષ્યવધ) તેમ જ જુવેનાઇલ જસ્ટિસ (કૅર એન્ડ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન) એક્ટ હેઠળ ગુનો દાખલ કરી સોમવારે તેની ધરપકડ કરવામાં આવી હતી, એમ સિનિયર ઇન્સ્પેક્ટર સુનીલ પાટીલે કહ્યું હતું. (પીટીઆઇ)