IPL 2025: KKR vs RCB ઓપનિંગ મેચ રદ થઈ શકે છે! જાણો શું છે કારણ…

કોલકાતા: ક્રિકેટ ચાહકો જેની દર વર્ષે આતુરતાથી રાહ જોતા હોય છે એ ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની 18મી સિઝનની શરૂઆત આવતી કાલે શનિવારે થવાની છે. IPL 2025 ની પહેલી મેચ કોલકાતાના ઇડન ગાર્ડન્સ સ્ટેડીયમ (Eden Gardens) ખાતે ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચે રમાશે. જોકે, ચાહકોના ઉત્સાહ પર પાણી ફરીવળે તેવી શક્યતા છે, કેમ કે આવતી કાલે કોલકાતામાં વરસાદ પડવાની શક્યતા છે.
આ પણ વાંચો: IPL 2025: સંજુ સેમસન ટીમમાં હોવા છતાં રાજસ્થાન રોયલ્સે આ ખેલાડીને કેપ્ટન બનાવ્યો; જાણો શું છે કારણ…
કોલકાતામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેના કારણે આ મેચ પણ રદ થઈ શકે છે. બંગાળની ખાડી પર એક સાઇકલોનીક સર્ક્યુલેશનને કારણે ભારતીય હવામાન વિભાગ (IMD) એ 22 માર્ચ સુધી કોલકાતામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે.
સીઝનની પહેલી મેચ પહેલા ઓપનીંગ સેરેમની પણ યોજવાની છે, જેમાં લોકપ્રિય ગાયકો શ્રેયા ઘોષાલ, કરણ ઔજલા અને અભિનેત્રી દિશા પટણી પરફોર્મ કરશે. ભારે વરસાદ અને ભારે પવન સેરેમની અને મેચમાં વિઘ્ન પાડી શકે છે, જેને કારણે ચાહકોને નિરાશા મળી શકે છે.
હવામાન વિભાગની આગાહી:
IMD એ જણાવ્યું હતું કે, “મધ્ય ઓડિશાથી વિદર્ભ સુધી એક ટ્રફ છે, આ ટ્રફ અને બંગાળની ખાડી પર નીચલા ઉષ્ણકટિબંધીય સ્તર પર એન્ટિસાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે, પૂર્વ અને મધ્ય ભારતમાં પવનોનો સંગમ થઇ રહ્યો છે. 20 અને 21 માર્ચે ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ભારે પવન-વીજળી સાથે છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.”
આ પણ વાંચો: IPL 2025માં બોલર્સનો દબદબો જોવા મળી શકે છે? 5 વર્ષ બાદ આ પ્રતિબંધ હટી શકે છે
કોલકાતાના પ્રાદેશિક હવામાન કેન્દ્રએ 20 માર્ચથી 22 માર્ચ સુધી પશ્ચિમ બંગાળના કેટલાક ભાગો માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જોકે, ક્રિકેટ ચાહકો આશા રાખશે કે વરસાદ ના પડે અને તેઓ ઓપનિંગ સેરેમની તેમજ મેચનો આનંદ માણી શકે.