ગમગીનીએ આપી ગઝલ ગઝલે બક્ષી કામયાબી !

મુલાકાત – ભરત ઘેલાણી
`મઝા લેના હૈ પીને કા તો કમ કમ ધીરે ધીરે પી…’ ઢળતી મધરાતે એક નશીલો સ્વર મારા ટેપરેકોર્ડર પર ગુંજે છે. સ્વર જાણીતો છે… પંકજ ઉધાસનો! ગીત જાણીતું છે સ્વર્ગસ્થ કવિ શેખાદમ આબુવાલાનું, પણ એ ગીતના શબ્દો અને ગાયકીનું મિશ્રણ વધુ માદક છે. વ્હિસ્કીનું ટીપું સપનામાંય ચાખ્યું ન હોય એને પણ બે-ત્રણ પેગની મદહોશીમાં ખેંચી જાય એવું માદક! ગઝલ ગાયકીમાં લોકપ્રિયતાની દૃષ્ટિએ અમિતાભ બચ્ચન જેવા મેગા સ્ટાર પુરવાર થનારા એવા ગુજરાતી ગાયક પંકજ ઉધાસની મુલાકાત લેવા બેસો ત્યારે તમારે ઉપરોક્ત ગઝલ જ ધ્યાનમાં રાખવી પડે : `મઝા લેના હૈ પીને કા તો કમ કમ, ધીરે ધીરે પી!’ ઈન્સ્ટન્ટ કોફી જેવા ઉભડક ઈન્ટરવ્યૂ લેવા પંકજ પાસે જનારે નિરાશ જ થવું પડે. બરાબર પૂરતો સમય લઈ બેઠક જમાવો તો જ મુલાકાતની મહેફિલનો ખરો માહોલ જામે!
પંકજ ઉધાસ સાથેની મારી પ્રથમ મુલાકાત વખતે આવું જ થયું હતું. મેં વર્ષો પહેલાં એમનો પ્રથમ ઈન્ટરવ્યૂ લીધો હતો. મુલાકાતનો એ પહેલો દૌર હતો 11 ફેબ્રુઆરી, 1987ની સાંજે. એ દિવસ મને એટલા માટે યાદ છે કે મારી ડાયરીમાં એની નોંધ છે. પંકજ ઉધાસને પણ એ દિવસ મોઢે, કારણ કે એ દિવસે ઉધાસ દંપતીની પાંચમી લગ્નતિથિ હતી ! પત્ની ઉપરાંત પ્રાઈવેટ સેક્રેટરીની પણ ફરજ બજાવતી ફરિદાએ પંકજની એપોઈન્ટમેન્ટ ડાયરીનાં પાનાં ઉથલાવતી વખતે મને કહ્યું હતું : `આજે અમારી ફિફ્થ મેરેજ એનિવર્સરી છે- કાલથી સાઉથની ટુર ને એ પછી યુરોપની બે મહિનાની ટૂરમાં પંકજ બહુ વ્યસ્ત રહેશે…!’ એ દિવસોમાં પંકજ ઉધાસનું નામ ધીરે ધીરે જાણીતું થઈ રહ્યું હતું -દેશ કરતાં વિદેશોમાં વધુ! અમારો આ પહેલો ઈન્ટરવ્યૂ થયો ચારેક મહિનાના તબક્કામાં એમની ત્રણ વિદેશ યાત્રાની વચ્ચે વચ્ચે જયારે એ સ્વદેશ પરત ફરે તે દરમિયાન !
