ભારત-ન્યૂ ઝીલૅન્ડ વચ્ચેની ફાઇનલમાં રોહિતસેનાનું પલડું ભારેઃ જાણો કેવી રીતે…
વિરાટ આટલા રન બનાવશે એટલે ગેઇલનો વિક્રમ તૂટશે!

દુબઈઃ વર્તમાન ચૅમ્પિયન્સ ટ્રોફીમાં અપરાજિત રહેલી ટીમ ઇન્ડિયાએ આવતી કાલે (રવિવારે) ફાઇનલ (બપોરે 2.30 વાગ્યાથી)માં ન્યૂ ઝીલૅન્ડ સામેના પરંપરાગત ભયથી પર આવીને એની સામે મોટી સફળતા મેળવવાની છે અને 12 વર્ષે ચૅમ્પિયન્સ ટ્રોફીનું ટાઇટલ પાછું સ્વદેશ લાવવાનું છે.
બીજું, વિરાટ કોહલી તથા રોહિત શર્માના ફૉર્મની બાબતમાં લાંબા સમયથી જે જાત-જાતની અટકળો ચાલી રહી છે એને ખોટી પાડવાનો સમય પણ હવે આવી ગયો છે.
મોટી ટૂર્નામેન્ટની ફાઇનલની વાત આવે ત્યારે કિવીઓ સામે ભારત હંમેશાં નિષ્ફળ રહ્યું છે, પરંતુ આવતી કાલે ભારતે આ ઇતિહાસને નવો વળાંક આપવાનો છે અને આઇસીસી ટૂર્નામેન્ટની ફાઇનલમાં ન્યૂ ઝીલૅન્ડ સામે (બન્ને પરાજય બાદ) હવે પહેલી વાર વિજય પ્રાપ્ત કરવાનો છે.
આપણ વાંચો: અફઘાનિસ્તાનના 325/7, ઝડ્રાને રચ્યો ઈતિહાસ: ઇંગ્લૅન્ડ માટે ચૅમ્પિયન્સ ટ્રોફીમાં ટકવું મુશ્કેલ
તમામ આઇસીસી ટૂર્નામેન્ટોમાં ન્યૂ ઝીલૅન્ડનો ભારત સામે 10-6થી હાથ ઉપર રહ્યો છે. આવા પ્રકારની સ્પર્ધાઓના નૉકઆઉટ રાઉન્ડમાં પણ ભારતીયો સામે કિવીઓ 3-1ના રેશિયો સાથે ચડિયાતા છે, પરંતુ વર્તમાન ટૂર્નામેન્ટમાં રોહિતસેનાએ લીગ રાઉન્ડમાં પાકિસ્તાનને તેમ જ ખુદ કિવીઓને પછડાટ આપવાની સાથે જે પર્ફોર્મ કર્યું છે એ જોતાં આવતી કાલે ભારતનું પલડું ભારે જણાય છે.
દુનિયાભરના ક્રિકેટ પંડિતો પખવાડિયાથી બૂમ બરાડા પાડીને કહી રહ્યા છે કે ભારતીય ટીમ આ ટૂર્નામેન્ટમાં એક જ સ્થળે (દુબઈમાં) રમી એનો એને બહુ મોટો લાભ થયો છે. જોકે બીજી માર્ચે દુબઈમાં જ ન્યૂ ઝીલૅન્ડે ભારતનો મુકાબલો કર્યો હોવાથી હવે આવતી કાલની ફાઇનલ પહેલાં કોઈ એવું નહીં બોલે કે દુબઈમાં કિવીઓને નુકસાન છે અને ભારતને લાભ છે.
આવતી કાલની ફાઇનલ સ્પિનર્સને વધુ મદદ અપાવતી સ્લો પિચ પર રમાશે એવી પાકી સંભાવના જોતાં ભારત ચારેય સ્પિનર (અક્ષર, વરુણ, જાડેજા, કુલદીપ)ને ઇલેવનમાં જાળવી રાખશે એવું લાગે છે. આ સ્પર્ધાના તમામ સ્પિનર્સમાં વરુણ ચક્રવર્તી સાત વિકેટ સાથે મોખરે છે.
