બ્રાન્ડ બનશે બિઝનેસ વધશેઃ બ્રાન્ડને જીવંત બનાવે છે રંગ હર કલર કુછ કહેતા હૈ..!

-સમીર જોશી
રંગોનો ઉત્સવ આવી રહ્યો છે. રંગોનું મહત્ત્વ જીવનમાં શું છે તે આપણે સહુ જાણીયે છીએ. જો રંગો ના હોય તો જીવન બેરંગી થઇ જાય- સૂનું થઇ જાય. શાળામાં ભણ્યા કે ‘લાલ પીળો ને વાદળી મૂળ રંગ કહેવાય બાકી બધા રંગો તો તેની મેળવણીથી થાય.’ રંગોને જોતા આપણી સમક્ષ અમુક ચીજો આવી જાય છે.
Also read : વાઇલ્ડ લાઇફ વીક – ગુજરાતનાં વિવિધ સ્થળોએ મહાલતા વન્યજીવો અને પક્ષીઓને કંપની આપીએ
ઉદાહરણ તરીકે, રંગબેરંગી કપડાઓમાં લોકોને જોતા લાગે કે કોઈ પ્રસંગ ઉજવાઈ રહ્યો છે તો સફેદ કપડામાં લોકોને જોતા લાગે કૈંક અશુભ થયું છે. કેસરી, લીલો અને સફેદ રંગને સાથે જોતા આપણો રાષ્ટ્રધ્વજ સામે આવે છે તો મોરના પીંછાના રંગને તો તેનું જ બિરુદ મળ્યું કે આ તો મોરપીંછ રંગ છે.
મનોવૈજ્ઞાનિક દૃષ્ટિએ રંગો માનવ વર્તન, લાગણીઓ અને દ્રષ્ટિકોણને અસર કરે છે અને જો આમ હોય તો બ્રાન્ડ આમાં પાછળ કેમ રહે ?! કારણ બ્રાન્ડનું કામ છે માનવના મન પર પ્રભાવ પાડવાનું અને તેના માટે જે જરૂરી પગલાં છે તે ભરવા. આથી બ્રાન્ડ બિલ્ડિંગમાં રંગ મહત્ત્વનો ભાગ ભજવે છે. થોડા સમય પહેલા આપણે રંગ બ્રાન્ડ માટે શા માટે ઉપયોગી છે તેની વાત જાણી હતી. આજે, કયો રંગ શું સૂચવે છે તે જાણીએ.
આપણે જાણીએ છીએ કે હરેક રંગની બે બાજુ હોઈ શકે. ઉદાહરણ તરીકે, કાળો રંગ અશુભ ગણાય છે તો તેને લોકો સોફેસ્ટિકેટેડ, એલિગન્ટ અને ક્લાસી પણ ગણે છે. ઘણી લક્ઝરી બ્રાન્ડ આ કારણે પોતાની બ્રાન્ડ માટે કાળો કલર વાપરે છે, જેમ કે કપડાની બ્રાન્ડ બ્લેક બેરીસ, શૂ બ્રાન્ડ એડિદાસ વગેરે. આપણે આજે રંગોની ઉજળી બાજુ જોઈ બ્રાન્ડ તેનો કયા કારણસર ઉપયોગ કરે છે તે જાણીશું.
લાલ રંગએ પેશન, પાવર, એનર્જી દર્શાવે છે. તે બીજા કોઈ રંગ કરતાં વધુ ધ્યાન ખેંચે છે. બોલ્ડ લોગો હોય કે ચમકદાર જાહેરાત, લાલ રંગ નિવેદન આપવા વિશે છે. કેટલાક ઉદાહરણમાં કોકા-કોલા, નેટફ્લિક્સ, ફેશન બ્રાન્ડ એચએમ, ટેલિકોમ બ્રાન્ડ એરટેલ, વગેરે.
બ્લુ રંગને બહુમુખી, ભરોસાપાત્ર અને ખૂબ જ વિશ્વસનીય માનવામાં આવે છે. ઘણી બૅંક અને ફાઇનાન્સને લગતી બ્રાન્ડ આનો ઉપયોગ કરે છે. એચડીએફસી બેન્ક, ફેસબુક, લિંકેડીન જેવી ઘણી મોટી બ્રાન્ડ્સ વિશ્વસનીયતા અને વ્યાવસાયિકતા દર્શાવવા માટે વાદળી રંગનો ઉપયોગ કરે છે.
Also read : પાકિસ્તાન હવે ભીખનો પર્યાયવાચી શબ્દ ન બની જાય તો સારું
કેસરી રંગ હિમ્મત, આત્મવિશ્વાસ, હૂંફ, ઇનોવેશન, ફન અને એનર્જેટિક જેવી વાતો કરે છે. કેટલાક ઉદાહરણમાં બાળકોની ચેનલ નિકોલીડન, ફૂડ ડિલિવરી બ્રાન્ડ સ્વિગી વગેરે. પીળો રંગ હેપીનેસ, ક્રિએટિવિટી, આશાવાદ જેવી વાતો દર્શાવે છે. નેશનલ જયૉગ્રાફી, મેકડોનાલ્ડ્સ, મેગીનું પેકેજિંગ, સ્નેપચેટ વગેરે જેવી બ્રાન્ડે આનો ઉપયોગ કર્યો છે.