ગયા વર્ષે 26 ફેબ્રુઆરીના પોતાના શ્વાસની અને પોતાની ગઝલદુનિયા સંકેલી લીધી એવા પંકજ ઉધાસની આજે તો સુપર સફળતાની અનેક ગાથાઓ જાણીતી છે, પણ એમની સાથેના આ એક દીર્ઘ ઈન્ટરવ્યૂ (આશરે 6000 શબ્દો!)માં પંકજભાઈએ એમના બાળપણની જાહોજહાલીની વાત-એ વખતે થયેલી ઈજાને કારણે પગ કપાવવો પડે એવી ગંભીર બીમારીમાંથી માતા જીવતીબહેને લીધેલી બાધા-આખડી અને રાજકોટના કોઈ `બાબા’ વૈદ્યનો બે રૂપિયાના લેપથી કઈ રીતે ઉગરી ગયાથી લઈને જેતપુર-રાજકોટ-મુંબઈના સ્થળાંતર ઉપરાંત સંગીતની દુનિયાની પ્રાથમિક સંઘર્ષની આજે પણ અજાણી રહેલી બહુ બધી વાત એમણે અમારી એ મુલાકાતમાં નિખાલસપણે કહી હતી…
મોટા ભાગની સફળ વ્યક્તિ પોતાની નિષ્ફળતાની વાત બાજુએ ધકેલીને પોતે કઈ રીતે સુપરહિટ પુરવાર થઈ તેની જ વાતો વધુ વાગોળવાના મૂડમાં હોય છે. સફળતા પણ નશા જેવી છે. એનો હેન્ગઓવર બહુ લાંબો ચાલે, પણ પંકજભાઈને એવું નહોતું. સફળતા કરતાં એને ક્યાં ક્યાં નિષ્ફળતા સાંપડી અને સંઘર્ષના એ દિવસો કેવા હતા એની વાતો કહેવાનું એમને વધુ ગમતું. પેશ થતી ગઝલના પ્રત્યેક લબ્ઝ કે અલફાઝ (શબ્દો) જબાને હોય તેમ સંઘર્ષમય ઘટનાઓ પણ એમને અદ્લોદલ મોઢે…પોતાની સફળ ગઝલ ગાયકી કરતાં ગર્દિશ (બદકિસ્મતી)ના એ કપરા દિવસો એણે કાળજે કોતરી રાખ્યા હતા…
`બેકારીના એ દિવસોમાં હું ચોતરફ હવાતિયાં મારતો, પણ નિષ્ફળતા સિવાય કશું જ હાથમાં આવતું નહીં અને આજે જે રિદ્ધિ- સિદ્ધિ મળી છે, છતાં પેલા દિવસો એટલા માટે યાદ રાખું છું કે આજની મારી આ સફળતા પર ટકી રહેવા માટે મારા સંઘર્ષના એ દિવસોએ જ `ટોનિક’નું બળ આપ્યું હતું.’ આ શબ્દો છે પંકજ ઉધાસના!
*************
`જો કે બચપણમાં અમારે કોઈ વાતનું દુ:ખ નહોતું.’ જેતપુરમાં જન્મેલા પંકજ બાળપણના એ દિવસો હજુ ગઈ કાલે જ વીત્યા હોય તેમ ત્યારની કેટલીક ઘટના તાદૃશ્ય કરતો કહેતા: `નાનપણનાં ચાર વર્ષ જેતપુરમાં ગાળ્યાં. બાપુજીની સરકારી નોકરી હતી, પણ દાદા ભાવનગર સ્ટેટના વહીવટદાર હતા…. એ વખતે અમારી સ્થિતિ બહુ જ સધ્ધર… સારી એવી જમીન ને સુખી કુટુંબ. એ જમાનામાં દાદા કુશળ વહીવટદાર તરીકે પંકાયેલા, સ્ટેટ તરફથી છ ઘોડાનો સિગરામ એમને મળેલો. એ સિગરામનો મોભો આજની `રોલ્સરોયસ’ જેવો. દાદાને ઘેર જતાં ત્યારે બપોરે એ સિગરામમાં અમે પકડદાવ રમતા!’
પંકજ શરૂઆતના દિવસો યાદ કરીને જ્યાં જ્યાં `અમે’નો ઉલ્લેખ કરે ત્યારે સમજી લેવાનું કે આ `અમે’ એટલે એના બન્ને મોટા ભાઈ મનહર અને નિર્મલ…એ ત્રણેય ભાઈ બાળપણથી જ એકબીજાથી અત્યંત નિકટ… ભાઈ કરતાં ગોઠિયા જેવા વધુ.
ત્રણે ભાઈ વચ્ચે કોઈ બહેન નહીં. બહેન ન હોવાનો અજંપો પંકજને બહુ પજવતો… જેતપુરથી પિતાની બદલી રાજકોટ થઈ ત્યારે સમજણો થયો એ વખતની પહેલી ફિલ્મ જોઈ `નાગીન’! `નાગીન’ એટલા માટે આજે પણ યાદ છે કે બાપુજી અમને બધાને ઘોડાગાડીમાં એ ફિલ્મ જોવા લઈ ગયેલા!’