આપણ વાંચો: ચૅમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાનની હાર બાદ ભારત વિરોધી સૂત્રોચ્ચાર કરનારા ભંગારના વ્યાવસાયિકની ધરપકડ…
બીજી તરફ, કિવી સ્પિનર રચિન રવીન્દ્ર ફક્ત બે વિકેટ લઈ શક્યો છે, પરંતુ બૅટર્સમાં તે 226 રન સાથે બીજા નંબરે છે અને બે રન બનાવશે એટલે (સ્પર્ધાની બહાર થઈ ગયેલી ઇંગ્લૅન્ડની ટીમના) બેન ડકેટના હાઇએસ્ટ 227 રનના આંકડાને પાર કરી લેશે.
જો આવતી કાલની ફાઇનલ ભારત-પાકિસ્તાન મૅચમાં વપરાયેલી પિચ પર જ રમાશે તો કિવી બૅટર્સ પર ભારતના ચારેય સ્પિનર તૂટી પડશે અને તેમને અંકુશમાં રાખવામાં સફળ થશે. આ ચાર સ્પિન-સિતારાઓએ ખાસ કરીને કેન વિલિયમસન તથા રચિન રવીન્દ્ર સામે વધુ સાવચેત રહેવું પડશે. ગયા વર્ષે ભારતે ન્યૂ ઝીલૅન્ડ સામેની ટેસ્ટ-સિરીઝમાં 0-3થી જે પછડાટ ખાધી હતી એ પણ રોહિતસેનાના ધ્યાનમાં હશે જ.
બીજી તરફ, કિવી સ્પિનરો (સૅન્ટનર, ફિલિપ્સ, રચિન રવીન્દ્ર, બ્રેસવેલ) પણ ખતરો બની શકે, પરંતુ ભારતના બૅટર્સ સ્પિન સામે રમવામાં ચડિયાતા હોવાથી કિવી સ્પિનર્સને વધુ સફળતા ન પણ મળે.
આપણ વાંચો: ચૅમ્પિયન્સ ટ્રોફીની ધમાકેદાર શરૂઆત, પહેલા જ દાવમાં બે સદી અને બે સેન્ચુરી-પાર્ટનરશિપ
પચીસ વર્ષ પહેલાંની ચૅમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ભારતને હરાવીને જ ન્યૂ ઝીલૅન્ડે એ એકમાત્ર તાજ જીતી લીધો હતો. ભારતે સ્ટીફન ફ્લેમિંગની ટીમ સામે જોવા પડેલા એ પરાજયનો આવતી કાલે બદલો લેવાનો છે.
2024ના ટી-20 વર્લ્ડ કપના ચૅમ્પિયનપદમાં વિરાટ કોહલી તેમ જ રોહિત શર્માના પોતપોતાની રીતે મોટા યોગદાનો હતા. આવતી કાલે ખરા સમયે આ બે પીઢ ખેલાડીઓએ ફરી એવો સુપર પર્ફોર્મન્સ બતાવવાનો છે.
વિરાટ કોહલી આજે 45 રન બનાવશે એટલે ચૅમ્પિયન્સ ટ્રોફીના ઇતિહાસમાં સૌથી વધુ રન બનાવનાર ક્રિસ ગેઇલનો 791 રનનો વિક્રમ તૂટી જશે. વિરાટના નામે હાલમાં 746 રન છે. જયવર્દને (742) ચોથા નંબરે, વર્તમાન ટૂર્નામેન્ટનો બૅ્રન્ડ ઍમ્બેસેડર શિખર ધવન (701 રન) પાંચમા નંબરે અને સંગકારા (683 રન) પાંચમા નંબરે છે.
આવતી કાલે બીજી હરોળના બૅટર્સ એટલે કે શુભમન ગિલ, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા તેમ જ અક્ષર-જાડેજાએ પણ બૅટિંગમાં મોટું યોગદાન આપવું પડશે.
બન્ને દેશની સંભવિત ઇલેવનઃ
ભારતઃ રોહિત શર્મા (કૅપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રવીન્દ્ર જાડેજા, વરુણ ચક્રવર્તી, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી/હર્ષિત રાણા/અર્શદીપ સિંહ.
ન્યૂ ઝીલૅન્ડઃ મિચલ સૅન્ટનર (વિકેટકીપર), વિલ યંગ, કેન વિલિયમસન, રચિન રવીન્દ્ર, ટૉમ લેથમ (વિકેટકીપર), માઇકલ બ્રેસવેલ, ડેવૉન કૉન્વે/ડેરિલ મિચલ, કાઇલ જૅમિસન, વિલ ઑરુરકે, ગ્લેન ફિલિપ્સ, મૅટ હેન્રી/નૅથન સ્મિથ/જેકબ ડફી.