ટૅક વ્યૂહ : બનવું છે તમારે ગૂગલ મેપ સર્વિસના એક્સપર્ટ?

-વિરલ રાઠોડ
ગૂગલની સર્વિસ ઓફિસવર્કનો એક ભાગ બની ગઈ છે. ક્યારેક એક્સેલ તો ક્યારેક વર્ડ, તો ક્યારેક સર્ચ તો ક્યારેક મેપ્સનો ઉપયોગ દરેક વ્યક્તિએ પોતાના પ્રવાસ દરમિયાન કે એ પહેલા કર્યો જ હશે. કોઈએ કિલોમીટર જાણવા તો કોઈએ રૂટ જોવા. ટૂંકા કે લાંબા પ્રવાસની આખી ડાયરી હવે ડિજિટલી બનાવી શકાય એવો સમય છે.
ફ્લાઈટ રૂટ અને સી રૂટને બાદ કરતાં સરફેસ મેપ્સ તમામ પ્રકારના નાના- મોટા રસ્તાની સચોટ વિગત આપે છે. એટલું જ નહી, અંડરકસ્ટ્રક્શન કોઈ સાઈટ હશે તો એ રૂટની સાથોસાથ જ બતાવશે. ગૂગલ મેપ સર્વિસના એક લેટેસ્ટ અપડેટ અનુસાર આ એપ્લિકેશન હવે ટુરિંગ માટે ‘ઓલ ઈન વન’ બની રહી છે. સાઈટ મેપ બાદ હવે સ્ટ્રીટ વ્યૂ અને રિયલટાઈમ અપડેટથી એપ્લિકેશનમાં ઘણું નવું છે. જોકે, જૂનું પણ જાણવા- શીખવા જેવું છે. એનાથી પ્રવાસને આરામદાયી બનાવી શકાય.
એપ્લિકેશનમાં અઢળક રૂટછે, પણ દરેક રૂટમાં કંઈકને કંઈક વિશેષતા છે. નેશનલ હાઈ-વે હોય કે રાજ્યનો ધોરીમાર્ગ. ધાબાની વિગત જાણવી હોય કે પેટ્રોલપંપનું અંતર. આ એપ્લિકેશનના નવા અપડેટમાં એટલા બધા ફીચર્સ છે કે, ભવિષ્યમાં ગૂગલ એપ્સ પ્રવાસપ્રેમીઓ માટે જેના વગર ન ચાલે એવી મસ્ટ એપ બની રહેશે.
આ પણ વાંચો: ટૅક વ્યૂહ: ટેક જાયન્ટના કેટલાંક મેગા ફેલ્યોર: કરોડો રૂપિયાનું આંધણ પાણીમાં ધોવાયું
તમે સાચા હો અને ચોક્કસ સ્થળ પરથી સચોટ અને સાચી વિગત બીજાને મદદરૂપ થાય એ હેતુ શેર કરવા માગતા હોવ તો એ માટે પણ ગૂગલ મેપ્સ વિકલ્પ આપે છે.
ટેકનોલોજીની આ સફરમાં શરૂ કરીએ મેપ્સની અંદર ફીચર્સની નવા- જૂની. સૌ પ્રથમ તો જે સ્થળે જવાનું છે એના દરેક રસ્તા માટે સ્ટ્રીટવ્યૂ ઓપ્શન જોઈને એરિયા કે વિસ્તારને ઓન સ્ક્રિન જોઈ શકાય છે. મર્યાદા એ છે કે, નાઈટવિઝન તે નહીં આપે. 20 કિલોમીટર સુધીનો આખો એરિયા આરામથી ફરી શકશો.
મેપ્સમાં જે લોકેશનથી ડેસ્ટિનેશન નાખીએ છીએ એમાં ડિફોક્ટ ડિસ્ટન્સ ફોરવ્હીલ તરીકે રાઈડ કરતા હોવ એ ધ્યાને લઈને સૂચવે છે, પણ જો બાઈક લઈને નીકળ્યા હો ત્યારે સમયમાં વીસ-પચ્ચીસ મિનિટનો ફેર પડે છે. વ્હીકલ આઈકોન તરીકે જે એરો આવે છે એની જગ્યાએ કાર કે ટ્રકનો આઈકોન સિલેક્ટ કરી ડિજિટલી સ્ક્રિન પર ડ્રાઈવ કરતા હો એવી ફીલ લઈ શકો. મેપ ટાઈપ ઓપ્શનમાં જઈને રૂટ પર એરક્વોલિટી પણ જાણી શકશો. રૂટ પર પેટ્રોલપંપ, સારી રેસ્ટોરાં, કાફે, ધાબા, ગ્રોસરી મળતી હોય એવા નાના મોલ, બેંકના એટીએમ અને જો કોઈ જિલ્લાની કે રાજ્યની બોર્ડર શરૂ થતી હશે તો એ પણ દર્શાવાશે. આ માટે મેપ પર આપેલા સર્ચ બટનમાં જ ઓપ્શન મળી રહેશે.
