ઉત્સવ

સ્પોટ લાઈટ : ‘મહેશ્વરીએ સરિતા જોશીને ટક્કર આપી’

-મહેશ્વરી

‘સિદ્ધાર્થ, તું મને શીખવ. તું શીખવાડીશ એમ કામ કરવા હું તૈયાર છું,’ મેં સિદ્ધાર્થ રાંદેરિયાને રિહર્સલ દરમિયાન બધાની હાજરીમાં જ કહ્યું.

Also read : ઑપરેશન તબાહી-૫૧

હું એક અભિનેત્રી હતી, જૂની રંગભૂમિના નાટકોમાં માનપાન મેળવનાર અભિનેત્રી. પણ આ નાટક વખતે હું ફક્ત અભિનેત્રી નહીં, દીકરીનાં લગ્ન લેનારી આર્થિક ભીંસ અનુભવતી માતા પણ હતી. સરિતા બહેનના નાટકમાં કામ કરવાની મળેલી તક મારે જવા નહોતી દેવી.

જોકે, મારે ખેરાત નહોતી જોઈતી. કામમાં હું 19-20 કરવા તૈયાર નહોતી. મારું પરફોર્મન્સ અણીશુદ્ધ સાબિત થવું જ જોઈએ એવો મારો આગ્રહ કાયમ રહ્યો છે અને એટલે જ મેં સરિતા બહેન અને સિદ્ધાર્થ સમક્ષ આ પ્રમાણે રજૂઆત કરી હતી. પછી કોને ખબર કેમ પણ સિદ્ધાર્થે વાત વાળી લીધી અને અમારા નાટકના રિહર્સલનો દોર આગળ ચાલ્યો.

લગ્નની તૈયારી ધીરે ધીરે આગળ વધી રહી હતી. મારી દીકરી ચેરી જ્યાં કામ કરતી હતી એના બોસે તેને દાદરના કોઈ પ્રખ્યાત સ્ટોરની આઠ હજાર રૂપિયાની કુપન આપી. લગ્ન હોવાથી ખરીદીમાં થોડી રાહત મળે એ આશય હતો. ભગવાન જરૂરિયાતમંદોની મદદ કોઈને કોઈ સ્વરૂપે કરતો જ રહે છે. એ સ્ટોરમાં અલગ અલગ રેન્જની સાડીઓનું મોટાપાયે વેચાણ થતું હતું. સ્ટોરમાં જઈ દીકરીની પસંદગીની સાડીઓ ખરીદી. મારી પાસે પણ થોડી મૂડી હતી એમાંથી પણ નાની મોટી જરૂરી વસ્તુ અમે લેવા લાગ્યા. અલબત્ત આ બધું પાશેરામાં પૂણી જેવું હતું.

એ વખતે મારી દીકરીઓ બોરીવલીમાં એક ‘ન્યૂ સ્ટાર’ નામના ગ્રૂપ સાથે સંકળાયેલી હતી. સામાજિક સેવા કરવી એ આ ગ્રૂપનો કાર્ય મંત્ર હતો. એક મોટી સમસ્યા એ આવી પડી કે લગ્નની તારીખ નક્કી કરતી વખતે ચેરી જેની સાથે પરણવાની હતી એ છોકરાએ જ કહ્યું કે ‘પહેલી જુલાઈએ લગ્ન કરી લઈએ. નહીંતર ઘણા સમય સુધી નહીં થાય.’ હું તો હેબતાઈ ગઈ. એ તારીખને પાંચ જ દિવસની વાર હતી અને આટલા ટૂંકા ગાળામાં એકલપંડે બધું કેમ મેનેજ કરવું એ જ મને સમજાતું નહોતું. અનાયાસે બે હાથ જોડાઈ ગયા અને મનોમન ઈશ્વરને પ્રાર્થના કરી કે ‘હવે તું જ રસ્તો સુઝાડ.’

પ્રભુને પણ થયું હશે કે મહેશ્વરી વિકટ પરિસ્થિતિમાં મુકાઈ છે. બીજે જ દિવસે સવારે ‘ન્યૂ સ્ટાર ગ્રૂપ’ના યુવાન છોકરાઓ શેઠ શામળશા બની જાણે મારી સામે ઊભા રહી ગયા. ‘આંટી, તમે ચિંતા છોડો. અમે બધા ખડે પગે ઊભા રહીશું. આ લગ્ન માત્ર તમારી દીકરીના નથી, અમારી બહેન દર્શનાના પણ છે. પાંચ દિવસમાં બધી તૈયારી પૂરી કરવાની જવાબદારી હવે અમારી છે.

’મને પેલી કહેવત યાદ આવી ગઈ કે ‘પ્રભુના દરબારમાં દેર છે, પણ અંધેર નથી.’ જોકે, અહીં તો દેર પણ નહોતી. બધું ઝપાટાબંધ થઈ રહ્યું હતું. મૂળરાજ રાજડાનો દીકરો સમીર રાજડા અને બીજા હોંશીલા અને ખંતીલા યુવાનો ભેગા થયા અને તેમણે જ તેમની દર્શનાબહેન માટે હોલ શોધી બુક કરી લીધો. સંગીત સંધ્યાનો કાર્યક્રમ પણ નક્કી કર્યો.

લગ્ન લેવાની જવાબદારીમાંથી હળવી થઈ ગઈ હોવાથી મેં બધું ધ્યાન નાટકની તૈયારી પર કેન્દ્રિત કર્યું. જે પણ ફરિયાદ ઊભી થઈ હતી એ સમૂળગી દૂર કરવાની કોશિશ મેં શરૂ કરી દીધી હતી. નાટક ઓપન થયું અને દર્શકોને પસંદ પડ્યું. હું થોડી ટેન્શનમાં હતી, કારણ કે ‘સિદ્ધાર્થ સાથેના મારા સીનમાં ડાયલોગ ડિલિવરી બરાબર નથી થતી’ એવી ફરિયાદ પછી મેં કરેલી મહેનતનું પરિણામ જાણવા હું ઉત્સુક હતી.

