પુણે બળાત્કાર કેસ: પરિવહન પ્રધાને 15 એપ્રિલ સુધીમાં ડેપોનું સેફ્ટી ઓડિટ અને ભંગાર બસોના નિકાલનો આદેશ આપ્યો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પુણેના સ્વારગેટ ડેપોમાં રાજ્ય પરિવહનની બસમાં 26 વર્ષની યુવતી પર બળાત્કાર થયાના એક દિવસ પછી, મહારાષ્ટ્રના પરિવહન ખાતાના પ્રધાન પ્રતાપ સરનાઈકે ગુરુવારે મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ પરિવહન નિગમ (એમએસઆરટીસી)ની બસો અને ડેપોમાં સુરક્ષા વધારવા માટે અનેક પગલાંની જાહેરાત કરી હતી.
તેમણે 15 એપ્રિલ સુધીમાં આર્ટિફિશિયલ ટેકનોલોજીનો ઉપયોગ કરીને બસોમાં સીસીટીવી કેમેરા અને જીપીએસ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવા, બસોમાં એલાર્મ અને લોકીંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવા, વિવિધ ડેપોમાં પાર્ક કરેલી ભંગાર થઈ ગયેલી બસો, ફોર-વ્હીલર અને ટુ-વ્હીલરનો નિકાલ કરવાનો અને તમામ બસ ડેપોનું સેફ્ટી ઓડિટ કરવાનો આદેશ આપ્યો હતો.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે વિભાગ સુરક્ષા સંબંધિત મુદ્દાઓની દેખરેખ અને સંચાલન માટે એમએસઆરટીસીમાં એક વરિષ્ઠ આઈપીએસ અધિકારીની નિમણૂંક માટે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને અપીલ કરશે.
આપણ વાંચો: પુણેમાં એસટી બસમાં યુવતી પર બળાત્કાર: ફરાર આરોપી વિશે માહિતી આપનારને એક લાખનું ઇનામ જાહેર
તેમણે જણાવ્યું હતું કે, વિભાગ અને એમએસઆરટીસી રાજ્યભરના બસ ડેપોમાં વધુ સુરક્ષા ગાર્ડ તહેનાત કરવા માટે વિવિધ ઉપક્રમો અને રાજ્ય સુરક્ષા બોર્ડની પણ મદદ લેશે.
હાલમાં, ફક્ત 2,700 સુરક્ષા ગાર્ડ છે, જેમાં મહિલાઓની સંખ્યા ઓછી છે, તેથી વિભાગ વધુ સુરક્ષા ગાર્ડ અને સુરક્ષા ગાર્ડ તરીકે લગભગ 15 થી 20 ટકા વધારાની મહિલાઓની નિમણૂક કરવાનો વિચાર ચાલી રહ્યો છે.
આપણ વાંચો: બસમાં યુવતી પર થયેલા બળાત્કાર મુદ્દે સુપ્રિયા સુળેએ તંત્રની કાઢી ઝાટકણી
એસટીના ડેપોમાં હાલની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવા અને ખાસ કરીને મહિલાઓની સુરક્ષા સુધારવા માટે લેવામાં આવનારા વધુ પગલાં લેવા માટે પરિવહન વિભાગ અને એસટીના અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠકનું અધ્યક્ષપદ સંભાળ્યા બાદ સરનાઈક બોલી રહ્યા હતા. તેમણે બળાત્કારના કેસની તપાસના આદેશ આપી દીધા છે અને વહીવટીતંત્રને તેમની કામગીરીમાં ખામીઓ જણાય તો સંબંધિત અધિકારીઓને સસ્પેન્ડ કરવા જણાવ્યું છે.
એસટીના કાફલામાં નવી સામેલ એસી બસો સહિત લગભગ 15,000 બસો છે. લગભગ 800 બસ ડેપો અને સ્ટેશનો છે જ્યાં આ સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરવામાં આવશે અને સ્વચ્છતા પણ લાગુ કરવામાં આવશે.