આ પણ વાંચો: ટૅક વ્યૂહ : આધુનિક ઍરકૅબ પરિવહનના નવા પ્રકરણ સામે કેવા છે પડકાર?
એક્ઝિટ પોઈન્ટ કોઈ પણ શહેરનો હોય એ ટ્રાફિકથી ખાલી નથી જ રહેવાનો. હવે મોડી રાત્રે કે વહેલી સવારે નીકળવાનો પ્લાન હોય તો સૌથી નજીકનો રૂટ અને જે તે એક્ઝિટ પોઈન્ટ પર ટ્રાફિક કેવો અને કેટલો છે એ મેપ્સ કહેશે. ભયંકર ટ્રાફિક હશે તો રૂટની બ્લુ લાઈન ઓટોમેટિક રેડ થઈ જશે. દિશા પણ કહેશે નોર્થ કે સાઉથ અને રસ્તામાં કોઈ મેટ્રો રેલ, રેલવે સ્ટેશન કે એરપોર્ટ આવતું હશે તો એ રૂટ પર દેખાશે. એટલે કે એકથી વધુ પરિવહનના વિકલ્પો જો રસ્તામાં આવતા હશે એ પ્રમાણે મળી રહેશે. સૌથી મોટી અને ખાસ વાત એ છે કે, મેપ્સનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવામાં આવે તો દરેક અપડેટ જે તે રૂટની મળી રહે છે.
હવે તો કોઈ અકસ્માત થયો હશે તો પણ રૂટમાં એની જાણકારી મળશે. એટલું જ નહીં, એના કારણે કયાં કેટલો ટ્રાફિક જામ છે એની પણ વિગત આપશે.
‘ઓટોઅપડેટ મેપ્સ ટેકનોલોજી’ એ ખરા અર્થમાં ગૂગલના સીઈઓ સુંદર પિચાઈના મહત્ત્વના પ્રોજેક્ટનો એક ભાગ છે. સેટેલાઈટ ક્નેક્ટિવિટી સાથે આખો રૂટ જોવા મળશે. એક ટિપ્સ એ પણ જાણી લો કે, પ્રવાસ દરમિયાન વારંવાર કોઈ એપ્લિકેશનના નોટિફિકેશન આવતા હશે અને મેપ્સ ચાલું હશે તો બેટરી વધારે ખર્ચાશે. એ નિવારવાનો ઉપાય એ છે કે, સોશિયલ મીડિયાની નોટિફિકેશન પ્રવાસ દરમિયાન બંધ કરી દો.
જેમ જેમ દિવસ ઢળતો જશે અને પ્રવાસ આગળ વધતો જશે એમ પ્રવાસનો આનંદ પણ વર્તાશે અને મેપ્સની મજા પણ આવશે. મેપ્સમાં લાઈટ ઓટોમેટિક સેટ થશે. દિવસના અજવાશમાંથી અંધારૂ થશે તો ઓટોમેટિક મેપ્સમાં લાઈટ
બ્લેક મોડમાં થઈ જશે. મોલ અને મલ્ટિપ્લેક્સમાં પાર્કિંગમાં કોઈ બ્લોક ચૂકાઈ ગયો હશે તો મેપ્સ મદદે આવશે. આ માટે
જ્યાં વાહન પાર્ક કરો ત્યાં થોડી વાર માટે મેપ્સ ઓન કરી દો. કરંટ લોકેશનનો સ્ક્રિનશોટ લઈ લો અથવા સેવ કરી દો. પછી વિશાળ પાર્કિંગ લોટમાં તમારું વાહન કયાં છે એ શોધવાની પણ ચિંતા નહીં.!
આઉટ ઓફ ધ બોક્સ
પ્રોફેશનલ્સને ગમતી સાઈટ અને એપ્લિકેશન જેનાથી ઘણાબધાને જોબ મળી એ ‘લિંક્ડઈન’ નું સર્વર માઈક્રોસોફ્ટ પાસે છે. એટલું જ નહીં, એના પ્રોગ્રામિંગ કોડ પણ માઈક્રોસોફ્ટ સાચવે છે.