મનોરંજન

જે ગીત વિના હોળીની ઉજવણી ન થાય તે અમિતાભનું ગીત કોણે લખ્યું છે તે જાણો છો…?

આજે દેશભરમાં રંગોત્સવ હોળી-ધૂળેટીની ઉજવણી થઈ રહી છે. તમે પણ પરિવાર કે સોસાયટી કે મિત્રો સાથે કે પછી પાર્ટી પ્લોટમાં ધૂળેટીની ઉજવણી કરી હશે. આજકાલ લોકો દરેક તહેવારોમાં નાચે છે અને નાચવા માટે બોલીવૂડ સૉંગ્સ તો જોઈએ જ. આજે પણ હોળીના ગીતો ડીજે પર વગાડી તમે નાચ્યા હશો ત્યારે એક ગીત અચૂક વગાડ્યું હશે અને તે છે રંગ બરસે ભીગે ચુનરવાલી રંગ બરસે…

અમિતાભ બચ્ચન, સંજીવ કુમાર, રેખા અને જયા બચ્ચન જે ગીતમાં તમને જોવા મળે છે તે ગીત આજે પણ એટલું જ પોપ્યુલર છે અને તેના વિના હોળીનો તહેવાર અધૂરો છે. આ ગીતના શબ્દો ફિલ્મની સ્ટોરીને એકદમ ફીટ બેસે છે અને ઉત્તર ભારતીય લહેજામાં ગવાયેલું આ ગીત બાપ-દીકરાની દેન છે. હા તમને જણાવી દઈએ કે આ ગીત બીજા કોઈ નહીં પણ ખુદ હરિવંશરાય બચ્ચને લખ્યું છે અને ગાયું છે અમિતાભે.

આપણ વાંચો: હોળી-ધૂળેટીની તૈયારી: અમદાવાદથી GSRTC દોડાવશે એક્સ્ટ્રા બસ…

તો આ ચમત્કાર થયો કઈ રીતે તે સવાલ તમને ઊઠે તો તેનો જવાબ છે ખૂબ જ સન્માનનીય અને પ્રસિદ્ધ સંગીતકાર જોડી શિવહરી. સંતૂરવાદક શિવકુમાર શર્મા અને બાંસૂરીવાદક હરિપ્રસાદ ચોરસિયાની અજોડ જોડીને ફિલ્મ સિલસિલા માટે સંગીત આપવા યશરાજ ચોપરાએ કહ્યું. શાસ્ત્રીય સંગીત સાથે જોડાયેલા બોલીવૂડમાં સંગીત ન આપી શકે તેવી ભ્રમણાને તોડનારું સંગીત આ ફિલ્મમાં શિવહરિએ આપ્યું અને ત્યારબાદ યશરાજની લગભગ તમામ ફિલ્મોમાં તેમનું કર્ણપ્રિય સંગીત ગૂંજતું થયું.

હવે વાત કરીએ રંગ બરસેની તો ફિલ્મમાં એક હોળી રમાતી હોય તેવું ગીત બનાવવાનું હતું. તે સમયે હરિવંશરાય મુંબઈમાં જ હતા એટલે તેમને કહ્યુ અને તેમણે કલાકોમાં એકદમ ગાવઠી કહેવાય તેવું ગીત લખી નાખ્યું. હવે આ ગીત ગાશે કોણ. શિવહરિએ અમિતાભને જ કહ્યું કે તું આ ગીતમાં સ્વર આપ. બચ્ચન ખચકાયા તો હરિપ્રસાદે કહ્યું કે અલ્હાબાદનો છોરો છો તું સારું ગાઈ શકીશ અને આ રીતે રંગ બરસે ગીત બન્યું.

આ ફિલ્મના યે કહા આ ગયે હમ…માં વચ્ચે અમિતાભના ડાયલૉગ્સનો વિચાર યશરાજને આવ્યો અને શિવહરિએ તેનો ઉપયોગ કરી હિન્દી સિનેમાનું ઉત્તમ ગીત આપ્યું. આ સાથે આ ફિલ્મમાં જ અમિતાભના અવાજમાં નીલા આસમા સો ગયા…પણ બન્યું અને તે પણ સુપરહીટ સાબિત થયું.

અમિતાભે મેરે અંગને મે તુમ્હારા…પહેલા ગાયું જ હતું. આ ઉપરાંત પણ તેમણે ઘણા ગીત ગાયા જેમાં હોલી ખેલે રઘુબીરા અવધ મે, મેરે પાસ આઓ મેરે દોસ્તો જેવા ઘણા ગીતો ગાયા છે અને હીટ પણ થયા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button