આમચી મુંબઈ

ભાભીની હત્યા કરી ભત્રીજાનું અપહરણ કરવાના કેસમાં આરોપી 23 વર્ષે પકડાયો…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: વિરારમાં ગળું ચીરીને ભાભીની હત્યા કર્યા બાદ ભત્રીજાનું કથિત અપહરણ કરવાના કેસમાં 23 વર્ષથી ફરાર આરોપી આખરે ડોમ્બિવલીમાં પકડાયો હતો. મીરા-ભાયંદર વસઈ-વિરાર પોલીસની ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-3ના ઇન્ચાર્જ અવિરાજ કુરાડેની ટીમે પકડી પાડેલા આરોપીની ઓળખ મોહમ્મદ તરબેઝ મોહમ્મદ ઈદ્રિસ અન્સારી (52) તરીકે થઈ હતી. ખોટી ઓળખ ઊભી કરીને અન્સારી બે દાયકાથી ડોમ્બિવલીમાં રહેતો હતો.

આ પણ વાંચો : લાંચ કેસમાં સેશન્સ કોર્ટના જજને જામીન આપવાનો હાઇ કોર્ટનો ઇનકાર

પોલીસના જણાવ્યા મુજબ ઘટના છઠ્ઠી જૂન, 2002ના રોજ વિરારમાં બની હતી. અન્સારીના ભાઈની પહેલી પત્ની શબાના પરવીન (30)ની તીક્ષ્ણ હથિયારથી ગળું ચીરી કરપીણ હત્યા કરવામાં આવી હતી. હત્યા બાદ શબાનાના પાંચ મહિનાના દીકરાનું અપહણ પણ કરવામાં આવ્યું હતું. અન્સારી અને તેના ભાઈની બીજી પત્ની આફરીન બાનુએ મળીએ શબાનાની હત્યા કરી હોવાનું તે સમયે તપાસમાં સામે આવ્યું હતું. આ પ્રકરણે વિરાર પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ 302 (હત્યા), 363 (અપહરણ) અને 34 (સમાન હેતુ સાથે કૃત્ય આચરવું) હેઠળ ગુનો નોંધ્યો હતો.

મૃતક શબાના અન્સારીની પહેલી પત્ની હતી, જ્યારે આફરીન બીજી પત્ની. શબાનાના ચારિત્ર્ય પર શંકા કરી અન્સારી લગ્નનો વિરોધ કરતો હતો. શબાનાને છોડી આફરીન બાનુ સાથે લગ્ન કરવા અન્સારી ભાઈ પર દબાણ કરતો હતો. બાદમાં અન્સારીના ભાઈએ આફરીન સાથે લગ્ન કરી શબાનાથી અલગ રહેવા લાગ્યો હતો. કહેવાય છે કે આફરીન સાથે મળી અન્સારીએ શબાનાની હત્યા કરી હતી. પછી ઘરમાં તેનો દીકરો એકલો હોવાથી તેનું અપહરણ કર્યું હતું. થોડા દિવસ પછી અન્સારીએ બાળક તેના ભાઈને ફરી સોંપ્યો હતો. હાલમાં 23 વર્ષનો થયેલો એ બાળક લખનઊમાં પિતા અને સાવકી માતા સાથે રહે છે.

આ પણ વાંચો : ભાયંદરમાંં સિનિયર સિટિઝનની હત્યા

સબ-ઈન્સ્પેકટર દત્તા સરકે જણાવ્યું હતું કે ઘટના બાદ ફરાર થઈ ગયેલો અન્સારી ત્રણ વર્ષ લખનઊમાં રહ્યો હતો. પછી તે ડોમ્બિવલી પાછો ફર્યો હતો. ત્યાં ખોટી ઓળખને આધારે છેલ્લાં 20 વર્ષથી તે ભાડેની રૂમમાં રહેતો હતો. અન્સારી ડોમ્બિવલીમાં હોવાની માહિતી મળતાં પોલીસની ટીમે સોમવારે તેને પકડી પાડ્યો હતો

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button