વીક એન્ડ

ભાત ભાત કે લોગ: એક માતાએ લખ્યું: `બી અ ગુડ બોય!’ ને અમેરિકન મહિલાઓનું ભાગ્ય પલટાઈ ગયું!

  • જ્વલંત નાયક

મૂળભૂત અધિકાર, બંધારણ બદલવાની ખેવના, ઉગ્રવાદી ચળવળ અને ચૂંટણીમાં પોતાને પણ મત આપવાનો અધિકાર છે એવું સાબિત કરવા માટે દશકાઓ સુધી લડતી રહેલી પ્રજા.!

Also read : બોલો, વોલ્ટ ડિઝની જાસૂસ’ હતા ને પેલો ચાર્લી ચેપ્લિનકમ્યુનિસ્ટ’ હતો! વોલ્ટ ડિઝની, ચાર્લી ચેપ્લિન

આ બધું વાંચીને તમને જે પ્રારંભિક ખ્યાલ આવે તે કોઈ દમનકારી સરકાર સામે લડી રહેલા શોષિતોનો હોય. એક એવી સરકાર તમારા મગજમાં તાદ્રશ્ય થઇ જાય જે બંધારણ બદલી નાખવાના પ્રયત્નો કરતી હોય, પણ અહીં વાત થઇ રહી છે સ્ત્રીઓની. જગતમાં સૌથી આધુનિક, સૌથી મુક્ત ગણાતી અમેરિકન સ્ત્રીઓની!

શરૂઆતમાં જે શબ્દો વાપર્યા છે એ બધા જ ઓગણીસમી સદીના ઉત્તરાર્ધ અને વીસમી સદીના પૂર્વાર્ધ દરમિયાન અમેરિકન સ્ત્રીઓના જીવન સાથે પ્રગાઢપણે જોડાયેલા છે.

આજે ભલે મહિલા દિવસ હોય, પણ આપણે વાત હેરી ટી. બર્ન નામના એક પુષ વિશે કરવાની છે.

આ પુષનું નામ તમે ભાગ્યે જ સાંભળ્યું હશે, પણ કમસેકમ આજના દિવસે એને એક વાર યાદ કરી લેવો જોઈએ. આજના મુક્ત અમેરિકી સમાજને જાણનારાને નવાઈ લાગે એવી વાત એ છે કે અમેરિકન સ્ત્રીઓને લાંબા સમય સુધી મતાધિકાર આપવામાં નહોતો આવ્યો. પરિણામે કોઈ રાજકીય પક્ષ સ્ત્રીઓની સમસ્યાઓ કે એમને લગતા ગમે એવા મહત્ત્વના મુદ્દા પર ઝાઝું ધ્યાન નહોતો આપતો. તત્કાલીન બ્રિટિશ અને અમેરિકી સમાજમાં સ્ત્રીઓની પરિસ્થિતિ પ્રમાણમાં ઘણી નબળી હતી. ખાટલે મોટી ખોડ એવી કે સ્ત્રીઓને કાયદાકીય રક્ષણ પણ નજીવું જ મળતું!

એ વખતે અમેરિકાએ પોતાના બંધારણનો ઘણોખરો હિસ્સો બ્રિટિશ બંધારણ અને સિદ્ધાંતો પર આધારિત રાખેલો. બ્રિટન સહિતના યુરોપિયન દેશો વિશ્વના બીજા દેશોને ગુલામ બનાવીને આખા વિશ્વમાં પોતાનાં થાણા સ્થાપવામાં વ્યસ્ત હતા. એ સમયગાળો `કોલોનિયલ એરા’ ( કે ઈરા) તરીકે ઓળખાય છે. કોલોનિયલ યુગ દરમિયાન ઇસ 1756માં એક લીડિયા ટાફ્ટ નામની એક માત્ર મહિલા એવી હતી, જેણે પોતાના મતાધિકારનો ઉપયોગ કરેલો.

