સ્પોર્ટસ

અફઘાનિસ્તાનના ટી-20ના રેકૉર્ડ-બે્રક ખેલાડીની બે વર્ષની પુત્રીનું નિધન

કાબુલઃ અફઘાનિસ્તાનને ઘણી મૅચોમાં વિજય અપાવનાર અને ટી-20 ક્રિકેટમાં સર્વોત્તમ વ્યક્તિગત સ્કોર્સની યાદીમાં બીજું સ્થાન ધરાવવા સહિત કેટલાક વિશ્વવિક્રમ ધરાવતા હઝરતુલ્લા ઝઝાઈની બે વર્ષની દીકરીનું નિધન થયું છે. ઝઝાઈના સાથી ખેલાડી કરીમ જનતે સોશિયલ મીડિયામાં આ સમાચારને સમર્થન આપ્યું હતું.

આ સમાચાર વાઇરલ થતાં જ ક્રિકેટજગતમાંથી ઝઝાઈને અંજલિ મળવા લાગી હતી. ઝઝાઈએ 2016માં યુએઇ સામેની વન-ડે મૅચથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવાની શરૂઆત કરી હતી. અફઘાનિસ્તાન વતી તે 16 વન-ડે અને 45 ટી-20 રમ્યો છે જેમાં તેણે અનુક્રમે 361 રન અને 1,160 રન બનાવ્યા છે.

તાજેતરમાં રમાયેલી ચૅમ્પિયન્સ ટ્રોફીમાં તે અફઘાનિસ્તાનની ટીમમાં નહોતો. જોકે અફઘાનિસ્તાનના ક્રિકેટરોમાં તે રેકૉર્ડ ધરાવે છે. ટી-20ની એક ઇનિંગ્સમાં સૌથી વધુ રન બનાવનારા વિશ્વભરના બૅટર્સમાં ઝઝાઈનું નામ બીજા નંબરે છે. તેણે 2019માં દહેરાદૂનમાં આયરલૅન્ડ સામેની ટી-20માં 16 સિક્સર અને 11 ફોરની મદદથી 62 બૉલમાં અણનમ 162 રન બનાવ્યા હતા.

આપણ વાંચો: જાણો, સાઉથ આફ્રિકાએ અફઘાનિસ્તાનને સત્તાવાર રીતે કેવી રીતે બહાર કર્યું…

અફઘાનિસ્તાન વતી આ વિક્રમ છે અને ક્રિકેટજગતમાં તેનો આ સ્કોર બીજા નંબરે છે. અફઘાનિસ્તાને એ મૅચ 84 રનથી જીતી લીધી હતી. આ રેકૉર્ડ-બુકમાં ઑસ્ટ્રેલિયાના આરૉન ફિન્ચના 172 રન હાઇએસ્ટ છે જે તેણે 2018માં હરારેમાં ઝિમ્બાબ્વે સામે 76 બૉલમાં દસ સિક્સર અને સોળ ફોરની મદદથી બનાવ્યા હતા.

મોટા દેશો વચ્ચેની ટી-20 ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં એક ઇનિંગ્સમાં સૌથી વધુ સિક્સર ફટકારવાની બાબતમાં પણ તે બીજા સ્થાને છે. તેણે આયરલૅન્ડ સામે 16 સિક્સર ફટકારી હતી. એસ્ટોનિયાનો ભારતીય મૂળનો સાહિલ ચૌહાણ (18 સિક્સર) આ યાદીમાં મોખરે છે.

જોકે એક જ ટી-20 ઇનિંગ્સમાં બાઉન્ડરીઝ (સિક્સર અને ફોર)માં સૌથી વધુ રન બનાવનાર વિશ્વભરના ખેલાડીઓમાં ઝઝાઈ મોખરે છે. તેણે 2019માં આયરલૅન્ડ સામેના અણનમ 162 રનમાંથી 140 રન બાઉન્ડરીઝમાં બનાવ્યા હતા જે વિશ્વવિક્રમ છે.

ઝઝાઈએ 2018ની સાલમાં અફઘાનિસ્તાન પ્રીમિયર લીગ દરમ્યાન શારજાહના મેદાન પર બલ્ખ લેજન્ડ્સ સામેની મૅચમાં કાબુલ જવાનન વતી રમતી વખતે સ્પિનર અબદુલ્લા મઝારીની ઓવરના છ બૉલમાં છ છગ્ગા ફટકાર્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button