બ્રાઝિલની મહિલાના પેટમાંથી કોકેન ભરેલી 100 કૅપ્સ્યૂલ્સ મળી: 11 કરોડનું કોકેન જપ્ત

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: બ્રાઝિલથી આવેલી માહિલાના પેટમાંથી કોકેન ભરેલી 100 કૅપ્સ્યૂલ્સ મળી આવતાં જપ્ત કરાયેલા કોકેનની કિંમત અંદાજે 11 કરોડ રૂપિયા હોવાનું ડીઆરઆઈના અધિકારીએ જણાવ્યું હતું.
મળેલી માહિતીને આધારે ડિરેક્ટરેટ ઑફ રેવેન્યૂ ઈન્ટેલિજન્સ (ડીઆરઆઈ)ના અધિકારીઓએ સાઉ પાઉલોથી આવેલી મહિલાને મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનૅશનલ ઍરપોર્ટ પર રોકી હતી. ડ્રગ્સની તસ્કરીની શંકા પરથી મહિલાના સામાનની તપાસ કરવામાં આવી હતી. જોકે તેના સામાનમાંથી ડ્રગ્સ મળ્યું નહોતું.
અધિકારીઓએ કરેલી પૂછપરછમાં મહિલાએ કબૂલ્યું હતું કે તે ડ્રગ્સ ભરેલી કૅપ્સ્યૂલ્સ ગળીને ભારત આવી છે. તસ્કરીને ઇરાદે કોકેન ભરેલી 100 કૅપ્સ્યૂલ્સ મહિલા ગળી ગઈ હતી.
આપણ વાંચો: મુંબઇથી 1.5 કરોડનું કોકેન ગુજરાત પહોંચ્યા પૂર્વે એસએમસીનો સપાટો; નાઈજિરિયન મહિલા પકડાઈ
કોર્ટની પરવાનગીથી મહિલાને જે. જે. હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં તેના પેટમાંથી 100 કૅપ્સ્યૂલ્સ બહાર કાઢવામાં આવી હતી. કૅપ્સ્યૂલ્સમાંથી 1,096 ગ્રામ કોકેઈન મળી આવ્યું હતું, જેની કિંમત અંદાજે 11 કરોડ રૂપિયા હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. મહિલા વિરુદ્ધ એનડીપીએસ ઍક્ટ હેઠળ ગુનો નોંધી કોકેન જપ્ત કરવામાં આવ્યું હતું.
મહિલા ભારતમાં આ ડ્રગ્સ ક્યાં પહોંચાડવાની હતી અને તેણે ડ્રગ્સ ક્યાંથી પ્રાપ્ત કર્યું હતું તેની તપાસ અધિકારીઓ કરી રહ્યા છે. ગુનામાં સંડોવાયેલા મહિલાના સાથીઓની વિગતો પણ મેળવવામાં આવી રહી છે.