વિવાદાસ્પદ ટિપ્પણી કરીને મેં‘ભૂલ’કરી: અલાહાબાદિયાની પોલીસ સમક્ષ કબૂલાત

મુંબઈ: પ્રસિદ્ધ પોડકાસ્ટર અને યુટ્યૂબર રણવીર અલાહાબાદિયાએ કોમેડી શો ‘ઈન્ડિયા’ઝ ગૉટ લેટન્ટ’માં માતા-પિતાને ઉદ્દેશીને કરેલા બીભત્સ સવાલ બાદ ગુનો નોંધવામાં આવતાં મહારાષ્ટ્ર સાયબર પોલીસ સમક્ષ હાજર થયેલા અલાહાબાદિયાએ કબૂલ્યું હતું કે વિવાદાસ્પદ ટિપ્પણી કરીને તેણે ‘ભૂલ’ કરી હતી.
અલાહાબાદિયાએ વડીલો અને સેક્સ સંબંધી અશ્ર્લીલ ટિપ્પણી કરતાં વિરોધનો વંટોળ ઊભો થયો હતો. આ મામલે ખાર પોલીસ અને મહારાષ્ટ્ર સાયબર તપાસ કરી રહી છે. સાયબર પોલીસે તો આ પ્રકરણે એફઆઈઆર પણ નોંધ્યો હતો.
સોમવારે અલાહાબાદિયા અને યુટ્યૂબર આશિષ ચંચલાની તેમનાં નિવેદન નોંધાવવા મહારાષ્ટ્ર સાયબરના અધિકારીઓ સમક્ષ હાજર થયા હતા. નિવેદનમાં અલાહાબાદિયાએ જણાવ્યું હતું કે યુટ્યૂબના શોમાં વિવાદાસ્પદ કમેન્ટ્સ કરીને તેણે ભૂલ કરી હતી, જેને કારણે તેની સખત ટીકા થઈ હતી.
આ પણ વાંચો : રણવીર અલાહાબાદિયાનો અશ્લીલ કમેન્ટવાળો વીડિયો યુટ્યુબ પર બ્લોક, સરકાર એક્શનના મૂડમાં…
શો દરમિયાન અમુક ચોક્કસ શબ્દોનો ઉપયોગ કર્યો એ તેની ભૂલ હોવાની કબૂલાત અલાહાબાદિયાએ કરી હતી.
અલાહાબાદિયાએ અધિકારીઓને જણાવ્યું હતું કે સમય રાઈના તેનો મિત્ર છે અને તે માત્ર તેના માટે શોમાં ગયો હતો. શોમાં જવા માટે કોઈ આર્થિક લાભ લીધો ન હોવાનો દાવો પણ તેણે કર્યો હતો.
આ મામલે મહારાષ્ટ્ર સાયબરે મંગળવારે સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર અપૂર્વા મખિજાનું પણ નિવેદન નોંધ્યું હતું. આ પ્રકરણમાં અભિનેત્રી રાખી સાવંતને પણ 27 ફેબ્રુઆરીએ નિવેદન નોંધાવવા હાજર રહેવાના સમન્સ મોકલાયા હતા. (પીટીઆઈ)