આમચી મુંબઈ
ઘાટકોપરના નાગરિકોને આગામી ૧૦ દિવસ પાણી ઉકાળીને પીવાની બીએમસીની સલાહ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પૂર્વ ઉપનગરના ઘાટકોપરમાં આવેલા રિઝર્વિયરનું સમારકામ મુંબઈ મહાનરપાલિકા (BMC) દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું. સમારકામ પૂરું થઈ ગયું હોવાથી આગામી થોડા દિવસ પાણી ડહોળું આવવાની શક્યતા છે. તેથી નાગરિકોને આગામી ૧૦ દિવસ સુધી પાણી ઉકાળીને તથા ગાળીને પીવાની સલાહ પાલિકાએ આપી છે.
ઘાટકોપર (પશ્ર્ચિમ)માં ભટ્ટવાડી પરિસરમાં આર.બી.કદમ માર્ગ નજીક આવેલા ઘાટકોપર જળાશયમાં કમ્પાર્ટમેન્ટ-બેમાં સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું, જે હવે પૂરું થઈ ગયું છે.
તેથી સોમવાર, ૧૭ માર્ચથી સમારકામ કરવામાં આવેલા ક્મ્પાર્ટમેન્ટ-બેમાંથી પાણીપુરવઠો ચાલુ કરવામાં આવવાનો છે. તેથી તકેદારીના પગલારૂપે પાલિકાએ ૧૭ માર્ચ, સોમવારથી આગામી ૧૦ દિવસ એટલે કે ગુરુવાર, ૧૭ માર્ચ સુધી પાણી ઉકાળીને તથા ગાળીને પીવાની સલાહ આપી છે.