‘મારી પાસે ભારતમાં કોઈ જમીન કે ઘર નથી…’ સામ પિત્રોડાએ આવી સ્પષ્ટતા કેમ કરી?

બેંગલુરુ: ગઈ કાલે બુધવારે ભારતીય જનતા પાર્ટી(BJP)ના નેતા એનઆર રમેશે (NR Ramesh) ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના વડા સેમ પિત્રોડા (Sam Pitroda) સામે ગંભીર આરોપો લગાવ્યા હતાં, જેનો સામ પિત્રોડાએ જવાબ આપ્યો છે. પિત્રોડાએ કહ્યું કે તેમની પાસે ભારતમાં કોઈ જમીન, ઘર કે શેર નથી.
Also read : સીમાંકનને કારણે દક્ષિણ ભારતની એક પણ સંસદીય સીટ પર અસર થશે નહીંઃ અમિત શાહ
સામ પિત્રોડા પર આરોપ લગાવવામાં આવ્યો હતો કે તેમને વન વિભાગના અધિકારીઓ સહિત પાંચ વરિષ્ઠ સરકારી અધિકારીઓની મદદથી બેંગલુરુના યેલહંકામાં 150 કરોડ રૂપિયાની 12.35 એકર સરકારી જમીન ગેરકાયદેસર રીતે હસ્તગત કરી હતી.
ED સમક્ષ ફરિયાદ:
બ્રુહત બેંગલુરુ મહાનગર પાલિકે (BBMP) ના ભૂતપૂર્વ કાઉન્સિલર એનઆર રમેશે આ આરોપોના સંદર્ભમાં ED અને કર્ણાટક લોકાયુક્તમાં ફરિયાદ પણ નોંધાવી છે. સામ પિત્રોડાએ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું “મીડિયામાં જે પ્રકારના અહેવાલો પ્રકાશિત થયા છે, એ અંગે હું સ્પષ્ટતા કરવા માંગુ છું કે મારી પાસે ભારતમાં ન તો જમીન છે, ન તો ઘર છે, ન તો શેર છે.”
પગાર પણ નથી લીધો:
સામ પિત્રોડાએ વધુમાં કહ્યું, “મેં 1980 ના દાયકામાં તત્કાલીન વડા પ્રધાન રાજીવ ગાંધીના કાર્યકાળ દરમિયાન અને 2004 થી 2014 દરમિયાન ડૉ. મનમોહન સિંહના કાર્યકાળ દરમિયાન ભારત સરકાર સાથે કામ કરતી વખતે પગાર પણ લીધો ન હતો.”
તેમણે કહ્યું કે મારા 83 વર્ષના જીવનમાં મેં ક્યારેય ભારતમાં કે અન્ય કોઈ દેશમાં લાંચ લીધી નથી કે આપી નથી. તેથી, મારા વિશે જે કહેવામાં આવી રહ્યું છે તે સંપૂર્ણપણે જુઠ્ઠાણું છે.
જાણો શું છે મામલો:
ભાજપના નેતા એનઆર રમેશે EDને કરેલી ફરિયાદમાં જણાવ્યું કે સામ પિત્રોડાએ 23 ઓક્ટોબર, 1993ના રોજ મુંબઈમાં ફાઉન્ડેશન ફોર રિવાઇટલાઇઝેશન ઓફ લોકલ હેલ્થ ટ્રેડિશન્સ નામની સંસ્થાની સ્થાપી હતી. પિત્રોડાએ કર્ણાટક વન વિભાગને વિનંતી કરી હતી કે મેડિસીન હર્બલ પ્લાન્ટ્સ અને રીસર્ચ માટે સંરક્ષિત વન વિસ્તારમાં લીઝ પર જમીન ફાળવવામાં આવે.
તેમની વિનંતી પર, કર્ણાટક વન વિભાગે તેમને 1996માં પાંચ વર્ષની લીઝ પર પાંચ હેક્ટર જમીન ફાળવી. 2001માં જ્યારે લીઝનો સમયગાળો પૂરો થયો, ત્યારે લીઝ 10 વર્ષ માટે લંબાવવામાં આવી.
Also read : ‘AAP’એ રાજ્યસભાના સાંસદ સંજીવ અરોરાને લુધિયાણા પશ્ચિમથી ટિકિટ આપી, કેજરીવાલની થઈ શકે એન્ટ્રી?
એનઆર રમેશે દાવો કર્યો કે 2 ડિસેમ્બર, 2011 ના રોજ લીઝનો સમયગાળો પૂરો થયા પછી, તેને લંબાવવામાં આવ્યો ન હતો. આવી સ્થિતિમાં, વિભાગે તેમની પાસેથી 12.35 એકરની આ સરકારી જમીન પરત મેળવી લેવી જોઈતી હતી, પરંતુ છેલ્લા 14 વર્ષમાં આ કાર્યવાહી કરવામાં આવી નથી. એનઆર રમેશે EDને આ મામલા સાથે જોડાયેલા તમામ લોકો સામે ફોજદારી કેસ નોંધવા વિનંતી કરી છે.