
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવાએ જમીન માપણીના વિરોધમાં સ્ટીકર લગાવેલું ટી શર્ટ પહેરીને આવ્યા હતા. જેને દૂર કરવાનું કહેવામાં આવ્યું હતું. પરંતુ તેમણે દૂર ન કરતાં સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
આપના ધારાસભ્ય હેમંત ખવા ગૃહમાં ખોટી જમીન માપણી રદ્દ કરો તેવું સ્લોગન લખેલું ટી શર્ટ પહેરીને આવ્યા હતા. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ તેમને ગૃહમાં આ પ્રકારના વિરોધને મંજૂરી નથી તેમ કહ્યું હતું. ધારાસભ્યએ તેઓ માત્ર ભાજપ સરકારનું ખેડૂતોના પ્રશ્ને ધ્યાન ખેંચવા માગે છે તેમ જણાવ્યું હતું.
આપણ વાંચો: અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ રજૂ કરશે ભૂપેન્દ્ર સરકાર, ગુરુવારથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરૂ
પ્રશ્નોત્તરી કાળ દરમિયાન ચૌધરીને ટી શર્ટ બદલવા અથવા ગૃહ છોડી દેવા કહ્યું હતું. જે બાદ હેમંત ખવાએ ખોટી જમીન માપણી રદ્દ કરો તેવો સૂત્રોચ્ચાર કર્યો હતો અને કહ્યું હું વિરોધ કરી રહ્યો નથી.
હું ફક્ત સરકારનું ધ્યાન દોરવાનો પ્રયાસ કરી રહ્યો છું. જામનગર જિલ્લાની જામજોધપુર બેઠકનું પ્રતિનિધિત્વ કરતા આમ આદમી પાર્ટીના ધારાસભ્યએ દલીલો ચાલુ રાખી અને ગૃહ છોડવાનો ઇનકાર કર્યો હતો. જેના પગલે સ્પીકરે માર્શલ્સને સન્માન સાથે તેમને બહાર કાઢવા કહ્યું હતું.
પત્રકારો સાથેની વાતચીતમાં હેમંત ખવાએ જણાવ્યું કે, છેલ્લા 10 વર્ષથી ખોટી જમીન માપણીનો મુદ્દો ખેડૂતો માટે માથાનો દુખાવો બન્યો છે. આ મુદ્દે તેમણે 25,000થી વધુ અરજીઓ કરાવી છે.
500થી વધુ બાઈક સાથે 100 કિલોમીટરની રેલી યોજી છે. ખવાએ કેટલાક ચોંકાવનારા કિસ્સાઓનો ઉલ્લેખ કર્યો. લાલપુર તાલુકાના મોડપર ગામના ખેડૂત દેવભાઈ નાવદરિયાની 4.5 વીઘા જમીન રેકોર્ડમાંથી ગાયબ થઈ છે.
આપણ વાંચો: ગુજરાત વિધાનસભાનું આવતીકાલથી શરુ થશે બજેટ સત્ર, ગુરુવારે બજેટ રજૂ કરાશે
થરાદના કરશનભાઈની 10 એકર અને ધ્રોલના લીલાબેન અને ચતુરબેન કોળીની કુલ 12 વીઘા જમીન પણ રેકોર્ડમાંથી ગાયબ થઈ છે. જામનગર જિલ્લામાં છેલ્લા 10 વર્ષમાં 83,467 ફરિયાદ અરજીઓ આવી છે.
જેમાંથી માત્ર 13,500 અરજીઓમાં 7-12ના રેકોર્ડમાં સુધારો કરવામાં આવ્યો છે. ગામ નકશામાં એક પણ સુધારો કરવામાં આવ્યો નથી. ભૂલભરેલી જમીન માપણીના કારણે ખેડૂતોમાં ભાઈ-ભાઈ વચ્ચે વેરઝેર ઊભા થયા છે.
જમીન માપણીમાં કેટલીક જમીન મૂળભૂત રીતે મુખ્ય રોડથી ઘણી દૂર છે પરંતુ હવે તેને હાઇવેની નજીક બતાવવામાં આવી છે. ખેડૂતોની ચિંતા અંગે મેં જ્યારે મુદ્દો ઉઠાવ્યો ત્યારે મને ગૃહમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. આગામી દિવસોમાં આ ખામીયુક્ત જમીન સરવે અંગે રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.