પુણે મીની બસ આગ કેસમાં મોટો ખુલાસો; ડ્રાઈવરે જ આગ લગાવી હતી, આ કારણે હતો નારાજ…

પુણે: મહારાષ્ટ્રના પુણેમાં બુધવારે એક ખાનગી કંપનીના કર્મચારીઓને લઇ જતી મીની બસમાં આગ લાગવાનો બનાવ (Pune minibus fire case) બન્યો હતો, જેના કારણે ચાર કર્મચારીઓના મોત થયા હતાં. પોલીસ આ કેસની તપાસ કરી રહી છે, આ દરમિયાન એક મોટો ખુલાસો થયો છે.
પોલીસે દાવો કર્યો હતો કે બસના ડ્રાઇવરે પોતે જ બસને આગ લગાવી હતી. બસ ડ્રાઈવર તેના પગારમાં કાપ મુકવાથી રોષે ભરાયો હતો, જેના કારણે તેણે આ પગલું ભર્યું. પિંપરી ચિંચવાડના પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, “તપાસમાં જાણવા મળ્યું છે કે આગ કોઈ અકસ્માત નહોતી પરંતુ એક કાવરતું હતું.”
આ પણ વાંચો: ગેટ્સ ફાઉન્ડેશન મહારાષ્ટ્ર સરકાર સાથે રાજ્યને મેલેરિયા મુક્ત બનાવવા માટે ભાગીદારી કરશે: ફડણવીસ
પગાર કાપવાથી નારાજ હતો:
પોલીસે જણાવ્યું કે આરોપી બસ ડ્રાઈવર, જનાર્દન હમ્બરડેકર, તાજેતરમાં તેના પગારમાં કાપ મૂકવાથી નારાજ હતો. ગાયકવાડે કહ્યું કે તેનો કેટલાક કર્મચારીઓ સાથે ઝઘડો પણ થયો હતો. તે તેમની સામે બદલો લેવા માંગતો હતો. પોલીસે એમ પણ જાણાવ્યું કે જનાર્દને જે કર્મચારીઓ સામે રોષ હતો, તે બસ આગમાં માર્યા ગયેલા કર્મચારીઓમાં સામેલ નહોતા.
આ રસાયણથી લગાવી આગ:
બસમાં આગ લાગવાની આ ઘટના બુધવારે સવારે પુણે શહેર નજીક હિંજેવાડી વિસ્તારમાં બની હતી, મીની બસમાં 14 કર્મચારીઓ સવાર હતા. પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ, “આરોપી જ્વલનશીલ રસાયણ બેન્ઝીન ખરીદ્યું હતું. ગુરુવારે જ્યારે બસ હિંજેવાડી નજીક પહોંચી, ત્યારે તેણે માચીસ સળગાવીને આગ લગાવી દીધી.”
આ પણ વાંચો: નાશિકમાં જૂની અદાવતને લઇ ટોળાએ બે ભાઇને મોતને ઘાટ ઉતાર્યા…
પોલીસે કહ્યું કે આગ લાગ્યા બાદ આરોપી જનાર્દન પોતે પણ દાઝી ગયો. પરંતુ તે, કેટલાક અન્ય લોકો સાથે, બસમાંથી નીચે ઉતરવામાં સફળ રહ્યો હતો. પોલીસ અધિકારીએ જણાવ્યું કે આરોપી ડ્રાઈવર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, તેને રજા અપાયા બાદ ધરપકડ કરવામાં આવશે.