ધર્મતેજ

ચિંતન : ઇતિહાસમાં એવી બે જ ઘટના છે કે જેમાં યમરાજનો ભેટો કોઈ દેહધારી સાથે થાય છે

ઇતિહાસમાં એવી બે જ ઘટના છે કે જેમાં યમરાજનો ભેટો કોઈ દેહધારી સાથે થાય છે – એક સત્યવાનની પત્ની સાવિત્રી સાથે અને બીજો નચિકેતા સાથે. પ્રશ્નો ઘણા પુછાય કે, શું યમરાજનું અસ્તિત્વ છે, જો હોય તો તેમની સાથેનો ભેટો શક્ય છે, અને જો શક્ય હોય તો આ બે જ વ્યક્તિ સાથે તેમનો મિલાપ કેમ થયો છે. આ સિવાય પણ ઘણાં પેટા પ્રશ્નો હોઈ શકે. અગત્યનું એ છે કે વિવિધ પરિપ્રેક્ષ્યમાં આ સંભાવના ચકાસી જોવી.

પૌરાણિક સાહિત્યમાં એક જગ્યાએ દર્શાવાયું છે કે વિશ્વામિત્ર ઋષિએ યજ્ઞ કરીને સદેહે રાજા ત્રિશંકુને સ્વર્ગ સુધી પહોંચાડ્યા હતા. ચોક્કસ પ્રકારના ક્રિયાકાંડ દ્વારા ચોક્કસ પ્રકારની સિદ્ધિ તથા ઉપલબ્ધિ પ્રાપ્ત થઈ શકે છે. વેદમાં કેવા પ્રકારના યજ્ઞથી, કેવા પ્રકારની પદ્ધતિથી, કેવા પ્રકારની આહુતિથી, કેવા પ્રકારની ઉપલબ્ધિ પ્રાપ્ત થઈ શકે તેનું સચોટ વર્ણન છે. બની શકે કે નચિકેતા માટે આ પ્રકારનું કોઈ આયોજન થયું હોય, જેનાથી તેઓ યમલોકના દ્વાર સુધી પહોંચી શક્યા હોય.

દેવતા સૂક્ષ્મ અસ્તિત્વના વિશ્વનો ભાગ હોવાથી તેમની સમક્ષ સૂક્ષ્મ બાબતો ધરાવવી જોઈએ. દેવતા ક્રિયાકાંડ અને ચોક્કસ પ્રકારના ચઢાવાથી પ્રસન્ન થતા હોય છે. દેવતાઓને ચોક્કસ પ્રકારના યજ્ઞથી પ્રસન્ન કરી શકાય. સાથે સાથે દરેક દેવતાની રુચિ અમુક પ્રકારના સૂક્ષ્મ ભોગમાં હોય છે. ભૌતિક સ્વરૂપે તે ભોગને પ્રસાદ તરીકે ધરાવવાથી દેવતા પ્રસન્ન થઈ શકે. પ્રસન્ન થયેલ દેવતા પોતાના ક્ષેત્રની અંદર વરદાન આપી શકે. બની શકે કે આવી કોઈ ધાર્મિક વિધિથી નચિકેતા યમલોકના દ્વાર સુધી પહોંચી શક્યા હોય.

