ઋષભ પંતે આઈપીએલ માટે આપ્યું મહત્ત્વનું નિવેદન, આકર્ષણ સ્વાભાવિક પણ…

નવી દિલ્હીઃ ભારતના વિકેટકીપર-બેટ્સમેન ઋષભ પંતનું માનવું છે કે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) પ્રત્યે આકર્ષણ સ્વાભાવિક છે પરંતુ યુવા ક્રિકેટરોએ દેશનું પ્રતિનિધિત્વ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ કારણ કે ત્યાર બાદ વસ્તુઓ આપમેળે યોગ્ય થઈ જશે. પંત ચેમ્પિયન્સ ટ્રોફી જીતનારી ભારતીય ટીમનો ભાગ હતો. જોકે તેને એક પણ મેચમાં રમવાની તક મળી નહોતી. તેણે 2017માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું.
પંતે એક ચેનલને જણાવ્યું હતું કે, “નાનપણથી જ મારું એક જ સ્વપ્ન હતું, ભારત માટે રમવાનું. મેં ક્યારેય આઈપીએલમાં રમવાનું વિચાર્યું નહોતું. મને લાગે છે કે લોકો આજે આઇપીએલ પર વધુ ધ્યાન આપી રહ્યા છે. સ્વાભાવિક છે કે તે એક મોટું પ્લેટફોર્મ છે પણ મારું માનવું છે કે જો તમારું લક્ષ્ય તમારા દેશ માટે રમવાનું હોવું જોઇએ તો વસ્તુઓ યોગ્ય રીતે થશે અને તેમાં આઇપીએલ પણ સામેલ છે.
આપણ વાંચો: મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં મોટો ફેરફાર, આ સ્પિનર IPL 2025 માંથી બહાર…
27 વર્ષીય ખેલાડીએ કહ્યું હતું કે “જો તમે આ રીતે મોટું વિચારો છો તો સફળતા તમારી પાછળ આવશે. મને હંમેશાં લાગતું હતું કે હું એક દિવસ ભારત માટે રમીશ અને ભગવાનના આશીર્વાદથી મને 18 વર્ષની ઉંમરે આ તક મળી અને હું તેના માટે આભારી છું. પંત તેની આક્રમક બેટિંગ માટે જાણીતો છે.
પંતે કહ્યું હતું કે, “જ્યારે બોલ ખૂબ બહાર હોય અથવા શોર્ટ પિચ હોય ત્યારે શોટ મારવો સરળ નથી હોતો.” આવા શોટ રમવાનો સફળતા દર 30 કે 40 ટકા હોઈ શકે છે પરંતુ મેચની પરિસ્થિતિના આધારે હું આ જોખમ લેવા તૈયાર છું. આ મારી માનસિકતા છે.”
પંતે કહ્યું હતું કે તે બાળપણમાં જિમ્નેસ્ટિક્સમાં સામેલ હતો જેનો તેને ક્રિકેટર તરીકે ફાયદો થયો છે. હું બાળપણમાં જિમ્નેસ્ટિક્સ કરતો હતો. મારા જિમ્નાસ્ટિક્સ કોચ હંમેશા મને કહેતા કે આ જીવનમાં ખૂબ ઉપયોગી થશે. અમારા ભારતીય ટીમના ટ્રેનર બાસુ સરે મને એકવાર કહ્યું હતું કે તમારા જિમ્નાસ્ટિક્સ કોચનો આભાર માનો કારણ કે તેમણે તમને બાળપણમાં જે શીખવ્યું હતું તે હજુ પણ તમારા માટે ફાયદાકારક છે.