ઈન્ટરવલ

આ તો સ્કેમ છે…: કાશ, રિચાર્ડ નિક્સનને ગુસ્સો ન આવ્યો હોત તો…

પ્રફુલ શાહ

કુદરતદત્ત કહો કે માનવસહજ નબળાઈ પણ દરેક વ્યક્તિ, સમાજ અને દેશમાં વિવિધ પ્રકારની અને ચોક્કસ ગુરુતાગ્રંથિ હોય ને હોય. મહાસત્તા નંબર વન અને બની બેઠેલા જગત જમાદાર અમેરિકાને જુઓ. મહાસત્તા, આર્થિક સમૃદ્ધિ, બહેતર સગવડ – સુવિધા અને દુનિયાભરનાં સપનાં સમાન આ દેશ અને એના નાગરિકો સુપરિયારિટી કૉમ્પલેક્સના શિકાર ન બન્યા હોય તો જ નવાઈ. બાકી, બોલિવૂડની બાનીમાં અપને ગીરેબાન મેં ઝાંક કે દેખે તો ક્યાં દિખેગા?

Also read : કવર સ્ટોરી: સત્તાપલટો! ડીઆઇઆઇનો

કદાચ અમેરિકનો ભૂંડા ભૂતકાળને ભૂલી ગયા છે કાં એવો દેખાડો કરે છે. એમના પૂર્વજોએ અમેરિકાના મૂળ નિવાસી એવા રેડ ઈન્ડિયનની જમીન અને સ્વતંત્રતા દગાફટકાથી આંચકી લીધા હતા. ગુલામી જેવા ઘૃણાસ્પદ વેપાર અને રંગભેદની ક્રૂરતાથી માનવતાને શર્મસાર કરી ચુકયા છે. આમ છતાંય આજે અમેરિકામાં આતંકવાદી હુમલો થાય, સ્કૂલમાં ગોળીબારથી હત્યા થાય કે એવી કોઈ ઘટના બને ત્યારે રાષ્ટ્રીય કોરસગાન બુલંદ બને કે આ આપણું અમેરિકા નથી, આપણું અમેરિકા આવું ન હોય.

અમેરિકનોના જમીનથી પાંચ-દશ ઈંચ ઊંચો ઉડતો ગુરુતાગ્રંથિ અને ભ્રામક નૈતિકતાનો રથ 1972માં જમીન પર પટકાયો જ નહિ, એના પૈડાં જમીનની અંદર ઊંડે સુધી ઘૂસી ગયાં. એ ઘટના એટલે વૉટરગેટ સ્કૅન્ડલ અને એના મુખ્ય નાયક કે ખલનાયક એટલે તત્કાલીન પ્રમુખ રિચાર્ડ મિલોસ નિકસન (9 જુલાઈ, 1913-22 એપ્રિલ, 1994).

અમેરિકી સમાજ જ નહિ, વિશ્ર્વરભરને હચમચાવી નાખનારા આ સ્કૅમમાં શું હતું, એ શા માટે થયું, કેવી રીતે પર્દાફાશ થયું અને એની ફળશ્રુતિ કેવી આવી એની વિગતોમાં ઊતરવા અગાઉ એની પૂર્વભૂમિકા જાણવી જરૂરી છે.

1972માં રિચાર્ડ નિકસનની પ્રમુખપદની પહેલી મુદત પૂરી થવાને આરે હતી. ફરીથી પ્રેસિડૅન્ટ બનવા માટે રિપબ્લિકન પાર્ટી તરફથી ઉમેદવારી મેળવવા તેમના ધમપછાડા શરૂ થઈ ચૂકયા હતા. સત્તા પર ટકી રહેવાના હવાતિયામાં આ માણસ કંઈ કસર છોડવા માગતો નહોતો. પોતાની બીજી મુદત મેળવવા માટેના કારસામાં તેમણે લોકતાંત્રિક દેશના બંધારણ, કાયદા, વ્યવસ્થા-તંત્ર, સંસ્થાગત સ્વતંત્રતા, નીતિ, મૂલ્યો અને આદર્શોની ઘોર અવગણના કરવાનું જરાય અનુચિત ન માન્યું.

એમને આ ઘૃણાસ્પદ પ્લાનિંગનું મનવાંચ્છિત ફળ મળી ગયું. હા, એ બીજી મુદત માટે પ્રમુખપદે ચૂંટાઈ આવ્યા. પરંતુ પાપ ઝાઝો સમય છૂપું ન રહ્યું. એ તો વ્હાઈટ હાઉસના છાપરે ચડીને ચીસાચીસ પાડવા માંડ્યું. નિકસને ઢાંકપિછોડો કરવા માટે તન, મન, ધન અને કમરતોડ ધમપછાડા કર્યા પણ એનાથી કંઈ ન ઊપજયું. હાથ લાગ્યા નાલેશી, બદનામી અને બરતરફી. લોકતાંત્રિક અમેરિકાના ઈતિહાસ પર એક કાળું ટીલું લાગી ગયું.

નિક્સને આ હદે શા માટે જવું પડ્યું? એવા તે ક્યાં સંજોગો હતા? એમની શી લાચારી હતી? હકીકતમાં અમેરિકાના આ 30મા પ્રમુખે 1969માં સત્તા સંભાળી. એમને લાગતું હતું કે પોતે જે કંઈ કરી રહ્યા છે એ શ્રેષ્ઠ છે, નૈતિક છે, દેશ જ દુનિયાના હિતમાં છે, પણ એવું નહોતું. વ્યક્તિ જાહેર જીવનમાં હોય ત્યારે એની એક હિલચાલ, ઉચ્ચારણ, શબ્દો અને મૌન પણ બિલોરી કાચ હેઠળ હોય છે.

