50 કરોડના ખર્ચે સરદાર સરોવર ડેમ એક્સપિરિયન્સ સેન્ટર બનાવવાની ગુજરાત સરકારે જાહેરાત કરી…

ગાંધીનગર: નર્મદા માટે વર્ષ 2025-26ની અંદાજપત્રીય માંગણીઓ વિધાનસભા ગૃહમાં પસાર કરવામાં આવી હતી. આ દરમિયાન મંત્રી ઋષિકેશ પટેલે વિધાનસભાગૃહમાં કહ્યું હતું કે, નર્મદા માટેના આંદોલન ભૂતકાળ બન્યા છે, હવે ફક્ત નર્મદાના વિકાસની વાત થશે. એકતા નગર ખાતે અંદાજીત રૂ. 50 કરોડના ખર્ચે સરદાર સરોવર ડેમ એક્સપિરિયન્સ સેન્ટર નિર્માણ કરવામાં આવશે.
Also read : Gujarat માં ગ્રીન એનર્જીને વેગ અપાશે, ઉદ્યોગોને ગ્રીન એનર્જી પૂરી પાડવા સરકારના પ્રયાસો…
નર્મદાની સિંચાઇ 6.22 લાખ હેક્ટર
આ અંગે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે અંદાજીત રૂ. 82,000 કરોડના ખર્ચે નર્મદા યોજના પૂર્ણ થવા જઇ રહી છે. વર્ષ- 2014 પહેલા સરદાર સરોવર દ્વારા રાજ્યમાં વિકસાવવામાં આવેલ સિંચાઇ ક્ષમતા અંદાજીત 1.62 લાખ હેક્ટર જેટલી હતી જેમાંથી અંદાજીત 2.53 લાખ હેક્ટર સિંચાઇ થતી. જે વર્ષ 2017માં આ ડેમ તેની સંપૂર્ણ સપાટીએ પહોંચ્યો ત્યારે સરદાર સરોવર યોજના દ્વારા રાજ્યમાં થયેલ સિંચાઇ આજે 16.22 લાખ હેક્ટરે પહોંચી છે.
સરદાર સરોવર ડેમ એક્સપિરિયન્સ સેન્ટર
આ દરમિયાન તેમણે એક મહત્વપૂર્ણ જાહેરાત કરતાં કહ્યું હતું કે એકતા નગર ખાતે અંદાજીત રૂ. 50 કરોડના ખર્ચે સરદાર સરોવર ડેમ એક્સપિરિયન્સ સેન્ટર આકાર પામશે. જે સરદાર સરોવર ડેમના નિર્માણ પાછળની નોંધપાત્ર સફર દર્શાવશે. જાન્યુઆરી-2025 સુધી માઈનોર નહેરો સુધીના કામો પૂર્ણ કરી કુલ 17.22 લાખ હેક્ટર સિંચાઇ ક્ષમતા અને સબ-માઈનોર નહેર સુધી 15.55 લાખ હેક્ટર વિસ્તાર વિકસિત થયેલ છે.
બનાસકાંઠા અને પાટણ જીલ્લા માટે જોગવાઈ
બનાસકાંઠા જીલ્લાની દિયોદર તાલુકાના 14 ગામો અને પાટણ જીલ્લાના સાંતલપુર તાલુકાના 11 ગામોના ભૌગિલીક રીતે ઉંચાઈવાળા અનકમાન્ડ વિસ્તારમાં સિંચાઈની વ્યવસ્થા માટે ઉદવહન સિંચાઈ યોજના માટે રૂા.100 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. નળકાંઠા, ફતેવાડીનો નવો વિસ્તાર વિકસીત કરવાની તબક્કા-1 ની કામગીરી પ્રગતિ હેઠળ છે. જે ઓગષ્ટ –2025માં પુર્ણ થશે. ત્યારબાદ તબક્કા-2ની કામગીરી હાથ ધરવામાં આવશે. આશરે સાણંદ, બાવળા અને વિરમગામ તાલુકાના 39 ગામોની 35,688 હેકટર જમીનને સિંચાઈનો લાભ મળશે.
Also read: ઉત્તર ગુજરાતમાં સુજલામ સુફલામ યોજના હેઠળ કુલ 13 પાઈપલાઇનની કામગીરી પૂર્ણ, અનેક ગામોને ફાયદો થશે…
નળકાંઠાના વિસ્તારમાં સિંચાઈ સુવિધા વધારાશે
વર્ષ 2025-26 ના બજેટમાં અમદાવાદ જીલ્લાનાં નળકાંઠાના વિસ્તારમાં સિંચાઈ સુવિધા વધારવા માટે રૂા. 875 કરોડની જોગવાઈ, નર્મદા યોજનાના કમાન્ડ એરિયાના નહેરના વિસ્તરણ વિકાસના કામો માટે રૂા. 501 કરોડની જોગવાઈ, નર્મદા મુખ્ય નહેર પર વધારાના સ્ટ્રકચર તેમજ જાળવણીની કામગીરી માટે રૂા. 204 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. વર્ષ 2025-26ની સરદાર સરોવર યોજના માટે રૂા.5978.86 કરોડની માંગણીઓ વિધાનસભા ગૃહમાં પસાર થઇ હતી.