રિઝવાનના મુદ્દે ટીમના જ ખેલાડીનો શૉકિંગ ખુલાસો, ઇમરાનની ચિંતા બહેન અલીમાએ મીડિયામાં વ્યક્ત કરી

કરાચીઃ મોહમ્મદ રિઝવાનના સુકાનમાં પાકિસ્તાનની ટીમ પોતાના જ યજમાનપદ વચ્ચે ન્યૂ ઝીલૅન્ડ સામે 60 રનથી અને પછી ભારત સામે છ વિકેટે પરાસ્ત થતાં સ્પર્ધાની બહાર ફેંકાતાં ટીમમાંની જૂથબંધી તેમ જ ભૂતપૂર્વ કૅપ્ટન ઇમરાન ખાનની પ્રતિક્રિયા હાલમાં પાકિસ્તાનમાં ખૂબ ચર્ચામાં છે.
પાકિસ્તાની ટીમના ખરાબ પ્રદર્શનને લઈને એક વીડિયો વાઇરલ થયો છે જેમાં ભૂતપૂર્વ કૅપ્ટન ઇન્ઝમામ-ઉલ-હકના ભત્રીજા અને વર્તમાન ટીમના ઓપનર ઇમામ-ઉલ-હકે ટીમમાંની આંતરિક મતભેદો અને જૂથબંધીની વાત કરી છે. ઇમામને એક મુલાકાતમાં પૂછાયું કે ટીમનો લીડર કોણ છે? એના જવાબમાં ઇમામે કહ્યું, બધા અંદરોઅંદર લડી રહ્યા છે.
આપણ વાંચો: ભારતે પાકિસ્તાનની ટીમને બહાર બોલાવી અને ચીંથરેહાલ કરીને પાછી મોકલી!ઃ હજી પણ ટીકાનો વરસાદ ચાલુ છે
' ઇમામે ડિસેમ્બર, 2024ના એક પૉડકાસ્ટ પરના ઇન્ટરવ્યૂમાં વધુમાં કહ્યું કે
હમણાં તો મને લીડરનું નામ તરત યાદ જ નથી આવતું. બધા અંદર-અંદર લડ્યા કરતા હોય છે. અમે બધા હોટેલમાં હોઈએ ત્યારે કૅપ્ટન મોહમ્મદ રિઝવાન નમાઝ માટે રૂમ શોધતો રહેતો હોય છે અને બધાને ભેગા કરતો હોય છે.

સામાન્ય રીતે અમે કોઈ પણ હોટેલમાં જઈએ ત્યારે સૌથી પહેલાં તો નમાઝ માટે રૂમ શોધવામાં આવે છે, ચાદર પાથરવામાં આવે છે, હોટેલના વર્કર્સ નૉન-મુસ્લિમ હોય તો તેમને રૂમમાં આવવાની મનાઈ કરવી, વ્હૉટઍપ પર ગ્રૂપ બનાવવું અને શેડ્યૂલને લગતા ટાઇમિંગ મોકલવા. આ બધુ કામ રિઝવાન કરે છે.’
કેટલાક મીડિયાના અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે કૅપ્ટન રિઝવાન અને કોચ અકિબ જાવેદ વચ્ચે બનતું નથી. બન્ને વચ્ચે ટીમના સિલેક્શનના મુદ્દે મતભેદ હતો.
ચૅમ્પિન્સ ટ્રોફીમાં સુકાની રિઝવાનનો પર્ફોર્મન્સ સારો નથી રહ્યો. ન્યૂ ઝીલૅન્ડ સામે તે ત્રણ જ રન બનાવી શક્યો હતો અને ભારત સામે તેણે 77 બૉલમાં 46 રન બનાવ્યા હતા જેને લીધે ધીમી બૅટિંગ બદલ તેની ટીકા થઈ હતી.
દરમ્યાન ભૂતપૂર્વ કૅપ્ટન ઇમરાન ખાન પાકિસ્તાની ટીમના ચૅમ્પિયન્સ ટ્રોફીમાંના તેમ જ ખાસ કરીને ભારત સામેના પર્ફોર્મન્સ બદલ ખૂબ નિરાશ છે. આ જાણકારી ઇમરાનની બહેન અલીમા ખાને આપી છે.
ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાન રાવલપિંડીની અદિયાલા જેલમાં છે. ત્યાં તેને મળીને આવ્યા બાદ અલીમા ખાને સોશિયલ મીડિયામાં જણાવ્યું છે કે `કટ્ટર હરીફ ભારત સામેના ખરાબ પ્રદર્શન બદલ ઇમરાન ખૂબ પરેશાન છે.
મારા ભાઈ ઇમરાન પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (પીટીઆઇ)ના સંસ્થાપક છે અને તેમણે જેલમાં ભારત સામેની મૅચ ટીવી પર જોઈ હતી. તેમણે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ મોહસિન નકવીની ક્ષમતાઓ પર પણ સવાલ ઊઠાવ્યા છે તેમ જ ક્રિકેટના વહીવટમાં ટોચ પર સરકારે જે નિયુક્તિઓ કરી છે એ બાબતમાં પણ નિરાશા વ્યક્ત કરી છે.
મારા ભાઈ ઇમરાનનું એવું માનવું છે કે બોર્ડમાં નિર્ણય લેનાર સત્તાના સ્થાને જો કઠપુતળી જેવા હોદ્દેદારોને બેસાડવામાં આવતા રહેશે તો પાકિસ્તાન ક્રિકેટ નેસ્તનાબૂદ થઈ જશે.’