Also read : માનવતા મૂંગી વહે છે, વિશ્ર્વકોશનો દબદબો છે, મતદાન શૂન્ય થયું, વિદ્યાપીઠને વિવાદ વહાલો છે!

1971માં નિક્સનને લાગવા માંડ્યું કે અખબારોમાં દેશના ગુપ્ત દસ્તાવેજો પ્રગટ થાય છે એ જરાય યોગ્ય ન ગણાય. આવી લાગણીનું જન્મદાતા હતું વિશ્ર્વ વિખ્યાત અખબાર ‘ધ ન્યૂ યોર્ક ટાઈમ્સ’. આ પેપરે પ્રગટ કરેલા અહેવાલ – દસ્તાવેજથી દીવા જેમ સ્પષ્ટ થયું કે અમેરિકાએ કમ્બોડિયા પર ગુપ્ત રીતે બૉમ્બમારો કરાવ્યો હતો. સરકાર અને સમાજ માટે આ મોટો આંચકો હતો. આ અમેરિકાના સર્વ સ્વીકૃત વિચારો નૈતિકતા અને મૂલ્યોથી તદ્દન વિરોધી હતું.

ત્યાર બાદ તરત અમેરિકન લશ્કરના ગુપ્ત દસ્તાવેજો પ્રગટ થયા કે જે કમ્બોડિયા બૉમ્બાર્ડિંગના વધુ સજજડ પુરાવા હતા. આટલું ઓછું હોય એમ સોવિયેત સંઘ સાથે ચાલી રહેલી નિ:શસ્ત્રીકરણ કરાર અંગેની ચર્ચાના દસ્તાવેજો પ્રગટ થયા. આનાથી સ્પષ્ટ થયું કે સરકાર જાહેરમાં બોલે છે કંઈક, ને કરે છે એકદમ વિરોધાભાસી પ્રયાસો.

આ બધા એક્સપોઝર અને એક્સકલુઝિવથી નિકસન શાસનનો મુખવટો પર્દાફાશ થઈ ગયો પરંતુ અહેવાલો ખોટા નહોતા એટલે અખબારો વિરુદ્ધ કોઈ દંડાત્મક કાનૂની પગલાં ભરવાનું શક્ય નહોતું.

‘ધ વૉશિંગ્ટન પોસ્ટ’ પણ મેદાનમાં કૂદી પડ્યું હતું. તેણે ‘ડિપ થ્રોટ’ નામના કાલ્પનિક માહિતગારને ટાંકીને સરકારની આબરૂની ધજિયા ઉડાડી હતી. અમેરિકી પ્રજાથી ગુપ્ત રાખીને અમેરિકાએ 1971ના ભારત સાથેના યુદ્ધમાં પાકિસ્તાનને ગુપ્ત રીતે મદદ પણ કરી હતી. આવું બધું પર્દાફાશ થાય એ સત્તાધીશ અને એમાંય સરમુખ્યતારી વલણ ધરાવનારને ગમે.

નિકસન ઈચ્છતા હતા કે આ બધું રોકવું પડે, ગમે તે ભોગે. આમાં સૌથી મહત્ત્વનું એ જાણવાનું હતું કે અખબારો સુધી આ સ્ફોટક માહિતી અને દસ્તાવેજો પહોંચાડે છે કોણ? પરંતુ એ કંઈ રીતે શકય બને?

લાંબી વિચારણા બાદ નિકસનને એ કીમિયો સૂઝયો. તેમણે પોતાના વિશ્ર્વાસુઓની ટીમને ભેગી કરી. તેમણે વ્હાઈટ હાઉસના પોતાના મુખ્ય સલાહકાર જૉન એહરલિકમાન અને અંડર સેક્રેટરી એજિલ ક્રોગને બોલાવ્યા. નિકસન રોષભેર પોતાની ગામઠી ભાષામાં બરાડવા માંડયા, “મને ફિકર નથી કે તેઓ શત્રુ છે કે મિત્ર… સાફ છે કે જે કૂતરીના ગલુડિયાએ સરકારી રહસ્ય અખબારોને આપ્યાં છે એ સરકાર વિરોધી છે… હું લાંબા સમયથી આ વિષયનો અભ્યાસ કરી રહ્યો છું અને કાયમ કોઈને કોઈ કૂતરીનું બચ્ચું ભેદ પર્દાફાશ કરી નાખે છે…”

પ્રમુખ રિચાર્ડ મિલોસ નિકસન આ બધું રોકવા માગતા હતા. આ માટે તેમણે જે પગલાં ભર્યાં એ અમેરિકાની આબરૂના ધજાગરા ઉડાડનારા અને એમની રાજકીય કબર ખોદનારા હતા. એવું તે કયું કુકર્મ વિચારાયું હતું? એ જાણીએ આવતા અઠવાડિયે.

Also read : ચાબહાર બંદર ઈરાન સાથે વ્યૂહાત્મક સંધિમાં સરહદી વેપારના નવા સમીકરણ

મુખવટાની પાછળ
રાજકારણ સત્તાનો ખેલ માત્ર રહી ગયો છે તથા સત્તાનો આધાર હવે પૈસા બની ગયા છે. – અજ્ઞાત

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button