મુંબઈના નાળાઓની સફાઈ આવતા સપ્તાહથી શરૂ થશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ચોમાસાની તૈયારીમાં બૃહનમુંબઈ મહાનગરપાલિકા લાગી પડ્યું છે અને આના ભાગરૂપે શહેરના નાનાં નાળાંઓની સફાઈ આવતા અઠવાડિયાથી અને મોટાં નાળાંઓની સફાઈ ૧૫ માર્ચથી શરૂ થઈ જશે. અલબત, મીઠી નદીને મામલે હાઈ કોર્ટમાં ચાલી રહેલુ સુનાવણી પણ આદેશ આવ્યા બાદ તેની સફાઈનું કામ હાથ ધરવામાં આવશે એવું ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું. નાળાસફાઈનું કામ ચોમાસા પહેલા ૭૫ ટકા, ચોમાસામાં ૧૫ ટકા અને ચોમાસા બાદ ૧૦ ટકા એમ ત્રણ તબક્કામાં કરવામાં આવે છે. પાલિકાનું લક્ષ્યાંક ૩૧ મે સુધી મુંબઈના નાળાઓની ૭૫ ટકા સફાઈ કરી નાખવાનું છે.
નાળાસફાઈમાં કોઈ કચાશ બાકી રહે નહીં તે માટે વિડિયો રેકોર્ડિંગથી લઈને અત્યંત બારીકાઈથી નાળાસફાઈ પર ભાર આપવામાં આવશે જેથી કરીને ચોમાસામાં મુંબઈ પાણીમાં ડૂબશે નહીં એવો દાવો પણ ઉચ્ચ અધિકારીએ કર્યો હતો.
ચોમાસામાં વરસાદી પાણી મુંબઈમાં ભરાઈ નહીં તે માટે દર વર્ષે ચોમાસા પહેલા નદી અને નાળાઓને સાફ કરવાનું કામ કરવામાં આવે છે. મુંબઈના નાનાં નાનાં નાળા, મોટા નાળા, રસ્તાને લાગીને આવેલા વરસાદી પાણીનો નિકાલ કરનારી ગટરમાં માટી, કચરો વગેરે જમા થવાને કારણે ચોમાસામાં પાણી ભરાઈ જવાની સમસ્યા ઉદ્ભવતી હોય છે. તેથી દર વર્ષની માફક આ વર્ષે પણ નાળાસફાઈના કામ માટે આગામી બે વર્ષ માટે કુલ ૨૬ ટેન્ડર ઝોન પ્રમાણે મગાવવામાં આવ્યા હતા, તેમાંથી બે વર્ષ માટે કુલ ૫૮૦ કરોડ રૂપિયાનો ખર્ચ થવાની શક્યતા છે.
Also read: નાળામાં કચરો ફેંકનારાને ભરવો પડશે દંડ
કોર્ટના નિર્ણય બાદ મીઠી સાફ થશે
મીઠી નદીનો પટ અનેક ઠેકાણે સાંકડો છે. તેને ધ્યાનમાં રાખીને નદીમાંથી કાદવ-કીચડ કાઢવા માટે ૩૫ મીટર લાંબો બ્રૂમ તેમ જ ૧.૫ ક્યૂબિક મીટર ક્ષમતાની બકેટ ધરાવતી પોકલેન મશીન વાપરવામાં આવશે. પરંતુ હાલ ટેન્ડર પ્રક્રિયા ફાઈનલ થઈ નથી. તેમ જ મંગળવારે કોર્ટમાં મીઠી નદીને લગતા કેસ પર સુનાવણી બાદ પાલિકા આગળનો નિર્ણય લેશે એવું ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું.