આપણું ગુજરાતઆમચી મુંબઈટોપ ન્યૂઝમહારાષ્ટ્ર

મહારાષ્ટ્રની ભાષા મરાઠી જ, પરંતુ આ મુદ્દે રાજકારણ ન થવું જોઈએ

તંત્રી નિલેશ દવે

મહારાષ્ટ્રની ભાષા મરાઠી જ છે અને તેમાં કોઈ પ્રકારનો વિવાદ હોઈ જ ન શકે. આરએસએસના ભૈયાજી જોશીએ ક્યા પરિપ્રેક્ષ્યમાં આ નિવેદન આપ્યું છે તે સમજવાની આવશ્યકતા છે. તેમનો કાર્યક્રમ જ્યાં હતો તે ઘાટકોપરનો વિસ્તાર ગુજરાતી બહુલ વિસ્તાર છે અને મુંબઈમાં આવા કેટલાક ગુજરાતી બહુમતી ધરાવતા વિસ્તારો છે અને આ મુદ્દે તેમણે માફી પણ માગી લીધી હોવા છતાં જે રીતે વિપક્ષ દ્વારા આ મુદ્દે રાજકારણ કરવામાં આવી રહ્યું છે તે અયોગ્ય છે.

જન્મથી મુંબઈમાં રહેલા અથવા તો રોજગાર માટે મુંબઈ/મહારાષ્ટ્રમાં આવેલા બધા જ લોકોએ મરાઠી શીખવું જ જોઈએ. ગુજરાતના વડોદરા, સુરત અને અમદાવાદમાં વસતા મરાઠીઓ બહુ જ સુંદર ગુજરાતી બોલી પણ શકે છે અને લખી પણ શકે છે. આ જ બાબત મહારાષ્ટ્રમાં રહેતા ગુજરાતીઓને પણ લાગુ પડે છે. મરાઠી ભાષા આપણી ભાષા છે એમ સમજી જ લેવું જોઈએ. દેશના જે રાજ્યમાં તમે વસવાટ કરો તે રાજ્યની ભાષા તમારે શીખવી જ પડે, એના પર કોઈ વિવાદ થઈ જ ન શકે.
મહારાષ્ટ્રમાં અનેક ગુજરાતી રાજકારણીઓ છે, જેઓ ફાંકડું મરાઠી બોલે છે. એ ભાષા વાંચી-લખી અને સમજી શકે છે. કિરીટ સોમૈયા, પ્રકાશ મહેતા, યોગેશ સાગર, દિલીપ પટેલ, નયના શેઠ, અતુલ શાહ, ઉપેન્દ્ર દોશી, અમીન પટેલ, જગદીશ ઓઝા, રાજુલ પટેલ જેવા કેટલાય વર્તમાન અને ભૂતકાળના આવા નેતાઓ છે.

આ પણ વાંચો: ભૈયાજી જોશીની મરાઠી ભાષા પર સ્પષ્ટતા, ‘મારું નિવેદન ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું’

હાલમાં જે રીતે ઉદ્ધવ ઠાકરે અને આદિત્ય ઠાકરે ગુજરાતી વિરોધના મુદ્દે તીખા તેવર લઈ રહ્યા છે ત્યારે એક વાતનો ઉલ્લેખ કરવો ઘટે કે 1996માં જ્યારે પહેલી વખત મહારાષ્ટ્રમાં યુતિની સરકારનું સ્થાપન થયું હતું ત્યારે રાજ્યના ગૃહ ખાતાના પ્રધાન ગજાનન કીર્તિકરે ચર્ચગેટની રિટ્ઝ હોટલમાં ગુજરાતી પત્રકારો માટે વિશેષ પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું અને તેમાં હું પોતે હાજર હતો. કીર્તિકરે આ વખતે ગુજરાતી પત્રકારોને જે કહ્યું તેના પરથી અંદાજ આવી શકશે કે બાળ ઠાકરેને કેમ બધા પ્રેમ કરતા હતા. તેમનું કદ કેટલું ઊંચું હતું. યુતિની સરકાર આવ્યા પછી રાજ્ય સરકારે મરાઠી ભાષાના પત્રકારોને 10 ટકા ક્વોટાના ફ્લેટોની ફાળવણી કરી હતી અને ત્યારે બાળ ઠાકરેએ કીર્તિકરને બોલાવીને કહ્યું હતું કે મુંબઈમાં ગુજરાતી પત્રકારો પણ છે.

તેમને પણ આવી જ રીતે ફાળવણી થવી જોઈએ. ગુજરાતી-મરાઠી ભેદ ન થવો જોઈએ. બાળ ઠાકરેએ ક્યારેય ગુજરાતીઓનો વિરોધ કર્યો નહોતો, પરંતુ આજે તેમના વંશજો આવીને જે રીતે દ્વેષભાવ ફેલાવે છે તેને જોઈને ભારે દુ:ખ થાય છે. વાસ્તવમાં સ્થિતિ એવી છે કે રાજ્યના રાજકારણમાં અત્યંત નબળી સ્થિતિ થઈ ગઈ હોવાથી આવા મુદ્દાઓ પકડીને મોટા પાયે રાજકારણ કરવામાં આવી રહ્યું છે અને આ અત્યંત ખરાબ બાબત છે. નાની વાત પર મોટો વિવાદ કરવો યોગ્ય નથી. મુંબઈના અનેક પત્રકારો સારું મરાઠી બોલે-વાંચે-સમજે છે. બંને ભાષાઓ વચ્ચે અત્યારે સારા પ્રમાણમાં આદાનપ્રદાન થઈ રહ્યું છે.

આ પણ વાંચો: આપણી ખરી ઓળખ… આપણી માતૃભાષા!

આ સ્થિતિને બગાડવાની કોઈ જ આવશ્યકતા નથી, પરંતુ ટુંકા રાજકીય હેતુઓ માટે આવું કરવામાં આવે છે.
જેમની પાસે બીજા કોઈ મુદ્દા નથી, જેમને લોકોએ નકારી કાઢ્યા છે તેઓ આવા વિવાદ કરી રહ્યા છે. ગુજરાતી નાટકો-મરાઠી નાટકો, ગુજરાતી ફિલ્મો-મરાઠી ફિલ્મો વગેરેમાં ગુજરાતી મરાઠી કલાકારો ભેગા છે. મુંબઈમાં બધા ભેગા છે અને ક્યાંય આવો વિવાદ નથી, અનેક મરાઠી સંસ્થાઓમાં મરાઠી યુવકો કાર્યરત છે, તો અનેક મરાઠી સંસ્થાનોમાં ગુજરાતીઓ કાર્યરત છે. બંને વચ્ચે કોમ વચ્ચે સૌહાર્દપૂર્ણ વાતાવરણ છે જે માત્ર અને માત્ર વોટ બેંકના રાજકારણ ખાતર કેટલાક લોકો બગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. મુંબઈના ગુજરાતીઓ અને મરાઠીઓએ પણ સમજવાની જરૂર છે કે આપણે બધા જ ભારતીયો છીએ. બાળ ઠાકરેએ પણ હિંદુત્વની વાત કરી હતી. તેમને હિંદુહૃદયસમ્રાટનું બિરુદ મળ્યું હતું. છત્રપતિ શિવાજી મહારાજે પણ દેશમાં હિંદવી સ્વરાજ્યની સ્થાપના કરી હતી. હિંદુ અને સનાતનની એકતાને માટે આવા વિવાદોથી દૂર રહેવાની આવશ્યકતા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button