વિશેષ: ધર્મના માર્ગમાં એક્સેલરેટર ને બ્રેક બંને જોઈએ!

-રાજેશ યાજ્ઞિક
આપણા ધર્મગ્રંથો, વેદ-પુરાણ, ઉપનિષદ, શ્રુતિ-સ્મૃતિ, વગેરે કોઈપણ હોય, તેમાં અગણિત જ્ઞાનનો ભંડાર છે. જેમ સમુદ્રને હજારો વર્ષોના પ્રયત્ન પછી પણ સંપૂર્ણપણે કોઈ જાણી શક્યું નથી, તેવી રીતે આપણા ધર્મગ્રંથોના સતત વાંચન, મનન અને ચિંતન પછી તેમાંથી નિત્યનવીન જ્ઞાન પ્રાપ્ત થતું જ રહે છે. શ્રી રામચરિતમાનસ પણ આવો જ એક ગ્રંથ છે. સદીઓથી તેની કથાનું ગાન અને શ્રવણ થાય છે. છતાં દરેક વખતે તેમાંથી કશુંક એવું નવું પ્રાપ્ત થાય જે આપણા અંતરના કમાડ ઉઘાડી આપે. રામાયણમાં રામ-રાવણ યુદ્ધમાં પણ અનેક સંદેશ છુપાયેલા જોવા મળે છે. ગોસ્વામી તુલસીદાસે લંકાકાંડમાં એક અનોખું વર્ણન કર્યું છે, જે અત્યંત અર્થગર્ભિત છે.
જ્યારે રાવણની અતિ પરાક્રમી સેના યુદ્ધનાદ કરતી યુદ્ધમેદાનમાં ઊતરી ત્યારે તેમની સેનામાં મહાયોદ્ધાઓ સાથે અસ્ત્ર-શસ્ત્રનો ખજાનો હતો, તેમના પક્ષે રથી, મહારથી, અતિરથીઓ યુદ્ધમેદાનમાં ઉતર્યા હતા. સામે પક્ષે રામ પાસે શું હતું? પગમાં જોડા સુધ્ધાં નહોતા! સ્વરક્ષણ માટે બખ્તર કે અન્ય સાધનોની તો વાત જવા દો સેનામાં યોદ્ધાઓના નામે માત્ર રામ, લક્ષ્મણ અને હનુમાન, અન્ય બેચાર સિવાય માત્ર વાનર સેના! વિભીષણને આ જોઈને ચિંતા પેઠી કે આવી અવસ્થામાં રામ અતિબળવાન, સ્વર્ગના દેવતાઓને પણ હરાવનાર, પર્વતને પોતાના હાથથી હલાવી નાખનાર એવા રાવણ સામે કેવી રીતે જીતશે? રામ સાક્ષાત નારાયણ હોવા છતાં ભક્તને સ્નેહવશ આવી ચિંતા થઇ. ભગવાનને પ્રશ્ન કર્યો કે, ‘નાથ! તમારી પાસે ન તો તમારા શરીરનું રક્ષણ કરવા માટે કોઈ રથ છે, ન તો કોઈ બખ્તર છે, ન તો પગરખાં પણ છે. તે પરાક્રમી યોદ્ધા રાવણ કેવી રીતે પરાજિત થશે?’ શ્રી રામજીએ સ્નેહપૂર્વક કહ્યું- ‘હે મિત્ર! સાંભળો, જે રથ વિજય તરફ લઈ જાય છે તે અલગ છે.’ કેવો છે એ રથ? ગોસ્વામી તુલસીદાસ તેનું વિગતવાર વર્ણન કરે છે. આપણે પણ તેને વિગતવાર જાણીએ.
