આમચી મુંબઈટોપ ન્યૂઝ

નાગપુર હિંસા પૂર્વયોજિત લાગે છે, ‘છાવા’ ફિલ્મે લોકોની ભાવનાઓને ફરી ભડકાવી: ફડણવીસ…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે કહ્યું હતું કે, નાગપુરમાં થયેલી હિંસા પૂર્વઆયોજિત લાગે છે જેમાં ટોળાએ ચોક્કસ ઘરોને નિશાન બનાવ્યા હતા, અને કહ્યું કે ‘છાવા’ ફિલ્મે મોગલ સમ્રાટ ઔરંગઝેબ વિરુદ્ધ લોકોની લાગણીઓને ફરી ભડકાવી હતી.

વિધાનસભામાં બોલતા ફડણવીસે કહ્યું કે છત્રપતિ સંભાજી મહારાજના જીવન પર આધારિત વિકી કૌશલ અભિનીત ફિલ્મ ‘છાવા’એ મરાઠા રાજાનો સાચો ઇતિહાસ લોકો સમક્ષ રજૂ કર્યો છે, એમ તેમણે કહ્યું હતું. તે (ફિલ્મ) પછી, લોકોની લાગણીઓ ફરી ભડકી ઉઠી છે. ઔરંગઝેબ સામેનો ગુસ્સો મોટા પાયે પ્રદર્શિત થઈ રહ્યો છે, એમ મુખ્ય પ્રધાને કહ્યું હતું.

સોમવારે ઔરંગઝેબની કબર સામેના વિરોધ પ્રદર્શનને કારણે હિંસા ભડકી ઉઠી હતી, જે દરમિયાન અનેક ઘરો અને વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી, જેના કારણે નાગપુર શહેરના અનેક વિસ્તારોમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે.
ગૃહ મંત્રાલય સંભાળતા ફડણવીસે જણાવ્યું હતું કે હિંસામાં ત્રણ ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ સહિત 33 પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા હતા અને એક વરિષ્ઠ અધિકારી પર કુહાડીથી હુમલો કરવામાં આવ્યો હતો.

તેમણે કહ્યું હતું કે જે લોકોએ પોલીસ પર હુમલો કર્યો છે તેમને બક્ષવામાં આવશે નહીં. ‘ટોળાએ ચોક્કસ ઘરો અને સંસ્થાઓને નિશાન બનાવી હતી. આ (હુમલો) પૂર્વઆયોજિત લાગે છે,’ એમ ફડણવીસે કહ્યું હતું.

‘કેટલાક લોકોનો પૂર્વયોજિત પેટર્ન હોય તેવું લાગે છે. ચોક્કસપણે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે, અને જેણે પણ પોલીસ કર્મચારીઓ પર હુમલો કર્યો છે તેને બક્ષવામાં આવશે નહીં. સામાન્યતા પુન:સ્થાપિત કરવામાં આવી રહી છે,’ એમ ફડણવીસે કહ્યું હતું.

આવી જ લાગણીઓ વ્યક્ત કરતા, નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ વિધાન પરિષદમાં કહ્યું હતું કે, ચોક્કસ સમુદાયને નિશાન બનાવવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. ઘટનાઓનો ક્રમ આપતા, ફડણવીસે કહ્યું કે સોમવારે સવારે 11.30 વાગ્યે, વિશ્ર્વ હિન્દુ પરિષદ (વીએચપી) અને બજરંગ દળના કાર્યકરોએ નાગપુરના મહેલ વિસ્તારમાં વિરોધ પ્રદર્શન કર્યું, જેમાં ઔરંગઝેબની કબર દૂર કરવાની માગણી કરવામાં આવી હતી.

તેમણે ઘાસની એક પ્રતીકાત્મક કબર પણ બનાવી અને તેને આગ લગાવી દીધી, એવી માહિતી તેમણે આપી હતી.
તેમણે જણાવ્યું હતું કે, બપોરે ગણેશ પેઠ પોલીસ સ્ટેશનમાં કાર્યકર્તાઓ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો અને ધાર્મિક લાગણીઓ દુભાવવાના હેતુથી ઇરાદાપૂર્વક અને દુર્ભાવનાપૂર્ણ કૃત્યો સંબંધિત કલમ તેમના વિરુદ્ધ લાગુ કરવામાં આવી હતી.
સાંજ સુધીમાં, એક એવી અફવા ફેલાઈ ગઈ હતી કે આગ લગાડવામાં આવેલી પ્રતીકાત્મક કબર પર કેટલીક ધાર્મિક સામગ્રી મૂકવામાં આવી હતી. આ પછી, 200-300 લોકોએ સૂત્રોચ્ચાર કરવાનું શરૂ કર્યું અને હિંસા કરવાની ધમકી આપી, જેના પગલે પોલીસે હળવો બળપ્રયોગ કર્યો, એમ તેમણે જણાવ્યું હતું.

ફડણવીસે જણાવ્યું હતું કે, વિરોધીઓને ગણેશ પેઠ પોલીસ સ્ટેશનમાં આવવાનું પણ કહેવામાં આવ્યું હતું કારણ કે તેઓ વીએચપી અને બજરંગ દળના કાર્યકરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા માગતા હતા. ‘જ્યારે પોલીસ કાર્યવાહી ચાલી રહી હતી, ત્યારે હંસાપુરીમાં 200-300 લોકોએ પથ્થરમારો કર્યો. તેમના ચહેરા ઢાંકેલા હતા. કેટલાક લોકો પર તીક્ષ્ણ હથિયારોથી હુમલો કરવામાં આવ્યો હતો,’ એમ તેમણે કહ્યું હતું.