એ સિવાય બીજી કોઈ મહિલા કે ઘટના એવી જડતી નથી, જ્યાં સ્ત્રીઓએ મત આપવાના અધિકારનો ઉપયોગ કર્યો હોય. એ પછી ઠેઠ 1776માં ન્યૂજર્સીએ અમુક માત્રામાં સંપત્તિ ધરાવતા હોય એવા તમામ સ્ત્રી-પુષને મતાધિકાર આપ્યો. બીજા શબ્દોમાં કહીએ તો સંપત્તિ હોય એ જ મત આપી શકે! અઢારમી સદીના છેલ્લ્ાા દશકમાં તમામને મતાધિકાર આપતો કાયદો બન્યો ખરો, પણ 1807માં ફરી એક વાર સ્ત્રીઓ પાસેથી મતાધિકાર છીનવી લેવાયો!

એક વાર અધિકાર આપ્યા બાદ છીનવી લેવાય એ જરા વધારે પડતું હતું, પણ આવું થયું એની પાછળ જવાબદાર છે તત્કાલીન સમાજવ્યવસ્થા. અમેરિકી સમાજને લાગતું હતું કે સ્ત્રીઓને મતાધિકાર આપવાનો વિચાર અત્યંત આત્યંતિક અને ઉગ્રવાદી (extremist) છે! ત્યાં ઠેઠ અઢારમી સદીથી મહિલાઓ પોતાના મતાધિકાર માટે લડતી રહી. દશકાઓ લાંબા આ સંઘર્ષમાં લેખિત રજૂઆતો, પ્રવચનો, બૌદ્ધિકો વચ્ચેની જાહેર ચર્ચાઓ, વિવિધ પત્રોમાં છપાતા લેખોથી માંડીને ભૂખ હડતાલ, ધરણા અને પ્રદર્શનો સુધીના તમામ ઉપાય અજમાવી લેવામાં આવ્યા . સામે પક્ષે સ્ત્રીઓને મતાધિકાર આપવાના વિરોધીઓ પણ એડી ચોટીનું જોર લગાવી રહ્યા હતા.

Also read : સિંગાપોર – પરંપરા ને આધુનિકતાનો સમન્વય

મતાધિકારની તરફેણ કરાનારા લોકોને જાહેરમાં ઉતારી પાડવાથી માંડીને જેલમાં નાખવા સુધીના રસ્તા અપનાવવામાં આવ્યા. તેમ છતાં યેન કેન પ્રકારેણ આ લડત ચાલુ રહી. એમાં વળી તરફેણ કરનારા અમુક લોકોએ પોતાની પદ્ધતિ બદલી. આખા અમેરિકામાં લડવું એના કરતાં એક પછી એક રાજ્યોની સરકારોને સમજાવવાનું સહેલું હતું એટલે એ દિશામાં કામ શ થયું. એ વખતે અમેરિકામાં કુલ 48 રાજ્ય હતાં. એમાંથી જો ત્રણ ચતુર્થાંશ રાજ્ય એટલે કે 36 રાજ્ય સ્ત્રીઓને મતાધિકાર આપવાનું નક્કી કરે તો આ બહુમતીના જોરે બંધારણમાં સુધારો કરીને આખા દેશમાં સ્ત્રીઓને મતાધિકાર આપી શકાય.

દાયકાઓની લાંબી આ લડતમાં સ્ત્રીઓને મતાધિકારની તરફેણ કરનારા કેટલાય લોકોનું જીવન પૂં થઇ ગયું. તેમ છતાં સારી બાબત એ હતી કે નવા નવા લોકો આ મુદ્દા સાથે જોડાતા ગયા. 1920 નો ઉનાળો આવતા સુધીમાં અમેરિકાના 35 રાજ્ય સ્ત્રીઓને મતાધિકાર આપવા રાજી થઇ ગયાં. એક સમયે સ્ત્રીઓને મતાધિકાર આપવાના વિરોધી એવા તત્કાલીન અમેરિકી પ્રમુખ વુડ્રો વિલ્સનનો દ્રષ્ટિકોણ પણ સમયાંતરે બદલાયો અને એ ય તરફેણ કરતા થયા. આમ છતાં અસરકારક બહુમતી માટે હજી એક રાજ્ય ખૂટતું હતું અને પેલા હેરી ટી. બર્ન નામના પુષ વિષેની વાત પણ બાકી જ છે..