`નાગીન’ની સાથે પંકજને એના એક પડોશીની લતા નામની દીકરી પણ યાદ છે. લતાને ગાવાનો શોખ. એ વખતનું હિટ ગીત: `મેરા દિલ એ પુકારે આ જા…’ લતાનું બહુ પ્રિય. પંકજ એના ઘેર રમવા જતો અને ઘરમાં કોઈ હોય નહીં ત્યારે પેલી લતા આપણા પંકજ પાસે વારંવાર એ ગીત ગવડાવતી રહી અને પંકજ ગીતના શબ્દોનો અર્થ જાણ્યા વગર ગરબડિયા સ્વરમાં ગાંગર્યા કરે : `મેરા દિલ એ પુકારે આ જા…!’ એ વાત કહેતી વખતે સહેજ લજવાઈ જતાં પંકજ અમને કહે: `મારી પાસે વારંવાર આ ગીત ગવડાવનારી લતા પાછી મારા પર બહુ ખીજવાતી પણ ખરી, કારણ કે મને `પુકારે’નો ઉચ્ચાર બરાબર ફાવતો નહોતો.’ આમ કહેનારા પંકજ પાછળથી ગઝલના ઉર્દૂ લબ્ઝના સ્પષ્ટ અને સાચ્ચા ઉચ્ચાર બદલ પંકાયા !
પડોશીની પુત્રી સામે ગાયેલા એકના એક ગીત સિવાય એ દિવસોમાં પંકજને સંગીતનો `સ’ કઈ દિશામાં આવ્યો એનું પણ ભાન નહોતું. એ માટે કોઈ દિલચસ્પી પણ નહોતી. હા, મોટા ભાઈ મનહરને એ વખતે ગાવાનો થોડો શોખ ખરો… જ્યારે નિર્મલને ફિલ્મો જોવાનો ગાંડો શોખ. બીજી તરફ મનહર – નિર્મલની જોડીએ શાસ્ત્રીય સંગીતનું રીતસરનું સંગીતશિક્ષણ લેવા માંડ્યું હતું. એ બેલડીએ નાના-મોટા કાર્યક્રમોમાં પણ ભાગ લેવા માંડ્યો હતો. સુરીલા કંઠ ઉપરાંત મોટા બન્ને ભાઈ ભણવામાંય નિપુણ…નાની-મોટી સ્પર્ધામાં અને ગરબીમાં ઈનામો જીતી લાવતા… `બન્ને મોટા ભાઈ અભ્યાસ ઉપરાંત આવા પ્રોગ્રામમાં જતા થયા જ્યારે હું ક્રિકેટ રમવામાં અને ભમરડા ફેરવવામાં ઉસ્તાદ બનતો ગયો. પતંગ પાછળ તો હું પાગલ…’ 1962ની વાત યાદ કરતાં પંકજ કહે છે:
`પતંગ ચગાવતા કે રમતાં પગમાં કંઇક વાગ્યું. પાછળથી ઘા વકર્યો. મોટા મોટા ડોક્ટર આવી ગયા. દવા-ઈન્જેકશનનો મારો ચલાવ્યો. ઊભું ન થઈ શકાય એવી હાલત. સાવ પથારીવશ. `ધનુરવા શરીરમાં ફેલાવા લાગ્યો છે…પગ કપાવવો પડશે !’ એવી કટોકટી ત્યારે સર્જાઈ હતી….’
ત્યાં કોઈએ સૂચવ્યું: રાજકોટના `બાબા’ વૈદ્યનો લેપ ચોપડો અને ત્યાં ચમત્કાર થયો હોય તેમ મા જીવતીબહેનેની માનતા કે પેલા `બાબા’ વૈદ્યના લેપે બે મહિનામાં જ પગના ઘાવને સદંતર ઝાવી દીધો. ત્રીજે મહિને પંકજ ફરી પતંગ ચગાવતો થઈ ગયો!