લીલો રંગ આપણી આંખો માટે લાભદાયક છે. એ શાંત અને આનંદદાયક છે. આ ઉપરાંત તે ફ્રેશનેસ, હેલ્થ, નેચર, સમૃદ્ધિ જેવી વાતો આપણી સામે લાવે છે. આના ઉદાહરણો જોઈએ તો; સ્ટારબક્સ, લિપ્ટન ગ્રીન ટી, નોબેલ કેમિસ્ટ, હોલીડે ઈન, સ્પ્રાઇટ વગેરે.
પર્પલ અર્થાત્ જાંબળી કલર. આ રંગમાં પુરુષ અને સ્ત્રીની લાક્ષણિકતાનું સંતુલન જોવા મળે છે. વેલ્થ, સ્પિરિચ્યુઆલિટી, ઇમેજિનેટિવ, સોફેસ્ટિકેશન જેવી અનેકવિધ વાત જણાવે છે. આના ઉદાહરણ : બાળકથી લઈને વૃદ્ધ બધાની મનપસંદ ચોકલેટ કેડબરી ડેરી મિલ્ક, યાહૂ.કોમ, એજયુટેક બ્રાન્ડ બાઈજુસ, વગેરે.
માર્કેટિંગની વાત આવે ત્યારે સફેદ રંગ લાંબા સમયથી શુદ્ધતા સાથે સંકળાયેલો છે. વ્હાઈટ કલર તાજગી અને નવી શરૂઆતનું પ્રતીક પણ છે. શૂ બ્રાન્ડ નાઈકી, શોપર્સ સ્ટોપના એડ કેમ્પેઇન, લક્ઝરી ફેશન બ્રાન્ડ શનાલ વગેરે.
બ્રાન્ડ અથવા બિઝનેસ પ્રોડક્ટ માટે કલર્સ પસંદ કરવા પાછળ ઘણાં બધાં પરિબળ ધ્યાનમાં લેવાય છે, જેમકે પ્રોડક્ટ કે બ્રાન્ડની પ્રકૃતિ શું છે?
શું તે કોઈ સર્વિસ અથવા પ્રોડક્ટ છે જે તમે વેચી રહ્યાં છો? ટાર્ગેટ ઑડીએન્સ વૃદ્ધ છે કે યુવાન, સ્ત્રી છે કે પુરુષ? શું તમારું ઉત્પાદન પ્રતિષ્ઠિત અર્થાત લક્ઝરી છે અથવા માત્ર એવી વસ્તુ છે જે સમૂહને આકર્ષે છે? આ ઉપરાંત તમારી બ્રાન્ડ કઈ કેટેગરીમાં છે આ પણ જાણવું જરૂરી છે.
બ્રાન્ડિગ સુમેળભર્યું હોવું જરૂરી છે જેથી કરીને તે અસ્તવ્યસ્ત ના લાગે કે તેને વારંવાર જોઈને લોકો કંટાળી ના જાય. આના માટે વિવિધ રંગ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. વિઝ્યુઅલ અનુભવ એવો ન હોવો જોઈએ કે દર્શકોને તેની સાથે જોડાવાની જરૂર ન લાગે. ગ્રાહકની પ્રતિક્રિયા અને બ્રાન્ડના રંગ વચ્ચે નોંધપાત્ર સંબંધ છે, તેથી યોગ્ય રંગ પસંદ કરવા જરૂરી છે. માર્કેટિંગ અને બ્રાન્ડિગમાં રંગો ફક્ત દૃષ્ટિની આકર્ષકતા માટે નથી. એ ઉપભોક્તાની ધારણા- લાગણી અને વર્તનને પ્રભાવિત કરવામાં મદદ કરે છે.
Also read : ભૂખે સે પૂછા દો ઔર દો ક્યા, ચાર રોટિયાં
વિવિધ રંગોની પોતાની એક વાર્તા છે અને તેનો બ્રાન્ડ અસરકારક ઉપયોગ કરે છે. લોકોની લાગણીને જગાડવા અને બ્રાન્ડની ઓળખને વેગ આપવા. આમ તો બ્રાન્ડના વિવિધ પાસા છે પણ તેમાં રંગો મહત્ત્વનું પરિબળ છે. તે સૌથી પહેલા આંખે વળગે અને આથી તેનું મહત્ત્વ વધુ છે. મનોવિજ્ઞાનનું સંશોધન છે કે રંગ માનવ વર્તન અને લાગણીઓને કેવી રીતે અસર કરે છે. વિવિધ રંગ, રંગછટા અને ટોન માનવના મૂડને બદલે છે અને નિર્ણય લેવામાં પણ મદદ કરે છે.