ST બસના પ્રવાસીઓ માટે ખુશખબર, આગામી વર્ષ સુધીમાં 2,000 થી વધુ બસ આવશે સેવામાં..

અમદાવાદઃ ગુજરાત એસટી નિગમ સતત વધુ સારી સુવિધા આપવા પ્રયત્ન કરી રહ્યું છે અને એસટીની સુવિધામાં તેના સીધા પરિવર્તન જોવા મળી રહ્યા છે. ત્યારે આજે વિધાનસભા ગૃહ ખાતે વાહન વ્યવહાર વિભાગની અંદાજપત્રીય માંગણીઓની ચર્ચા દરમિયાન કેબિનેટ પ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ગુજરાત એસ.ટી નિગમે ટેકનોલોજી આધારિત અનેક નવા આયામો શરુ કર્યા છે. જેમાં ગુજરાતના બસ ડેપો અને બસ સ્ટેશનોને વધુ અદ્યતન બનાવવામાં આવ્યા છે.
નવી 2050 બસો ઉમેરાશે.
છેવાડાના ગામો સુધી પરિવહનની સુવિધા પહોંચાડવા માટે રાજ્ય સરકાર દ્વારા પ્રતિમાસ 200 નવી બસ એટલે કે, દરરોજ 6 નવી બસો નાગરિકોની સેવામાં કાર્યરત કરવામાં આવે છે. માત્ર છેલ્લા 14 માસમાં જ 2987 નવી બસો પ્રજાની સેવામાં મૂકવામાં આવી છે. આ ઉપરાંત પરિવહનને વધુ કાર્યક્ષમ અને વેગવંતુ બનાવવા માટે અનેક નવા રૂટ પણ શરુ કરવામાં આવ્યા છે. આગામી વર્ષે પ્રજાની સેવામાં નવી 2050 બસો કાર્યરત કરાશે.
આ પણ વાંચો : ઘઉંની ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોની નોંધણીની સમયમર્યાદા વધારાઈ; આ તારીખ સુધી કરી શકાશે નોંધણી…
દૈનિક 27 લાખ મુસાફરો
તેમણે ઉમેર્યું હતું કે, સ્વચ્છ અને ઝડપી નવીન બસો સંચાલનમાં મૂકવાથી અગાઉ દૈનિક 25 લાખ મુસાફરો સરકારી બસોનો લાભ લેતા હતા, તેમાં દૈનિક 2 લાખ મુસાફરોનો ઐતિહાસિક વધારો થતા હવે દૈનિક 27 લાખ મુસાફરો આ સેવાનો લાભ લે છે. પ્રયાગરાજ ખાતે યોજાયેલા મહાકુંભમાં ગુજરાતના શ્રદ્ધાળુઓ નિર્વિઘ્ને સંગમમાં પવિત્ર સ્નાન કરી શકે તે માટે એક આયોજન કર્યું હતું. એક જ મહિનામાં રાજ્યના શહેરોમાંથી ૨૪ એસી વોલ્વો બસ થકી 140 ટ્રીપ દ્વારા 6000 જેટલા શ્રદ્ધાળુઓએ પવિત્ર મહાકુંભમાં આસ્થાની ડૂબકી લગાવી હતી.
આગામી વર્ષમાં 200 નવી પ્રિમિયમ બસ
એસ.ટી. નિગમની વિવિધ કક્ષામાં ભરતીના સંકલ્પ સામે માત્ર એક જ વર્ષમાં વિવિધ કક્ષામાં 7326 જગ્યા માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આગામી વર્ષમાં 200 નવી પ્રિમિયમ બસ શરુ કરવા માટે રૂ. 360 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. વાહન વ્યવહાર પ્રભાગની રૂ. 3579.07 કરોડની અંદાજપત્રીય માંગણીઓ વિધાનસભા ગૃહ ખાતે પસાર કરવામાં આવી હતી.