Also read : આ દરિયો શું ડૂબાડે મને ?તુફાનો કો ચીરકર પા લૂંગા મંજિલ મેરી, મૈ ડૂબનેવાલા જહાજ નહીં …

બે ચાર શો થયા પછી અખબારમાં મારા આ નવા નાટકનો રીવ્યુ આવ્યો. સમીક્ષકે વિશ્લેષણ કરી છેલ્લે કેટલીક લાઈન ખાસ મારા માટે લખી હતી કે ‘અભિનેત્રી મહેશ્વરી ખાસ પ્રશંસાના અધિકારી છે, કારણ કે સરિતા બહેન જેવા સિદ્ધહસ્ત અભિનેત્રીની હાજરીમાં જરાય ઓછા નથી ઊતર્યા. બલકે એમને ટક્કર આપી અવ્વલ સાબિત થયાં છે.’ પરીક્ષામાં નાપાસ થવાનો ડર હોય એ વિદ્યાર્થીને ડિસ્ટિંકશન સાથે પાસ થવાની જાણ થાય ત્યારે એને આસમાની આનંદ થાય એવી જ હાલત એ ક્ષણે મારી હતી.

આનંદના આગોશમાં વીંટળાઈને હરખઘેલી થઈ હું સરિતા બહેનને મળવા ગઈ. મેં તેમને એટલું જ કહ્યું કે ‘મેં મહેનત કરી તમારી અપેક્ષાને પૂર્ણ ન્યાય આપ્યો હશે એમ હું માનું છું. હવે જો તમારે મારી બદલે બીજા કોઈ કલાકારને લેવા હોય તો લઈ શકો છો.’ હજી મારું વાક્ય પૂરું થાય એ પહેલા સરિતા બહેને તેમની હથેળી મારા મોઢા પર દાબી દીધી. કશું બોલ્યા નહીં, પણ એમની આંખો ‘મહેશ્વરી તારે એક અક્ષર બોલવાની જરૂર નથી’ એવું કહી રહી હતી.

મારા બંને હાથ એમના બંને હાથમાં રાખી ઉષ્માપૂર્વક દબાવ્યા અને અમારી બંને વચ્ચે કશું બોલ્યા વિના ઘણી બધી વાત થઈ ગઈ. પછી અમારી વચ્ચે સારી મૈત્રી થઈ ગઈ. બહારગામ શો કરવા જઈએ ત્યારે નવરાશની પળોમાં ઘણી વાતચીત થતી. આ નાટક નિમિત્તે સરિતા બહેન એક વ્યક્તિ તરીકે પણ કેવા હૂંફાળા છે એ જાણવાની મને તક મળી. અને દીકરીના લગ્નનો દિવસ આવી ગયો.

બોધ – ઉપદેશ સાથે મનોરંજન
‘મુંબઈ ગુજરાતી નાટકમંડળી’ની સાથે અનેક નાટ્યમંડળીઓ ગુજરાત અને ગુજરાત બહાર નાટક કરવા લાગી હતી. રંગભૂમિનો આ વિસ્તાર આવકારદાયક હતો. આમ થવાથી નાટ્ય પ્રવૃત્તિના ક્ષિતિજનો વિસ્તાર થયો. આ સર્વ નાટ્યમંડળીઓનાં નામ જાણવા જેવા છે.

‘શ્રી મોરબી આર્ય સુબોધ નાટક મંડળી’(1878), ‘આર્ય સુબોધ નાટક મંડળી’, ‘વાંકાનેર આર્ય હિતવર્ધક નાટકમંડળી’, ‘વિદ્યાવર્ધક નાટકમંડળી’, ‘સત્ય સુબોધ નાટકમંડળી’, ‘દેશી નાટક સમાજ’ જેવી નામધારી નાટક મંડળીઓનો ઉદ્દેશ બોધ – ઉપદેશ સાથે મનોરંજનનો પણ રહ્યો હતો.

બીજી તરફ મુંબઈની નાટક મંડળીઓના નામ ધંધાદારી નાટક કંપની જેવા હતા. ઉદાહરણ તરીકે ‘નેપોલિયન થિયેટ્રિકલ ક્લબ’, ‘એલ્ફિન્સ્ટન ડ્રામેટિક ક્લબ,’, ’વિક્ટોરિયા નાટક મંડળી’ વગેરે. મંડળી હોય કે કંપની, ખટકે એવી વાત એ હતી કે નાટક કંપની સાથે સંકળાયેલા ઘણા શેઠિયાઓ મનસ્વીપણે કારભાર કરતા હતા.

Also read : આપણને કોઈએ મદદ કરી હોય તો એ વાત હંમેશાં યાદ રાખવી જોઈએ

ગુજરાતી રંગભૂમિએ એમના તાલે ચાલવું પડતું હતું. મગરૂરીને કારણે જ માલિક પોતે જ ક્યારેક લેખક બની જતો તો ક્યારેક દિગ્દર્શક તરીકે એનું નામ જોવા મળતું હતું. આવડત કે કૌશલ્ય ન હોવા છતાં તેમની મરજીથી નાટકના દૃશ્યો સમૂળગા બદલાઈ જતા હતા. ક્યારેક પાત્રો તો ક્યારેક લેખક સુધ્ધાં બદલી નાખવામાં આવતા હતા. હદ તો ત્યારે થતી જ્યારે આખેઆખું નાટક જ માલિક દ્વારા બદલી નાખવામાં આવતું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button