વીક એન્ડ

શરદ જોશી સ્પીકિંગ : NRI લોકોની દુનિયા: કિતને પાસ… કિતને દૂર

  • સંજય છેલ

(આજે ગેરકાયદે ઘૂસેલા NRI લોકોને અમેરિકાથી બેડીઓ પહેરાવીને પાછા મોકલામાં આવી રહ્યા છે ત્યારે 36 વરસ પહેલાનાં શરદજીના આ લેખમાં વ્યકત થયેલી ત્યારની પરિસ્થિતિ અને આજની સ્થિતિ તમને અદલોદલ લાગશે!)

જે NRI અર્થાત્‌‍ વિદેશ વસતા ભારતીય લોકો અને અહીં દેશમાં રહેતા ભારતીયો સાથેની દૂરી અને નિકટતા આપણે માપીને જોવી જોઈએ.

કોણ જાણે એ કેટલા ભારતીય છે કે કેટલા વિદેશી છે? આપણે એમની પાસે એ જ આશા રાખીએ કે એ જ્યાં પણ હોય, જે પરિસ્થિતિમાં હોય, ભારતનાં નામની માળા જપતા રહે! ત્યાં ભૂખે મરે તો એ એમનું નસીબ. જો એ ત્યાં કમાશે તો એમણે આપણને તરત મનીઓર્ડર મોકલવો પડશે. જેવી રીતે ગામમાં બેઠેલો બૂઢ્ઢો બાપ મોટાં શહેરમાં સંઘર્ષ કરતા છોકરા પાસેથી મનીઓર્ડરની આશા રાખે છે, એવી જ રીતે વિદેશમાં રહેલા ભારતીયો ભારત માટે નાની-મોટી બેંક છે. એમાં દરેક વ્યક્તિ કાં તો વિજય માલ્યા હોય અથવા એમનામાં વિજય માલ્યા બનવાની શક્યતા હોય છે. એમાં જો કોઈ વૈજ્ઞાનિક હોય તો એ રાષ્ટ્રીય ભાવનાથી પ્રેરિત હોય. એ ભારત પાછો આવી જાય અને ઓછા પગારમાં આપણી નોકરી સ્વીકાર કરે. એમાં જો મજૂર હોય તો એ ત્યાં વધારેમાં વધારે ત્યાં રહીને દિવસો કાઢે, જેથી દેશમાં બેરોજગાર લોકોની ભીડ થોડી ઓછી થાય.

આ પણ વાંચો: શરદ જોશી સ્પીકિંગ : દિલ્હી એટલે ભારત, ભારત એટલે દિલ્હી

હા, જો એ વેપારી કે ઉદ્યોગપતિ હોય તો એ કાયમ ભારત આવતો જતો રહે. એ વેપારની કમાઇ ત્યાં કરે અને ખર્ચ અહીં ભારતમાં કરે. ત્યાં પૈસા બનાવે અને અહીં ભારતમાં રોકાણ કરે.

આપણે ભારતની બહાર સ્થાયી થયેલા ભારતીયો સાથે બસ સારા સંબંધો રાખવા માગીએ છીએ. આપણને એમના જીવનની મીઠાશમાં ભાગ જોઈએ છે , પણ એમના જીવનની કડવાશને નકારવા માગીએ છીએ. જો એ લોકોએ વિદેશી નાગરિકતા લઈ લીધી હોય તો પણ આપણે એમને ભારતના નાગરિક જ માનીએ છીએ. જ્યારે આપણા નેતાઓ વિદેશ જાય છે ત્યારે હરખઘેલી આ NRI પ્રજા નેતાનો અને ભારતનો જય-જયકાર કરવા ભેગા થાય. એ શાહરૂખ ખાનને જોવા ભીડ જમા કરે. સોનુ નિગમ કોનસર્ટ કરવા આવે તો હોંશે હોંશે ટિકિટ ખરીદે. જ્યારે આપણી ક્રિકેટ ટીમ વિદેશ પ્રવાસે જાય ત્યારે ત્યાં રહેતા ભારતીયોએ એમનું બધું કામ છોડીને સ્ટેડિયમમાં જઈને ટીમનો ઉત્સાહ વધારવો જોઈએ.

આ પણ વાંચો: શરદ જોશી સ્પીકિંગ: ન મળેલી ઉધારીની ઉપાધિ

આમ વિદેશમાં વસતા ભારતીયો પાસેથી અમને ઘણી અપેક્ષાઓ છે. ભારતમાં વસેલા નાગરિકો કરતાં વિદેશમાં વસેલા નાગરિકો પાસે આપણે વધારે અપેક્ષાઓ રાખીએ છીએ, પણ જ્યારે આરબ દેશોમાં ગરીબ ભારતીય મજૂરોની કમાઈ અને પાસપોર્ટ છીનવી લેવામાં આવે છે, જ્યારે ભારતમાંથી ગયેલી છોકરીઓની ત્યાં દુર્દશા કરવામાં આવે છે, ત્યારે આપણે ચૂપ રહીએ છીએ. જ્યારે આફિકન દેશોમાં ભારતીયોના જીવ પર સંકટ આવે છે ત્યારે પણ આપણે ચૂપ રહીએ છીએ. આપણને ત્યારે એ ડિપ્લોમેટિક સંબંધનો વિચાર આવે છે જે બે દેશોની વચ્ચે હોય છે એટલે આપણો સૂર નથી બદલાતો, શબ્દો નથી બદલાતા, બસ આપણે આંખ બંધ કરી લઈએ છીએ! આપણને આરબ લોકોના પૈસા જોઈએ. એમની અનૈતિકતા એમનો મામલો છે. પછી ભલેને જ્યારે શ્રીલંકામાં તમિલોની હત્યા થાય છે ત્યારે આપણે ક્રિકેટ પ્રવાસની તૈયારીઓ કરીએ છીએ. એ તમિલો જ્યારે મરે છે ત્યારે શ્રીલંકાના તમિલ થઈ જાય છે. પારકા તમિલ, દૂરના તમિલ. જ્યાં સુધી એ લોકો જીવે છે ત્યાં સુધી એવું ઇચ્છે કે ત્યાંના તમિલો ભારત- પોતાના ઘરે પૈસા મોકલતા રહે. ભારત આવે, તીર્થયાત્રા કરે, ભારતમાં ખૂબ ખર્ચ કરે. મતલબ કે વિદેશમાં કમાયેલી પૂંજી ભારતમાં આવીને બેફામ રીતે ખર્ચે, પણ જ્યારે એમની વિદેશમાં હત્યા થાય ત્યારે આપણે ચૂપ રહીએ છીએ, કારણ કે આપણાં માટે આખરે તો એ લોકો બીજા દેશના નાગરિક જ છેને?

આ પણ વાંચો: શરદ જોશી સ્પીકિંગ ઃ છાપરા પર વાગતું વાયોલિન…

ટૂંકમાં જે લાભ પહોંચાડે એ ભારતીય. જે દુ:ખી હોય, સમસ્યા ઊભી કરે, એ પરદેશી. અમને એમનાથી શું લેવા-દેવા? બરોબર ને?

(મૂળ લેખ 1989)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button