એમ કહેવાય છે કે દરેક દેવતા મંત્રથી બંધાયેલા છે. શ્રદ્ધા ના હોય તો પણ મંત્ર અસર ઉપજાવે. કુંતી આ માટેનું એક ઉદાહરણ છે. દુર્વાસા ઋષિ દ્વારા તેને મંત્ર આપવામાં આવેલો, પણ તેને તે મંત્ર બાબતે શંકા હતી. આવી શંકા સાથે તેણે મંત્રનું ઉચ્ચારણ કરી સૂર્યનું આહવાન કરેલું. પરિણામે કર્ણનો જન્મ થયો હતો. શંકા સાથે આહવાન કરવા છતાં મંત્રએ પરિણામ આપેલું. અર્થાત મંત્રની શક્તિ તથા મંત્રના ઉચ્ચારણથી પ્રાપ્ત થતા પરિણામ, મંત્ર પરની શ્રદ્ધાને આધારિત નથી હોતા. શ્રદ્ધા હોય કે ના હોય, મંત્ર પોતાનું કામ કરે. મંત્ર, એક રીતે જોતા યંત્ર સમાન છે. યંત્રના ચાલકની માનસિક સ્થિતિ પ્રમાણે યંત્ર કાર્યરત ન થાય. યંત્ર તો, ચાંપ દબાવીએ એટલે કામ કરવા માંડે. એવું જ મંત્ર માટે કહી શકાય. મંત્રનો ઉચ્ચારણ થાય એટલે પરિણામ મળે. દરેક દેવતાના મંત્ર હોય. નવનાથ સંપ્રદાયના સિદ્ધ પુરુષો સિદ્ધિ પામે ત્યારે – સાધનાના પ્રત્યેક તબક્કા પસાર કરી લે ત્યારે, તેમને મંત્ર-સિદ્ધિ પ્રાપ્ત થાય. આનાથી તેઓ કોઈપણ દેવતાનું આહવાન કરી શકે અને ઇચ્છિત પામી શકે. પણ આ સમર્થ સિદ્ધો એવું કંઈ પણ કરવાને બદલે માત્ર પોતાની સાધનામાં જ તલ્લીન રહે.

તે સમયના યજ્ઞકર્તા પાસે, બની શકે કે આ પ્રકારની મંત્ર સિદ્ધિ હોય. નચિકેતાના પિતાએ તિરસ્કારથી નચિકેતાને યમરાજાને દાન કરવાની વાત કર્યા પછી, કે પહેલા, નચિકેતાને આવો મંત્ર પ્રદાન કર્યો હોય, અને તે બાળક યમલોકના દ્વાર સુધી પહોંચી શક્યો હોય. આ પણ શક્ય છે.

શંકરાચાર્ય અને મંડન મિશ્ર વચ્ચેના શાસ્ત્રાર્થ બાદ મંડન મિશ્રના ધર્મપત્ની ભારતી દેવીએ શંકરાચાર્યને શાસ્ત્રાર્થ કરવા પડકાર કરેલો. આ માટે તેમણે શંકરાચાર્યને ગૃહસ્થાશ્રમ ધર્મ વિશે થોડા સવાલ પૂછેલા. શંકરાચાર્ય તો બ્રહ્મચારી હતા, તેથી આ પ્રશ્નનો જવાબ મેળવવા તેમણે પરકાયા પ્રવેશ કરેલો. સનાતની આધ્યાત્મ માર્ગમાં ચોક્કસ પ્રકારની સાધનાથી આ પ્રકારની સિદ્ધિ મેળવી શકાય છે એમ સ્થાપિત થયેલું છે. આવા સંજોગોમાં એમ કહી શકાય કે, નચિકેતા પોતાનું શરીર અહીં જ રાખી અન્ય સ્વરૂપે યમલોકના દ્વાર સુધી પહોંચી શક્યા હોય. આ સંભાવના ચોક્કસ છે. જો તેમ હોય તો નચિકેતા પણ યમરાજ સુધી પહોંચી શકે.

નચિકેતા તો બાળક હતો. તે નિર્દોષ હોય તે સ્વાભાવિક છે. સંસારમાં પ્રવર્તમાન કપટથી તે મુક્ત હોય. તેના મનમાં પાપ ન હોય. આવા કારણોસર તે ઈશ્વરથી વધુ નજીક હોય. ઇતિહાસમાં એવા દાખલા નોંધાયા છે કે જ્યારે બાળક દ્વારા આગ્રહ પૂર્વક ઈશ્વરને ભોગ ધરાવવાનો પ્રયત્ન કરાયો હોય ત્યારે ઈશ્વર સ્વયં આવીને તે ખોરાકને ગ્રહણ કરે. જો ઈશ્વર ન આવે તો લાકડીથી તેમને મારવા તૈયાર થનાર બાળકનો આગ્રહ ઈશ્વર પણ ટાળી ન શકે. તો પછી નિષ્પાપ નચિકેતા પોતાના નિર્દોષ આગ્રહથી યમલોકના દ્વાર સુધી પહોંચી શકે.