હવે પછી આખી વાતમાં જોરદાર વળાંક આવે છે. બાકી રહેલા 13 પૈકીનાં અનેક રાજ્યોએ આને લઈને પોતપોતાની એસેમ્બ્લીમાં ચૂંટણીઓ યોજવાની ના પાડી દીધી, પણ ટેનેસી રાજ્ય તૈયાર થઇ ગયું. જો સ્ત્રીઓને મતાધિકાર મુદ્દે ટેનેસી રાજ્યના ધારાસભ્યો ચૂંટણી કરે, અને એમાં મતાધિકારની તરફેણ કરનારા મત વધુ હોય, તો ટેનેસી મતાધિકારની તરફેણ કરનાં છત્રીસમું રાજ્ય બને. એ સાથે જ બંધારણમાં સુધારો કરવાનો માર્ગ મોકળો થઇ જાય.

હવે દૃશ્યમાં આવે છે હેરી બર્ન. માત્ર ચોવીસેક વર્ષનો હેરી એ સમયે ટેનેસીની ધારાસભામાં ચૂંટાયો હતો.. એની છાપ સ્ત્રી મતાધિકારના કટ્ટર વિરોધી તરીકેની! એ જે મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરતો હતો ત્યાંના લોકોય એવા જ. જોકે, આ હેરીની માતા શિક્ષિકા હતાં. મતદાન થવાનું હતું એ પૂર્વે માતાએ પોતાના દીકરાને પત્ર લખ્યો. એમાં સ્ત્રી મતાધિકારની તરફેણમાં કેટલુંક લખ્યું, પણ એમણે છેલ્લે લખેલું વાક્ય સૌથી ચોટદાર હતું: `ડોન્ટ ફરગેટ ટુ બી અ ગુડ બોય. એક ઉમદા માનવી બનવાનું ભૂલતો નહિ!’

કદાચ આ વાક્ય હેરીને અસર કરી ગયું. મતદાન થયું. પરિણામ આશ્ચર્યજનક હતું. ટેનેસીના ધારાસભ્યોએ સ્ત્રી મતાધિકારની તરફેણમાં અને વિરોધમાં સરખેસરખા મતો આપેલા. માત્ર એક વધારાનો વોટ સ્ત્રીને મતાધિકાર આપવાની તરફેણમાં પડ્યો અને આ વોટ રાજકારણમાં લબરમૂછિયા ગણાતા હેરી ટી. બર્નનો હતો!

હેરીના આ એક મતને પ્રતાપે ટેનેસી સ્ત્રી મતાધિકારની તરફેણ કરનાં છત્રીસમું રાજ્ય બન્યું. એ સાથે જ ત્રણ ચતુર્થાંશ બહુમતી સિદ્ધ થતા અમેરિકન બંધારણમાં ઓગણીસમો સુધારો કરવામાં આવ્યો અને અમેરિકન સ્ત્રીઓને મતાધિકાર પ્રાપ્ત થયો! એક માતાના એક વાકય અને એના પુત્રના એક મતથી અમેરિકન સ્ત્રીઓનું ભાગ્ય પણ પલટાઈ ગયું !

Also read : ભારતીય વિજ્ઞાનની નવી મંજિલ AI – આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ 

મા જ્યારે તમને `ગુડ બોય’ બનવાની સલાહ આપે, ત્યારે એ સીધાસાદા શબ્દોમાં ઇતિહાસ બદલવાની ક્ષમતા હોય છે!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button