જો કે, એ બે મહિના પંકજ માટે કારાવાસથીય કપરા હતા. નજરકેદની જેમ ઓરડાના પલંગ પર પડ્યો રહેતો. એ ઓરડાના એક ખૂણે તૂટેલું દિલબા પડેલું. બીમારીના એ દિવસો દરમિયાન ઓરડામાં પડેલું પેલું તૂટેલું દિલબા સતત નજરે ચડ્યા કર્યું તેને કારણે કદાચ પોતાને સંગીતમાં ચિ જાગી હશે એવું પંકજ માનતા. બીમારીમાંથી બેઠા થતાંની સાથે જ મનહર-નિર્મલ બંધુઓના સંગીત પ્રોગ્રામોમાં પંકજે નિયમિત હાજરી આપવાની શરૂઆત કરી દીધી. બન્ને ભાઈને સંગત આપવા તબલાં, ઢોલક પણ એણે શીખી લીધાં. પછી તો એક ગીત પણ સૂરમાં કંઠસ્થ કરી લીધું: `એ મેરે વતન કે લોગોં…
નવરાત્રિના દિવસોમાં પંકજને અનિચ્છાએ એક પ્રોગ્રામમાં પંકજે એ ગીત ગાવું પડ્યું ને એ ગીત ત્યાં સુપરહિટ થઈ ગયું. ચાર-પાંચ હજાર શ્રોતા ઝૂમી ઊઠ્યા… જાહેરમાં પંકજનો એ પ્રથમ પ્રોગ્રામ. ઑડિયન્સમાંથી એક સંગીતપ્રેમીએ ખુશ થઈને સ્ટેજ પર જઈને પંકજને રોકડા 51 રૂપિયાની ભેટ આપી. ગાયક તરીકેની એની કારકિર્દીનો એ પહેલો પુરસ્કાર! એ પછી તો ગઝલગાયક તરીકેની કરિયરમાં પુરસ્કાર-મહેનતાણાના 6-7 આંકડાના ચેક પર નજર માત્ર ફેરવી લેતા પંકજને એ વખતે પેલા એકાવન રૂપિયા પારસમણિ જેવા લાગ્યા હતા !
***********************
વર્ષો ઝડપથી પસાર થઈ રહ્યાં હતાં. મોટાભાઈ મનહરે ભાવનગરની પોલિટેક્નિક કોલેજમાં મેકેનિકલ એન્જિનિયરની ડિગ્રી લીધી, છતાં એમને મુંબઈ આવી પ્લેબેક સિન્ગર તરીકે નસીબ અજમાવવું હતું. એમને મુંબઈમાં સંગીતકાર કલ્યાણજી- આણંદજીભાઈએ બ્રેક આપ્યો. ફિલ્મ ગાયક તરીકે મનહરે ધીરે ધીરે બુલંદી સર કરવા માંડ્યો. મોટા ભાઈની સફળતાથી પ્રેરાઈને નિર્મલ પણ મુંબઈ આવી ગયો,
આ તરફ, એસ.એસ.સી. 75 ટકા માર્ક્સ સાથે પાસ થયેલા પંકજની મંઝિલ હતી ડોક્ટર બનવાની, પરંતુ કોલેજના પ્રથમ વર્ષમાં આવતાં જ ફરી પેલું ગીત-સંગીતનું ચક્કર શરૂ થઈ ગયું. હવે હાર્મોનિયમ પર હાથ જામી ગયેલો. સંગીત સ્પર્ધાઓમાં પારિતોષિકો જીતવા લાગેલા પંકજે ડોક્ટર બનવાની મુરાદને પડતી મૂકી દઈ સંગીતના રંગે રંગાઈ જવાની શરૂઆત કરી દીધી. અંતે બી.એસ.સી. કરવાનું નક્કી કરી પંકજે રાજકોટ છોડી મુંબઈ આવી વિલ્સન કોલેજમાં ઍડ્મિશન મેળવી લીધું…
પંકજ ઉધાસ એ દિવસો યાદ કરતાં કહે: `આ દરમિયાન મલબાર હિલની `જુનિયર જેસિસ’ની એક સ્પર્ધામાં મેં ઝુકાવ્યું. નિર્ણાયક શંકર-જયકિશન બેલડીવાળા જયકિશન હતા. બધાએ ફિલ્મી ગીતો રજૂ કર્યાં અને મેં એક ગઝલ..’ જયકિશને પંકજને પ્રથમ પારિતોષિકને લાયક ઠરાવ્યો ત્યારે `એક ગઝલે પ્રતિષ્ઠા અપાવી તેમાંથી મને અહેસાસ થયો કે ફિલ્મી ગીતોમાં જ દમ હોય છે એવું નથી, ગઝલ ગાયકી ભી કુછ કમ નહીં….’