Also read: ચિંતન : ઇતિહાસમાં એવી બે જ ઘટના છે કે જેમાં યમરાજનો ભેટો કોઈ દેહધારી સાથે થાય છે
તુલસીદાસજી દ્વારા આપણા જીવનમાં જેટલા પણ ગુણો છે તેનું વર્ણન ધર્મરથના કોઈને કોઈ અંગ તરીકે કરવામાં આવ્યું છે. અથવા એમ પણ કહી શકાય કે સદ્ગુણોથી જ વિજય પ્રાપ્ત થાય છે, આ કારણથી તમામ સંતો અને શાસ્ત્રોએ છળ, કપટ, આસક્તિ, અહંકાર અને વાસનાનો ત્યાગ કરવા પર વિશેષ ભાર મૂક્યો છે. જ્યાં સુધી સંસાધનોનો સંબંધ છે, શ્રી રામજીએ આંતરિક સંસાધનો પર વધુ ભાર મૂક્યો છે. અને જો બાહ્ય સંસાધનોની વાત કરીએ તો રાવણની સરખામણીમાં શ્રી રામ ક્યાંય નથી. શ્રી રામ પાસે રથ જ નથી. તો કયા રથની વાત કરી રહ્યા છે? જેમ યોગેશ્વર કૃષ્ણ અવતારમાં કહેવાયું કે જ્યાં ધર્મ છે ત્યાં જ વિજય છે. તેમ અહીં શ્રી રામ પણ ધર્મ રથની જ વાત કરે છે. રથનું અસ્તિત્વ શેને કારણે છે? સ્વાભાવિક છે કે પૈડાંને કારણે જ. જો પૈડાં જ ન હોય તો રથનું શું કામ? મહાભારતમાં કર્ણના પરાજય અને હનનનું કારણ રથનું પૈડું જ બન્યું હતું ને?! તો બીજી બાજુ જ્યારે હાથમાં એકેય શસ્ત્ર બચ્યું નહીં, ત્યારે અભિમન્યુએ રથનું પૈડું ઊંચકીને તેને શસ્ત્ર બનાવી લીધું! ગોસ્વામીજી સૌથી પહેલા પૈડાંની જ વાત કરે છે. કેમકે તેના વિના તો રથ નકામો જ છે. રામજી દ્વારા તુલસીદાસજી કહે છે, સૌરજ ધીરજ તેહિ રથ ચાકા. ધીરજ તો આપણને ખબર છે, પણ સૌરજ એટલે શું? સૌરજ એટલે શૌર્ય. મતલબકે શૌર્ય અને ધૈર્ય એ ધર્મરથના બે પૈડાં છે. જુઓ, અહીં માત્ર ધર્મ માટે સંદેશ નથી પણ જીવન માટે પણ મહત્ત્વનો સંદેશ છુપાયેલો છે. ધર્મનું યુદ્ધ હોય કે રોજિંદા જીવનનું, શૌર્ય અને સાહસ વિના પડકારોનો સામનો કરવો અશક્ય છે. માટે સૌથી પહેલા શૌર્યની વાત કરી. જો પરાક્રમ કરવાની આપણી તૈયારી જ ન હોય, તો પડકારોનો સામનો કરવા પહેલા જ આપણે હારી જઈએ તેમાં શંકાને કોઈ સ્થાન નથી. પણ બીજી વાત એ કે એકલું શૌર્ય નકામું છે, જો તેની સાથે આપણામાં ધૈર્ય ન હોય. સ્વાદિષ્ટ રસોઈ બનાવવી હોય તો તેને યોગ્ય પ્રકારે સીઝવા દેવી પડે, જો ઉતાવળ કરીએ તો ક્યાંક કચાશ રહી જાય, અન્યથા બળી જાય, અને રસોઈ બેસ્વાદ બની જાય. ગાડીમાં સફર કરવાનો આનંદ તેની ઝડપને કારણે આવે, પરંતુ જો તેમાં બ્રેક ન હોય તો? અકસ્માત થયા વિના રહે નહીં. ધર્મના માર્ગમાં શૌર્ય એક્સેલરેટરનું કાર્ય કરે છે, જ્યારે ધૈર્ય બ્રેકનું કામ કરે છે. સંદેશ એકદમ સ્પષ્ટ છે કે સ્વનિયંત્રણ વિના કોઈપણ કાર્ય સિદ્ધ થતું નથી. જીવનના પ્રત્યેક પડકારોનો સામનો કરતી વખતે પણ તેમાં ઈચ્છિત પરિણામ ન મળે ત્યાં સુધી ધીરજપૂર્વક સતત પરાક્રમ બતાવતા રહેવું પડે. જો અધીરા થઈને પ્રયત્ન પડતો મૂકીએ તો પણ પાછા પડીએ અને ઉતાવળ કરીને અવિચારી પગલું ભરીએ તો પણ અવળું પરિણામ આવે.
Also read: કોઈ પણ સર્જન ‘શક્તિ’ સિવાય અશક્ય છે…
ઉતાવળે કહેલી વાત, ઉતાવળે લીધેલા નિર્ણય, અને ઉતાવળે કરેલા કાર્ય આપણા સમગ્ર પરાક્રમ પર પાણી ફેરવી શકે છે. સાત કોઠાને ભેદવા અભિમન્યુએ અભૂતપૂર્વ પરાક્રમ દાખવ્યું, સાથે અદભુત ધૈર્યથી શત્રુની પ્રત્યેક ચાલનો સામનો કર્યો. સામે પક્ષે વિજય માટે ઉતાવળિયા કૌરવોએ શૌર્ય બતાવવાને બદલે કાયરતાનો રસ્તો પસંદ કરીને જઘન્ય હત્યાનું પાપ વહોરી લીધું. ધર્મના રથનું પૈડું ત્યારે જ ખડી પડ્યું હતું. આપણે પણ આપણા જીવનમાં શૌર્ય અને ધૈર્યનું સમતોલપણું કેળવીએ તો જીવન અને ધર્મમાં વિજય આપણો જ છે.