નચિકેતાને પિતાની સામે કોઈ વાંધો ન હતો. તેને તો યજ્ઞની અયોગ્ય દક્ષિણા સામે વાંધો હતો. તેનો વિરોધ અધર્મ કહી શકાય તેવા દાન માટેનો હતો. જે પણ વ્યક્તિ ધર્મના આચરણ માટે આગ્રહી હોય તેને ઈશ્વર મદદરૂપ થાય, એમ માનવ ઇતિહાસમાં સતત સાબિત થતું રહ્યું છે. નચિકેતાના ધર્મલક્ષી વ્યવહાર, સૂચન તથા આગ્રહને કારણે યમરાજા પણ તેને મદદરૂપ થવા તૈયાર થયા હોય તેમ માની શકાય. યમરાજા ને ધર્મરાજા પણ કહેવાય છે. જ્યાં ધર્મ તથા ધર્મની સ્થાપના માટેનો આગ્રહ રખાતો હોય ત્યાં યમરાજા સદાય સહાયભૂત થાય. નચિકેતાનો પોતાના સુધી પહોંચવાનો માર્ગ યમરાજાએ પ્રશસ્ત કર્યો હોય તેમ બની શકે. આ તર્કથી પણ એમ કહી શકાય કે નચિકેતા પણ યમરાજ સુધી પહોંચી શકે.

આ પણ વાંચો…મારી સત્યતાના બળ પર હે દેવતાઓ મને તમારા વાસ્તવિક રૂપના દર્શન કરાવો

બુદ્ધિની પોતાની મર્યાદા છે. સૃષ્ટિના બધા જ સમીકરણો, હાલના સમયે તો, બુદ્ધિ વડે સમજી શકાય તેવા નથી. માનવી પોતાની બુદ્ધિની સીમા વધારવાનો સતત પ્રયત્ન કરે છે. પણ તકલીફ એ છે કે બુદ્ધિ ભૌતિક બાબતો સુધી જ કાર્યરત રહી શકે. જે વસ્તુ દેખાય છે તે માટેના પ્રત્યક્ષ અનુભવથી બુદ્ધિ કંઈક તારણ કાઢી શકે. તે પછી અનુમાન કે ઉપમાન કે શબ્દ દ્વારા આગળ વિચારણા કરવી પડે. શાસ્ત્રીય રીતે તો આ બધા પ્રમાણો માન્ય છે. પરંતુ કેટલાક બુદ્ધિજીવી તે સ્વીકારવા તૈયાર નથી હોતા. તે છતાં પણ તેઓ એમ તો સ્વીકારતા જ હોય છે કે બુદ્ધિની પોતાની મર્યાદા છે. આવા સંજોગોમાં પણ શકનો લાભ શ્રદ્ધાને મળી શકે. આવી શ્રદ્ધા કંઈ આકસ્મિક કે શેખચલ્લીના વિચાર સમાન નથી હોતી. તેની પાછળ સૂક્ષ્મ વિજ્ઞાન કામ કરતું હોય છે – તેની પાછળ સૂક્ષ્મ વિશ્વમાં કાર્યરત પરિબળોની અસર સમજીને નિર્ણય લેવાતો હોય છે. આ સૂક્ષ્મ વિશ્વની પ્રકૃતિ સમજવા માટે તે સ્તરનું અસ્તિત્વ – તે સ્તરની અનુભૂતિ – તે ભૂમિકાની સાક્ષી હોવી જરૂરી છે. જે વ્યક્તિ આ સ્થળે પહોંચી શકે તે સમજી શકે કે નચિકેતા પણ યમરાજ સુધી પહોંચી શકે.

પૌરાણિક બાબતોને સમજવા માટે એક વિશેષ પ્રકારની માનસિકતા હોવી જોઈએ. જ્યાં વિરોધથી જ શરૂઆત થતી હોય, જ્યાં જે તે બાબતને ખોટી સાબિત કરવાની જ તૈયારી હોય, જ્યાં ડાબા હાથે લખાયેલી બાબતોને સાચી મનાતી હોય, જ્યાં ભૌતિક સ્તરની – સ્થુળ વિશ્વની ચર્ચામાં બધા પ્રવૃત્ત હોય હોય, ત્યાં અસ્તિત્વના અન્ય સ્તરની ચર્ચા કે સ્વીકૃતિ સંભવ ન બને.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button