અંડરગ્રાઉન્ડ ‘મેટ્રો’ માટે આજનો દિવસ બન્યો ‘ઐતિહાસિક’, સંપૂર્ણ કોરિડોરમાં આ મહિનાથી મેટ્રો દોડાવી શકાય

મુંબઈઃ મુંબઈગરાને તેની રોજીંદી મુસાફરીમાં ટૂંક સમયમાં રાહત મળે એવા સમાચાર છે. મુંબઈની પ્રથમ ભૂગર્ભ મેટ્રો આજે એક ઐતિહાસિક સીમાચિહ્ન પર પહોંચી ગઈ છે. ‘એક્વા લાઇન’ તરીકે ઓળખાતી મેટ્રો-3 તેના અંતિમ સ્ટેશન, કફ પરેડ સુધી સફળતાપૂર્વક ટ્રાયલ પૂરી કરી છે. આ કારણે મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશન (MMRC) માટે આ દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયો છે. આચાર્ય અત્રેથી કફ પરેડ મેટ્રો લાઇનને મુસાફરોની અવરજવર માટે ખોલવાની દિશામાં હવે એક પગલું આગળ વધ્યું છે, જ્યારે આગામી ચાર મહિનામાં એટલે જુલાઈથી સંપૂર્ણ કોરિડોરમાં મેટ્રો દોડાવવા માટે મેટ્રો પ્રશાસન કટિબદ્ધ હોવાનું જણાવ્યું હતું.
એક્વા લાઇનની કુલ 33.5 કિમી લંબાઈનો 12.69 કિમી (આરે-જોગેશ્વરી વિક્રોલી લિંક રોડથી બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ – BKC)નો પ્રથમ તબક્કો 7 ઓક્ટોબર 2024થી મુસાફરો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. તે પછી, બીજા તબક્કાનો 9.77 કિમી (ધારાવીથી આચાર્ય અત્રે ચોક) પૂર્ણ થવાના આરે છે અને આ સ્ટેશનો વચ્ચે નિયમિત ટ્રાયલ ચાલી રહી છે. આ તબક્કો સાત મહત્વપૂર્ણ સ્ટેશનોને જોડશે.
આ પણ વાંચો: Ahmedabad મેટ્રોના મુસાફરોને મળશે મોટી રાહત, અમદાવાદ ગાંધીનગર વચ્ચે ટ્રેનની ફ્રિકવન્સી વધારાઈ
આજે 10.99 કિમી લાંબા તબક્કા 2B (આચાર્ય અત્રે ચોકથી કફ પરેડ) નું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ઓવરહેડ કેટેનરી સિસ્ટમ (OCS) અને ટ્રેક ઇન્સ્ટોલેશનનું કામ પૂર્ણ થઈ ગયું છે, હવે બાકીની સિસ્ટમ એટલે કે આર્કિટેક્ચરલ ફિનિશિંગ અને પુનઃનિર્માણના કામો ચાલુ છે.
એમએમઆરસીનાં મેનેજિંગ ડિરેક્ટર અશ્વિની ભીડેએ કહ્યું હતું કે આ સફળ પરીક્ષણ અંગે ખુશી વ્યક્ત કરતા કહ્યું હતું કે ધારાવીથી આચાર્ય અત્રે ચોકની ટ્રાયલ ચાલી રહી છે અને હવે મેટ્રો ટ્રેન આચાર્ય અત્રે ચોકથી કફ પરેડના તબક્કા સુધી પણ પહોંચી ગઈ છે. અમે જુલાઇ 2025 સુધીમાં સમગ્ર રૂટ કાર્યરત કરવા માટે કટિબદ્ધ છીએ.
આ પણ વાંચો: મુંબઈ મેટ્રો 7 અને 2 એ વિશે જાણો આ ખાસ અપડેટ…
આજનું સફળ પરીક્ષણ મેટ્રો-3ના કોરિડોરમાં પ્રવાસ કરવામાં પ્રવાસીઓને વધુ સુવિધા મળશે. જોકે, મેટ્રો-3 સંપૂર્ણ રીતે કાર્યરત થયા પછી પશ્ચિમી ઉપનગરો, BKC અને દક્ષિણ મુંબઈને ઝડપી અને અનુકૂળ પરિવહન સુવિધાઓ મળશે. તેથી, મુંબઈવાસીઓનો પ્રવાસનો અનુભવ સુખદ બની શકે છે, એમ અધિકારીએ દાવો કર્યો હતો.
એમએમઆરસીના નિયામક (પ્રોજેક્ટ્સ) એસ. કે. ગુપ્તાએ જણાવ્યું હતું કે મુંબઈગરાને ઉત્તમ અને કાર્યક્ષમ પરિવહન સેવાઓ પૂરી પાડવા માટે અંતિમ તબક્કાના કામો ઝડપથી પૂર્ણ કરવામાં આવી રહ્યા છે.