કટોકટીના સમયમાં રશિયાનો મોટોભાઇ બની રહ્યું છે ચીન, પુતિનને જિનપિંગની મદદથી ચિંતામાં અમેરિકા!
યુક્રેન યુદ્ધના કારણે મુશ્કેલીઓમાં ઘેરાયેલા રશિયાને જોઈને ચીન તેનો મોટો ભાઈ બનવાના પ્રયત્નો કરી રહ્યું છે. યુક્રેન પર હુમલા બાદ વ્યૂહાત્મક રીતે રશિયાની ચીન પર નિર્ભરતા વધી છે, અને આ વાત સામે રશિયાને વાંધો છે. યુક્રેન પર હુમલા બાદ બંને દેશો વચ્ચેનો વેપાર વધી ગયો છે. રશિયન ઓઇલની ચીની આયાતોએ આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોને ટાળવા માટે મોસ્કોને મહત્વપૂર્ણ જીવનરેખા પ્રદાન કરી છે. બંને દેશો વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર ગયા વર્ષે વિક્રમજનક રીતે 190 બિલિયન યુએસ ડોલર સુધી પહોંચ્યો હતો. આ વર્ષે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આ વેપારને 200 બિલિયન યુએસ ડોલરથી પણ આગળ લઈ જવાનો વાયદો કર્યો છે.
ચીનના જિલીન વિશ્વવિદ્યાલયના સહાયક પ્રોફેસર બ્યોર્ન એલેક્ઝાન્ડર ડૂબેને જણાવ્યું હતું કે રશિયા ચીન સાથે સહયોગ વધારવા માટે પ્રયત્ન કરશે અને સૈન્ય સહાયતા પણ પ્રાપ્ત કરશે. રશિયાને એવી આશાઓ છે કે યુક્રેન માટે પશ્ચિમના દેશોનું સમર્થન ધીમે ધીમે ઓછું થઇ શકે છે. જો કે સામા પક્ષે ચીન પણ ફરી જાય એવી શક્યતાઓ નકારી શકાય નહિ.
યુરોપિઅન કાઉન્સિલ ઓન ફોરેન રિલેશન્સના પોલિસી ફેલો એલિઝા બાચુલસ્કાએ એએફપીને જણાવ્યું હતું કે ચીન રશિયાને નબળું પડતું જોઇ નહિ શકે અને જો તેને એવું લાગે કે મોસ્કો તકલીફમાં છે તો તે પોતાનો પ્રયાસ વધારી શકે છે. રશિયાના રાજકીય નિષ્ણાતો જણાવી રહ્યા છે કે સોવિયેતના વિઘટન બાદ ચીનની નવી વિદેશ નીતિ અમલમાં મુકાઇ છે. સોવિયેત સંઘના કેટલાક સભ્યોને ચીનની આયાતો બમણી મળવા લાગી છે. જ્યારે અન્ય દેશો સાથે વેપાર ઓછો થઇ ગયો છે. અમેરિકા અને તેના અનેક સહયોગી સાથે ચીનને વેપાર વધારવામાં મુશ્કેલીઓ થઇ રહી છે. આ ઉપરાંત મધ્ય એશિયાના દેશો પર પણ પોતાના વેપારના વ્યાપને ચીન વધારી રહ્યું છે. મધ્ય એશિયા શિખર સંમેલનમાં ચીનની હાજરી એ તેનું જ એક ઉદાહરણ હતું.
રશિયા ટુડેએ ચીનની જનરલ એડમિનિસ્ટ્રેશન ઓફ કસ્ટમ્સ સંસ્થાના એક અહેવાલને ટાંકીને દાવો કર્યો છે કે 2023ના પહેલા ચાર મહિનામાં જ સોવિયત સંઘ બાદ આ પાંચ દેશો સાથે ચીનનો વેપાર ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનામાં 37% વધ્યો એટલે 25 બિલિયન ડોલરથી વધી ગયો. વધુ આશ્ચર્યજનક એ વાત છે કે 2022ના અંત સુધીમાં, શિખર સંમેલનમાં ભાગ લેનારા દેશો સાથેનો વેપાર તો પહેલેથી જ 70 બિલિયન યુએસ ડોલરને વટાવી ગયો હતો. 2021ના વર્ષના વેપારની તુલના 2023 સાથે કરીએ તો તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાનમાં ચીનની નિકાસ લગભગ બમણી થઈ ગઈ છે. તુર્કિયે, કઝાકિસ્તાન અને કિર્ગિસ્તાન સાથે પણ વેપાર વધ્યો છે. આમ મધ્ય એશિયામાં ચીનનું પ્રભુત્વ વધી રહ્યું છે.
વાત રશિયાના સહયોગી દેશોની કરીએ તો જ્યોર્જિયા અને બેલારુસમાં ચીનની નિકાસ બમણાથી વધુ થઈ છે જ્યારે આર્મેનિયામાં નિકાસ 60% થી વધુ વધી છે. રશિયન પત્રકાર અને રાજકીય નિષ્ણાત જ્યોર્જ ટ્રેનિને ધ્યાન દોર્યું હતું કે નિકાસ બજાર નાનું હોવા છતાં ચીનનું અર્થતંત્ર સતત વિકસિત થઇ રહ્યું છે. આ રશિયા સાથેના વેપારને કારણે જ મોટાભાગે શક્ય બન્યું છે. ખનિજતેલ, ઇંધણ અને અન્ય ઉત્પાદનોની રશિયાથી ચીનમાં મુખ્યપણે નિકાસ થાય છે. રશિયા તેના ભાગીદારોને જે ઓઇલ ડિસ્કાઉન્ટ આપે છે તેની અનિવાર્યપણે વૈશ્વિક ઊર્જાના ભાવો પર અસર કરે છે તેમજ તેની પણ ચીનની અર્થવ્યવસ્થા પર સકારાત્મક અસર પડે છે. ચીન માત્ર રશિયા સાથે જ નહીં પરંતુ અન્ય દેશો સાથે પણ નફાકારક કરાર કરી રહ્યું છે. ચીનની કંપનીએ કઝાકસ્તાનમાં તેલ કંપની ખરીદી છે જે મધ્ય એશિયામાં ગેસ પરિયોજનાઓમાં સામેલ છે. તુર્કિયે, ઉઝબેકિસ્તાન અને કઝાકસ્તાનના માધ્યમથી ચીન સુધી પ્રાકૃતિક ગેસ પહોંચાડવામાં આ કંપની કાર્યરત છે. આ બધાને કારણે ચીનની આર્થિક શક્તિ વધશે, જેનો ઉપયોગ તે મિડલ ઇસ્ટમાં તેના પ્રભાવને મજબૂત કરવા અને હરીફો પર રાજકીય રીતે દબાણ ઉભું કરવા માટે કરી શકે છે. મધ્ય એશિયાના દેશો આ ક્ષેત્રમાં અમેરિકાની ભાગીદારીને એટલું પ્રાધાન્ય આપતા નથી જેને કારણે અમેરિકા સાથેના આ દેશોના આર્થિક સંબંધો અસરકારક થઇ શકતા નથી.