ગાંધીધામમાં ઉદ્યોગપતિના ઘરમાં નોકરાણી કરી નાખી હાથસફાઈ, ત્રણ ઝવેરી સામે નોંધાયો ગુનો

ભુજ: કચ્છના ગાંધીધામના સુભાષ નગરમાં રહેતા એક ઉદ્યોગપતિના ઘરમાં કામ પર રાખેલી રાજસ્થાની નોકરાણીએ 32 હજાર રોકડાં રૂપિયા અને સોના ચાંદીના ઘરેણાં મળી 4.78 લાખની માલમતાની ચોરી કરી હોવાનો અને શહેરના ત્રણ જાણીતા સોનીઓએ ચોરાઉ દાગીના કોઈ આધાર પુરાવા માંગ્યા વગર બજાર ભાવ કરતાં ઓછાં દામે ખરીદી લીધાં હોવાનો બનાવ બહાર આવતાં ચકચાર પ્રસરી છે.
એ ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી અનુસાર ભારત નગરમાં ઈન્ડસ્ટ્રિયલ હિટર બનાવવાની ફેક્ટરી ધરાવતા ૪૦ વર્ષીય ફરિયાદી શનિ કિરણસિંહ ડોડિયાના પિતા ટ્રાન્સપોર્ટર છે, માતા ખાનગી સ્કૂલનું સંચાલન કરે છે અને પત્ની દવલહનું ચલાવે છે. ઘરના સભ્યો આખો દિવસ પોત-પોતાના વ્યવસાયમાં વ્યસ્ત હોઈ તેમણે ઘરકામ માટે અલગ અલગ સ્ત્રી પુરુષોને કામે રાખેલાં છે.
આપણ વાંચો: સોનાની દાણચોરીમાં પકડાયેલી અભિનેત્રી કોર્ટમાં ધ્રુસકે ને ધ્રુસકે રડી, કહ્યું- મને ઉંઘ પણ નથી આવતી
ગત 4 જાન્યુઆરી 2024ના રોજ તેમણે ઘરકામ માટે રાજસ્થાનના ગંગા નગરના સુરતગઢની દેવિકા નામની મહિલાને ઘરકામે રાખી હતી. અઠવાડિયે એકવાર તે રજા રાખીને સુંદરપુરીમાં ભાડાના મકાનમાં રહેતા પતિ પાસે રહેવા જતી.
લગ્નપ્રસંગે પરિવારને બહારગામ જવાનું થતાં ગત ગુરુવારે તેમણે ઘરના કબાટમાં રાખેલાં દાગીનાના બોક્સ બહાર કાઢતાં તેમાં રહેલા દાગીના ગાયબ હોવાનો અને બધાં બોક્સ ખાલી હોવાનો ઘટસ્ફોટ થયો હતો.
3.95 લાખ રૂપિયા પતિના બેન્ક ખાતામાં જમા કરાવ્યા
ઘરેણાંની ચોરી અંગે ફરિયાદીના પિતાએ દેવિકાની પૂછપરછ કરતાં તે ભાંગી પડી હતી અને રડતાં રડતાં કહેવા માંડી હતી કે તેને ટીબી થઈ ગયો હોઈ સારવાર માટે નાણાંની જરૂરત ઊભી થતાં તે લાગ મળ્યે એક-બે દાગીના ચોરી લઈને બે-ત્રણ દાગીના ભેગાં થાય એટલે જ્વેલરને ત્યાં વેચવા જતી હતી.
આપણ વાંચો: અમદાવાદ એરપોર્ટ બન્યું દાણચોરીનું હબ, 3 કરોડના હીરા ઝડપાયા
8 એપ્રિલ 2024થી 6 સપ્ટેમ્બર 2024ના સમયગાળા દરમિયાન તેણે એક એક કરીને આ દાગીનાની ચોરી કરી, તેના વેચાણમાંથી ઉપજેલાં 3.95 લાખ રૂપિયા તેણે પતિના બેન્ક ખાતામાં જમા કરાવી દીધા અને જરૂર પડ્યે તે રૂપિયા વાપરતી રહેતી હતી.
નજીકનાં જ્વેલર્સમાં વેચ્યા દાગીના
દેવિકાએ જણાવ્યું હતું કે, ચોરીના કેટલાક દાગીના તેણે ભારત નગર આસપાસની બજારમાં આવેલી અંબિકા જ્વેલર્સ નામની દુકાનમાં વેચ્યાં હતા અને તેમાંથી તેને 3.85 લાખ રૂપિયા મળ્યાં હતાં.
એ જ રીતે, નજીકમાં આવેલી કુંદન જ્વેલર્સમાં તેણે 75 હજાર રૂપિયામાં ત્રણ દાગીના વેંચી માર્યા હતા. ભારત નગરથી મહેશ્વરી નગર જતા માર્ગ પર આવેલી શિવશક્તિ જ્વેલર્સમાં પણ 2.10 લાખ રૂપિયામાં ચેઈન, બુટ્ટી અને પરચુરણ દાગીના વેચ્યાં હતાં.
પોલીસે હાથ ધરી તપાસ
ત્રણે જ્વેલર શોપના સોનીઓએ દાગીનાના બિલ કે આધાર પુરાવા માગ્યા વગર બજાર ભાવ કરતાં ઓછાં રૂપિયા આપીને આ ચોરીના દાગીના ખરીદયાં હતાં. પોલીસે દેવિકા સહિત ત્રણ જ્વેલર્સ પેઢીના સંચાલકો સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 317 (2) અને 317 (4) લગાડી છે જેમાં ઈરાદાપૂર્વક ચોરીનો માલ ખરીદવા સબબ દસ વર્ષ સુધીની કેદની સજાની જોગવાઈ હોવાનું જાણવા મળે છે.