પનવેલમાં ટેન્કર સાથે સ્કૂટર ટકરાતાં પતિ-પત્ની, 10 વર્ષના પુત્રનાં મોત

નવી મુંબઈ: પનવેલના કોનગાંવમાં ટેન્કર સાથે સ્કૂટર ટકરાતાં પતિ-પત્ની અને તેમના 10 વર્ષના પુત્રનાં મોત થયાં હતાં. અકસ્માત બાદ ઘટનાસ્થળેથી ફરાર થયેલા ટેન્કરચાલક વિરુદ્ધ ગુનો નોંધી પોલીસે તેને ઝડપી પાડ્યો હતો.
અકસ્માતમાં મૃત્યુ પામેલા ત્રણેયની ઓળખ શોભિત સતીષ સલુજા (41), તેની પત્ની શૈલજા સલુજા (33) અને પુત્ર અયાન (10) તરીકે થઇ હતી. આ પરિવાર કામોઠેના સેક્ટર-10માં રહેતો હતો અને આ વિસ્તારમાં તેમની દુકાન આવેલી છે.
પ્રાપ્ત માહિતી મુજબ ધુળેટી નિમિત્તે શોભિત સલુજા શુક્રવારે બપોરે તેની પત્ની અને પુત્ર સાથે સ્કૂટર પર ખોપોલી જવા રવાના થયો હતો. રાતે 10 વાગ્યે તેઓ ઘરે આવવા માટે નીકળ્યા હતાં. તેઓ મુંબઈ-પુણે હાઇવે પર કોનગાંવમાં બાર નજીકથી પસાર થઇ રહ્યા હતા ત્યારે અચાનક ટેન્કરે યુ-ટર્ન લેતાં તેમનું સ્કૂટર તેની સાથે ભટકાયું હતું.
Read This…કોલકતામાં 50 લાખની ઠગાઈના કેસમાં ત્રણ આરોપી નાલાસોપારામાં પકડાયા
આ અકસ્માતમાં ત્રણેય જણ ગંભીર રીતે ઘવાયાં હતાં. ત્રણેયને તાત્કાલિક સારવારાર્થે હોસ્પિટલમાં લઇ જવાયા હતા, જ્યાં તેમનાં મૃત્યુ થયાં હતાં.
અકસ્માત બાદ ટેન્કરચાલક ગહીનાથ કુંડલિક ગજરે (44) ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયો હતો. જોકે પનવેલ શહેર પોલીસે તેને બાદમાં શોધી કાઢ્યો હતો. ટેન્કરચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરાયો હતો, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.