હોળી વિશેષઃ પાક પાણી અને ચોમાસાના વર્તારા માટે પ્રાચીન પરંપરા શું કહે છે?

અમદાવાદઃ હોળીના તહેવારને હવે ગણતરીના જ દિવસ બાકી રહ્યા છે. ગુરુવારે હોલિકા દહન કરવામાં આવશે. આ દિવસે હોળીની જ્વાળાઓ પરથી આગામી ચોમાસાનો વરતારો જાણવા મળે છે. જ્યારે હવામાન વિભાગ કાર્યરત નહોતું તેવા સમયે વિવિધ પ્રાંત અને વિસ્તારોમાં કુદરતી સંકેતોને આધારે વરસાદ, વાવાઝોડું, કૃષિ પાકો અને સમગ્ર વર્ષને લઈને વર્તારો રજૂ કરવામાં આવતો હતો. હોળીની જ્વાળાઓ કઈ દિશાઓમાં જાય છે તેના પરથી આગામી ચોમાસું કેવું રહેશે તેનો અંદાજ મળે છે. ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં આજે પણ ઘણા લોકો હોળીના વર્તારા પરથી ચોમાસાનો અંદાજ મેળવે છે.
હોળીના જ્વાળા પરથી વર્તારો કરતાં નિષ્ણાતોના કહેવા મુજબ, જો હોળીનો પવન પૂર્વ દિશામાં હોય તો આ વર્ષે બારઆની ચોમાસું થાય છે. સામાન્ય કરતાં વધારે સારું ચોમાસુ થાય છે. એકંદરે વર્ષ સુખદ પસાર થાય છે. જો હોળીની જાળ પશ્ચિમ દિશામાં હોય તો આઠઆની ચોમાસુ થાય છે. મધ્યમ પ્રકારની ખેતી થાય. પશુ માટે ઘાસચારો સારો થાય છે. પાણીની જો બચત શક્તિ સારી હશે તો ભરપૂર પ્રમાણમાં પાણીનો ઉપયોગ થઈ શકે એવી સારી સ્થિતિ થાય છે. એકંદર વર્ષ સારું પસાર થાય છે.
હોલિકા દહન વખતે હોળીની જાળ ઉત્તર દિશામાં હોય તો દેશમાં વરસાદ સારો થાય. ગાજવીજ સાથેનો વરસાદ થાય છે. ક્યારેક અતિવૃષ્ટિ જેવી પરિસ્થિતી પણ સર્જાય છે. વિપુલ પ્રમાણમાં ધાન પાકે, જગતની તાત એટલે ખેડૂત ધાર્યા પ્રમાણે પાક થાય. લોકોનું જીવન સારું પસાર થાય, લોકોના મન પ્રફુલ્લિત રહે, શાંતિનો એહસાસ થાય, વાતાવરણમાં એકંદરે સુખનો અવનુભ થાય છે. એકંદરે શ્રેષ્ઠ વર્ષ પસાર થાય છે.
જો હોળીની જાળ દક્ષિણ દિશામાં હોય તો દેશમાં દુષ્કાળ જેવી સ્થિતિ થાય છે. દેશમાં પૈસાની અછત થાય, પાકની અછત સર્જાય. દુષ્કાળના કારણે જાહેર જીવન પણ શુષ્ક, નીરસ, મંદીનો માહોલ વર્ષ દરમિયાન રહે છે. તેમજ જો હોળીની જાળ વાયવ્ય દિશામાં હોય તો સોળઆની વર્ષ પસાર થાય છે. સારો વરસાદ થાય, પવન-તોફાન સાથે વરસાદ થાય. લાંબો સમય ચોમાસુ રહે. ધનધાન્ય સારા થાય. ઉનાળાનો પ્રારંભ મોડો થાય. હોળીની જાળ અગ્નિ દિશામાં હોય તો દેશમાં વરસાદ ઓછો થાય. ગરમીનું પ્રમાણ વધે. અસહ્ય ગરમીના કારણે રોગોમાં વૃદ્ધિ થાય, તાવ, ચામડીના, પેટના, ગરમીજન્ય રોગોમાં વધારો થાય, ગરમી વધુ પડે છે.
આ પણ વાંચો…અમદાવાદમાં 5 વર્ષથી એક જગ્યાએ ફરજ બજાવતાં 1543 પોલીસકર્મીઓની બદલી, જુઓ લિસ્ટ
જો હોળીની જાળ નૈઋત્ય દિશામાં હોય તો એકંદર વર્ષ સાધારણ રહે છે. ઠંડીનું પ્રમાણ વધે છે. પાકમાં હાનિ થાય, જીવજંતુ વધે, જીવલેણ રોગનો ફેલાવો થાય, તીડ જેવા જંતુ જે પાકને નુકસાન કરી શકે એવા જંતુઓની શક્યતા વધે છે. જો હોળીની જાળ ઇશાન દિશામાં હોય તો વર્ષ નબળું પસાર થાય છે. વર્ષ સોળ આની રહે છે. જો હોળીની જાળ ઉપરને ઉપર ચડે તો દેશમાં યુદ્ધ-લડાઈ જેવી પરિસ્થિતી સર્જાય. દેશમાં કટોકટી જેવી સ્થિતિ થાય છે. જો હોળીની જાળ ચોતરફ ફેલાય તો દેશમાં વાવાઝોડું કે ધરતીકંપ કે પૂર જેવી કુદરતી આફતોનો સામનો કરવો પડે છે.
આ ઉપરાંત ટીટોડીના ઇંડા દ્વારા ચોમાસાની આગાહી કરવાની પરંપરા પણ ઘણી જૂની માનવામાં આવે છે. આ પદ્ધતિ પરંપરાગત રીતે ગ્રામીણ વિસ્તારોમાં ચોમાસાના મૂડને માપવા માટે અપનાવવામાં આવી છે. વરસાદની માત્રાથી લઈને વરસાદની અવધિ સુધીનું આખું ગણિત ટીટોડીના ઈંડા દ્વારા નક્કી કરવામાં આવે છે. ઈંડાની સંખ્યા, તેમના મૂકવાની સ્થિતિ અને સ્થાનના આધારે ચોમાસું સારું રહેવાની કે ન રહેવાની શક્યતાઓ જણાવવામાં આવી છે. ગ્રામીણ વિસ્તારોમાં, ખેડૂતો પણ ટીટોડીના ઇંડાના આધારે તેમના ખેતરોમાં વાવણીની યોજના બનાવે છે.