ગઝલને લીધે મળેલા પારિતોષિકે પંકજને કોલેજમાં ખ્યાતિ અપાવી. સો વ્હોટ? એનાથી શું વળે? ગીત -સંગીત શું કમાવી આપે? એવા વિચારોથી ધૂંધવાતા પંકજનો પરિચય રમેશ સહાની નામના યુવાન સાથે થયો. એને ગઝલનો ગાંડો શોખ. એને ત્યાં પંકજના કાને બેગમ અખ્તરની ગઝલો અફળાવા લાગી. વારંવાર અફળાતા ગઝલના એ શબ્દો પંકજને સ્પર્શી ગયા. એ જમાનામાં આપણે ત્યાં કેસેટોનું ચલણ નહીં જેવું… સારા ગઝલગાયકોની કેસેટ લંડનમાં રેકોર્ડ થઈને ભારત આવતી. રમેશે પોતાના કેસેટ સંગ્રહમાંથી ત્રણેક કેસેટ પંકજને સાંભળવા આપી, જેમાં બેગમ અખ્તર ઉપરાંત પાકિસ્તાનના મોભાના ગાયક મહેંદી હસનની કેસેટ પણ સામેલ હતી. `સ્વર હૃદયને સ્પર્શી જતા, પણ ફૈઝ અહેમદ ફૈઝ જેવા શાયરના શબ્દો માથાની બાઉન્ડ્રી પરથી નીકળી જતા. અર્થ બિલકુલ સમજાય નહીં એવા ભારેખમ ઉર્દૂ શબ્દો…’
પંકજ એ વાત યાદ કરતાં કહે છે: `જો કે કલ્યાણજીભાઈના કહેવાથી એક મૌલવીસાહેબ મનહરભાઈને ઉર્દૂ જબાં અને ગાયકીની તાલીમ આપવા આવતા. મને પણ ઈચ્છા તો જાગે, પરંતુ બબ્બે ટ્યુશનના પૈસા આપી શકીએ એટલી આવક ક્યાં હતી?’ છતાં પંકજે ઉર્દૂ શીખવાનો દૃઢ નિશ્ચય કરી લીધેલો. મૌલવીસાહેબને વારંવાર પાનની તલપ લાગે છે એ દૂર બેસીને પંકજે નોંધી લીધું. તલપના ભાવ મૌલવીસાહેબના ચહેરા પર ઊપસી આવે કે પંકજ દોડીને નીચેથી પાન હાજર કરી દે…! જેટલી વાર પાન લઈ આવે એટલી વાર એક-એક, બબ્બે કરીને ન સમજતા ઉર્દૂ શબ્દોના અર્થ એ પૂછી લે!
આમ એકલવ્યની જેમ શીખેલા ભાંગ્યા-તૂટ્યા ઉર્દૂથી થોડો આત્મવિશ્વાસ બંધાયો એટલે નાની નાની પાર્ટીઓમાં ગઝલો ગાવાનું શરૂ કર્યું… એ દરમિયાન બી.આર. ઈશારાની એ ફિલ્મ `કામના’માં એક ગીત ગાવાની તક મળી. પાંચસો એક રૂપિયાનો પુરસ્કાર પણ મળ્યો. હવે બીજાની પણ ઓફર આવશે. એવી આશામાં તડપતા પંકજને ક્યાંયથી કોઈની બીજી ઑફર આવી જ નહીં… દિવસો વીતવા માંડ્યા. હતાશા વધવા માંડી. આવતી કાલે વાંચો .. કેનેડાનો હતો 1 મહિનાનો વિઝા, પણ ગઝલોનો દૌર જમાવ્યો પૂરા દસ મહિના ! પંકજ ઉધાસની એક નહીં, બે લવસ્ટોરી !