ગાંધીનગર

ગાંધીનગરમાં ખેલાયો હતો ખૂની ખેલ; પત્ની અને પુત્રની હત્યામાં થયો ચોંકાવનારો ખુલાસો

Gandhinagar: સંબંધોમાં હવે ધૈર્ય અને વિશ્વાસ ખૂટતો જાય છે. આવી અનેક ઘટનાઓ સામે આવતી રહે છે. થોડા દિવસ પહેલા ગાંધીનગરમાં પણ હત્યાની એક ચોંકાવનારી ઘટના બની હતી. સરગાસણ વિસ્તારમાં રહેતા હરેશ વાઘેલાએ પોતાની પત્ની અને બાળકને મોતને ઘાટ ઉતારી દીધા હતા. મહત્વની વાત એ છે કે, બન્નેની હત્યા કર્યાં બાદ આપઘાતનું તરકટ રચ્યું હતું. શેર બજારમાં મોટું નુકસાન થયું અને દેવાદાર બન્યો તેવું કારણ દર્શાવતી સ્યુસાઇડ નોટ પણ લખી હતી.

શંકા પછી ઝઘડામાં પરિણમી અને ખેલાયો ખૂની ખેલ
અત્યારે આ કેસમાં પોલીસે હત્યાને ભેદ ઉકેલ્યો છે. હરેશ વાઘેલાએ પોતાની પત્ની આશા અને ચાર વર્ષના પુત્ર ધ્રુવની હત્યા પત્ની પર શક હોવાના કારણે કરી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. હરેશ વાઘેલા હેર સલૂનમાં કામ કરે છે. જ્યારે તેની પત્ની હાઉસવાઇફ સાથે બીજાના ઘરે જમવાનું બનાવવાનું કામ કરતી હતી. આમ એ લોકો પોતાનું ગુજરાન ચલાવતા હતાં. પરંતુ હરેશ વાઘેલાને કોઈએ કહ્યું કે, તારી પત્ની કોઈ બીજા સાથે વાત કરે છે. જેથી હરેશ તેની પત્ની પર વારંવાર શંકા કરવા લાગ્યો હતો.

આ પણ વાંચો…અમદાવાદમાં 5 વર્ષથી એક જગ્યાએ ફરજ બજાવતાં 1543 પોલીસકર્મીઓની બદલી, જુઓ લિસ્ટ

પુત્ર ધ્રુવ જાગી ગયો તો તેની પણ હત્યા કરી નાખી
હરેશ વાઘેલાની પત્ની પરની શંકાઓ ધીરે ધીરે વધવા લાગી અને બન્ને વચ્ચે ઝઘડા શરૂ થઈ ગયાં હતાં. એક વખત ગુસ્સામાં પત્ની આશાએ કહીં દીધું હશે કે, ‘મારી નાખો મને’. જેથી આ વાતથી હરેશ ખુબ જ વધારે ગુસ્સે થઈ ગયો અને પત્નીની હત્યા કરી નાખી. પહેલા લોખંડના સળિયા વડે માર માર્યો અને પછી ગળું દબાવીને હત્યા કરી દીધી, આ દરમિયાન પુત્ર ધ્રુવ જાગી ગયો તો ગુસ્સામાં તેની પણ કરપીણ હત્યા કરી નાખી.

પોલીસના સવાલોથી હરેશ ભાંગી પડ્યો અને હકીકત જણાવી
આ બે લોકોની હત્યા કર્યાં પછી તેણે પોતાને ઇજાઓ પહોંચાડી અને આત્મહત્યાનું નાટક કર્યું હતું. જો કે, આ કેસમાં પોલીસને હરેશ પર શંકા ગઈ હતી. જો કે, હરેશ ઇજાગ્રસ્ત હતો એટલે પહેલા તેને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. સારવાર બાદ પોલીસે તેની પુછપરછ કરી હતી. પોલીસના સવાલોથી તે ગભરાઈ ગયો અને આખરે પોતાનો ગુનો માની લીધો હતો. એટલું જ નહીં પરંતુ સમગ્ર ઘટના જણાવી કે, શા માટે તેણે પોતાની પત્ની અને પુત્રની હત્યા કરી હતી. અત્યારે પોલસીને તેની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button