તેમણે આપેલી માહિતી મુજબ, ત્રીજી ઘટના સાંજે 7.30 વાગ્યે ભલદારપુરામાં બની હતી, જ્યાં 80 થી 100 લોકોના ટોળાએ પોલીસ પર હુમલો કર્યો હતો. તેથી, તેમને નિયંત્રણમાં રાખવા માટે ટીયર ગેસ અને હળવો બળપ્રયોગ કરવામાં આવ્યો હતો.
તેમણે કહ્યું હતું કે, એક ક્રેન અને બે જેસીબીને આગ ચાંપી દેવામાં આવી હતી.

‘ત્રણ ડીસીપી સહિત ઓછામાં ઓછા 33 પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા હતા, અને એક ડીસીપી પર કુહાડીથી હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં પાંચ નાગરિકો ઘાયલ થયા હતા તેમાંથી એક આઈસીયુમાં છે,’ એમ તેમણે કહ્યું હતું.
ફડણવીસે કહ્યું કે ગણેશ પેઠ પોલીસ સ્ટેશનમાં ત્રણ કેસ નોંધાયા છે, અને બે કેસ તહેસીલ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી રહ્યા છે.

તેમણે કહ્યું કે, 11 પોલીસ સ્ટેશન હેઠળ આવતા વિસ્તારોમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે.
‘પથ્થરોથી ભરેલી ટ્રોલી મળી આવી હતી. અમને જાણવા મળ્યું કે કેટલાક લોકોએ પથ્થરો એકઠા કર્યા હતા. આગચંપી કરવામાં આવી હતી અને વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી. કેટલાક ઘરો અને સંસ્થાઓને પૂર્વઆયોજિત રીતે નિશાન બનાવવામાં આવી હતી,’ એમ મુખ્ય પ્રધાને જણાવ્યું હતું.

ફડણવીસે કહ્યું હતું કે, પોલીસ મહાનિર્દેશક (ડીજીપી)એ નાગપુર પોલીસ કમિશનર અને પોલીસ અધિક્ષક સાથે વિડીયો કોન્ફરન્સ કરી હતી અને તેમને કાયદો અને વ્યવસ્થા જાળવવાનો નિર્દેશ આપ્યો હતો.


છત્રપતિ શિવાજી અને છત્રપતિ સંભાજી મહારાજનું અપમાન સહન નહીં કરાય: એકનાથ શિંદે

નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ વિધાનપરિષદમાં જણાવ્યું હતું કે, વિરોધ પ્રદર્શન પછી, પોલીસે બે સમુદાયો વચ્ચે મધ્યસ્થી તરીકે ભૂમિકા ભજવી હતી.

‘રાત્રે 8 વાગ્યે 2,000 થી 5,000 લોકોનું ટોળું કેવી રીતે એકઠું થાય છે? લોકોના ઘરોમાં મોટા પથ્થરમારો કરવામાં આવ્યો. એક હોસ્પિટલની તોડફોડ કરવામાં આવી. હોસ્પિટલમાં દેવી-દેવતાઓના ફોટા સળગાવવામાં આવ્યા. પેટ્રોલ બોમ્બ ક્યાંથી આવ્યા? પેટ્રોલ બોમ્બ ફેંકવામાં આવ્યા, કાર, મોટરબાઈક સળગાવવામાં આવ્યા. 100-150 બાઇક ચોક્કસ વિસ્તારમાં નિયમિત પાર્ક કરવામાં આવતી હતી અને ગઈકાલે કોઈ બાઇક પાર્ક કરવામાં આવી નહોતી. આનો અર્થ એ છે કે, આ ચોક્કસ સમુદાયને નિશાન બનાવવાનું પૂર્વઆયોજિત કાવતરું હતું, એમ શિંદેએ કહ્યું હતું.

છત્રપતિ શિવાજી અને છત્રપતિ સંભાજીનું અપમાન રાજ્ય સહન કરશે નહીં, એવા શબ્દોમાં તેમણે વિધાનપરિષદમાં તોફાની તત્ત્વોને ચેતવણી આપી હતી. તેમણે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ હર્ષવર્ધન સપકાળને મુખ્ય પ્રધાન ફડણવીસની સરખામણી ઔરંગઝેબ સાથે કરવા બદલ માફી માગવાની પણ માગણી કરી હતી.


હિંદુઓને નિશાન બનાવવામાં આવ્યા હતા: સ્થાનિક વિધાનસભ્ય

આ દરમિયાન હિંસાગ્રસ્ત નાગપુર સેન્ટ્રલ મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા ભાજપના વિધાનસભ્ય પ્રવીણ દટકેએ કહ્યું હતું કે ચિટનીસ પાર્ક વિસ્તારમાં હિન્દુઓ અને મુસ્લિમો ઘણા દાયકાઓથી શાંતિથી રહી રહ્યા છે.

ચિટનીસ પાર્ક ખાતે પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું કે હિંસા પૂર્વ-આયોજિત હતી અને હિન્દુઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. ‘આ એક સુનિયોજિત કૃત્ય હતું, જેમાં મુસ્લિમોના ઘરો અને દુકાનોને નહીં પણ ચોક્કસ સમુદાય (હિન્દુ)ના ઘરો અને દુકાનોને નિશાન બનાવવામાં આવ્યા હતા,’ એવો આરોપ તેમણે લગાવ્યો હતો.

દટકેએ કહ્યું કે હિંસા અચાનક નહોતી ફાટી નીકળી કારણ કે એવું હોત તો પછી બંને સમુદાયોને નિશાન બનાવવામાં આવ્યા હોત. મુખ્ય પ્રધાન પર વિશ્વાસ વ્યક્ત કરતાં તેમણે કહ્યું હતું કે સરકાર ગુનેગારોને ઓળખવા માટે ડીવીઆર અને સીસીટીવી ફૂટેજ સ્કેન કરશે અને તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button